રસિકવલ્લભ/પદ-૧૧
← પદ-૧૦ | રસિકવલ્લભ પદ-૧૧ દયારામ |
પદ-૧૨ → |
પદ ૧૦ મું
સુણી એમ બોલ્યા ગુરુરાયજી, હરિ કરુણા હોય તો એ થાયજી;
પૂછ્ય હવાં તું ધાર્યા પ્રશ્નજી. સંશય છૂટે પૂરણ તૃષ્ણજી. ૧
શિષ્ય વદ્યો એમ સુણિ શિર નામીજી, પ્રથમ જ એ પૂછું છું સ્વામીજી,
કહો ક્યમ આત્યંતિક કલ્યાણજી, નિગમાગમમાં જે પ્રમાણજી. ૨
ઢાળ
પ્રમાણ નિગમાગમ વિષે, જે પામી પડવું નહિ ક્દા;
પદ પ્રાપ્ત તે ક્યમ થાય, છૂટી જન્મમરણની આપદા. ૩
સુણી એહવું બોલ્યા શ્રીગુરુ, તે સુંદર પૂછ્યું પ્રશ્ન;
તે સકલ સિદ્ધિ થાય પૂજ્યે પરમેશ્વર તજી તૃષ્ણ. ૪
એહવું સુણી બોલ્યો શિષ્ય કો પ્રભુ ! પરમેશ્વર કોણ ?
નિજમત્યે કહે સહુ જૂજુવા ક્યમ લહિયે આજ પ્રમાણ. ૫
કોઈ વિષ્ણુ કહે શિવ શક્તિ કો ગણપતિ કોઈ દિનેશ;
ઈત્યાદિ બહુ ઋષિ મત સુણ્યા કહો કેટલા પરમેશ ? ૬
હે બાળ તું મોહજાળ ભ્રમ્ય મા પરમેશ્વર તો એક;
પણ સમજ વણ સંશય રહે તુંને નથી પક્વવિવેક. ૭
એક યુક્તિથી સમજાવું બહુ પરમેશ કહે જડ એમ;
પણ દયાપ્રીતમ કૃષ્ણ છે. સર્વેશ તજ્ય મન વહેમ. ૮