યુગવંદના/એ જ પ્રાણ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← નિર્ભય યુગવંદના
એ જ પ્રાણ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
થાકેલો →


એ જ પ્રાણ
[છંદ : ગુલબંકી]


એ જ પ્રાણ :
એ જ એ જ એ જ પ્રાણઃ
માહરા શરીરની રગે રગે
રુધિર-તરંગ છોળતો : જગ જગે
ઘૂમી રહ્યો વિજયવંતે પદે પદે
વિરાટ પ્રાણ : એ જ પ્રાણ.
એ જ પ્રાણ નાચતો ત્રિભુવને,
અઘોર છંદ તાલ તાન સ્પન્દને
નચાવતો નિશા-પ્રદીપ વૃન્દને –
દિનોને, રાત્રિઓને, પુષ્પ-ગંધને
અનંત પ્રાણ, એ જ પ્રાણ.

અંકુર, તૃણે, વસુંધરાની ધૂલિ-ગોદમાં
પ્રવેશતો : જગાવી રોમેરોમમાં
ધ્રુજાટ હર્ષના : અનંત નીલિમાં
ઉછાળનાર એ જ પ્રાણ; વિશ્વપ્રાણ.

જન્મ મૃત્યુ સાગરે હિંડોળ જે
જુવાળના ચગાવતો : રજે રજે
મચાવતો પ્રચંડ આંધી ગુમ્બજે
વિરાટને : ભૂકંપની થપાટથી રસાતલે
ઉલેચતો હુતાશ-દેગ :એ જ પ્રાણ, એ જ પ્રાણ.