રસિકવલ્લભ/પદ-૯
← પદ-૮ | રસિકવલ્લભ પદ-૯ દયારામ |
પદ-૧૦ → |
નદી પયોષ્ણી મજ્જન કીધુંજી, રેવાસાગર નાહિ પય પીધુંજી; પર્શુરામ લોટેશ્વર તીર્થજી, ભૃગુક્ષેત્ર ન્હાયો શુભ અર્થજી. ૧
યજ્ઞ કર્યા જ્યાં બડભાગીજી, શ્રીવામનજી ભીક્ષા માગીજી; શુક્લતીર્થ ઈશ્વર ૐકારજી, રેવોસિંગ માહાત્મ્ય અપારજી. ૨
ઢાળ
છે અપાર મહિમા ચંડિપુરિ શ્રીશેષશાયિભગવાન શ્રી વ્યાસક્ષેત્ર શુકાશ્રમ શૂભાદક્ષેત્ર મહાન. ૩
ૐકારનાથજી નિરખિયા નર્મદા નિર્મળ સ્નાન; મહિષ્મતીપુરિ પરમ પાવન શાસ્ત્રમાં એમ જ્ઞાન. ૪
પુરિ અવંતી મહાકાલેશ્વર ક્ષિપ્રા તીર્થ પાવન; શ્રીદ્વારિકાપુરિ પછી ગયો જ્યહાં સદા જગજીવન. ૫
ગોમતીસાગર ચક્રતીર્થે કર્યું સ્નેહે સ્નાન; પછી શંખોદ્ધાર બેટે નિરખિયા કૃષ્ણ શ્રીભગવાન. ૬
શ્રીત્રિકમ માધવ પુરૂષોત્તમ નિરખિયા કુંવર કલ્યાણ; રુકમણી રાધા જાંબુવતી સત્યભામાદિ, પ્રભુ પ્રાણ. ૭
વિધિવત્ કરી સહુ નારાયણસર તીર્થ અતિ ઉત્કર્ષ; પછી પિંડતારક પ્રવાસ ન્હાયો સુદામાપુરિ દર્શ. ૮
કુંડ દામોદર ગિરિનાર યાત્રા જીર્ણગઢ જ્યહાં ગામ; જન દયાપ્રીતમ ભક્ત સ્થળ નરસિંહ મહેતો નામ. ૯
(પૂર્ણ)