રસિકવલ્લભ/પદ-૧૨
← પદ-૧૧ | રસિકવલ્લભ પદ-૧૨ દયારામ |
પદ-૧૩ → |
પદ ૧૧મું
એક સદનમાં જન દશ બારજી, જેહના કહ્યામાં તે સિરદારજી;
સદનાધિપ એહવા જ્યમ અત્યજી, જ્ઞાત્યધિપ તેહનો અધીપત્યજી. ૧
જ્ઞાત્યધિપ એહવાનું જૂથજી, તેનો પરમેશ્વર પૂર ભૂપજી;
ભૂપ ઘણા એહવા પરમાણોજી, દેશપતિ તેહનો પ્રભુ જાણોજી. ૨
ઢાળ
જેમ જાણો પ્રભુ તેહનો વળી તેહવાનું વૃંદ;
તેહનો સ્વામી મુલકતણો અધિપ, પહેલી પડી પ્રભુતા મંદ. ૩
બહુ મુલક પતિ ઘણી ખંડપતિ, નવખંડ પતિ પતિદ્વીપ;
શત દ્વિપના પતિ તદ્દશિરે નૃપ ચક્રવર્તી અધિપ. ૪
તેહવાનો ઈશ્વર ઇન્દ્ર એમ ઐશ્વર્ય ક્રમ ક્રમ જ્યેષ્ટિ;
સુરનાથ અનલાનીલ યમ વરુણાદિ પ્રભુ પરમેષ્ટી. ૫
વિધિ શિવશિવા વિઘ્નેશ રવિ પ્રભૃતિ પરિવૃઢ શેષ;
શ્રીશેષ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન વારુદેવ દેવ રમેશ. ૬
શ્રીમન્નારાયણ વિશ્વરૂપ સમાન અક્ષરબ્રહ્મ;
તેહેમના પણ પ્રભુ પરમ કારણ પૂર્ણ પુરુષોત્તમ. ૭
જેહની ન કોઈ બરાબરી, તો અધિક ક્યહાં થકી હોય ?
જન દયાપ્રીતમ તે જ પરમેશ્વર ન બીજો કોય. ૮