રસિકવલ્લભ/પદ-૧૦
← પદ-૯ | રસિકવલ્લભ પદ-૧૦ દયારામ |
પદ-૧૧ → |
પદ ૯ મું.
સોરઠ સોમેશ્વર સુર સેવા જી, નાગેશ્વર ધુષ્મેશ્વર દેવા જી;
અરબુદાચળ અતિજ પ્રલંબા જી, આરાસુરમાં દેવી અંબાજી. [૧]૧
સિદ્ધપુરે હું વળતો ધાયોજી, સરસ્વતીપ્રાચી જલપૂત ન્હાયોજી;
બિન્દુસરોવર મજ્જન કીધુંજી, ગોવિંદ માધવ દર્શન લીધુંજી.૨
ઢાળ
લીધું પરમ સુખ ડાકોર, ગોમતિ સ્નાન પૂરણ કોડ,
સાક્ષાત્ શ્રીદ્વારકાપતિ નિરખિયા શ્રીરણછોડ. ૩
મહિસાગર નહાઈ, પાવાગઢ કાલિકા દેવી સેવ.
પછી મેવાડે જઈ પૂજિયા, શ્રીએકલિંગજી મહાદેવ. ૪
પછી શ્રીજીદ્વારે હું ગયો, જે પરમ પાવન ધામ;
મેં નિરખિયા શ્રીનાથજી, પરબ્રહ્મ પૂરણ કામ. ૫
સહુ તીર્થગુરુપુષ્કર તીરથ, ત્યાં સ્નાન કરી હરિ દર્શ;
ચર્મન્વતી વેદિકા સુર નદી, નહાઈ પામ્યો હર્ષ. ૬
પછી વ્રજમંડળ ફરી આવિયો, એ મુખ્ય નામોચ્ચાર;
જો વિધિવત્ વર્ણન કરૂં, તો ગ્રંથ થાય વિસ્તાર. ૭
એમ કહી પુનિત તીર્થાવળી, શ્રદ્ધા સુણે વા ગાય;
તો દયાપ્રીતમ કૃષ્ણ રીઝે સહુ તીરથ ફળ થાય. ૮
- ↑ ૧ સોમેશ્વર–સોરઠી સોમનાથ સુર ઈ૦—એ દેવની સેવાકરી નાગેશ્વર— ધુષ્મેશ્વર-એ સોરઠમઠ મહાદેવના તીર્થ છે. અરબુદાચળા-આરાસુરની પાસે પહાડ છે (પાહાડ)