રસિકવલ્લભ/પદ-૧૦૧
← પદ-૧૦૦ | રસિકવલ્લભ પદ-૧૦૧ દયારામ |
પદ-૧૦૨ → |
પદ ૧૦૦ મું
નામ કૃષ્ણનું શિરોમણિ સહુનુંજી, મૂળધર્મ સાધનાદિ બહુનુંજી;
જપતાં સર્વે ચિંતા ચૂર્ણજી, મનોકામના સઘળી પૂર્ણજી. ૧
નામે નામી ઉરમાં વાસેજી, અઘ દુઃખ સંદેહ સઘળા નાસેજી;
નામે નામી નામ પ્રતીતિજી, અંતક અવિદ્યા ભાજે ભીતિજી. ૨
ઢાળ
ભીતિ હરે હરિ પ્રીતિ આપે, પરમાનંદ પદ દાય;
શ્રીકૃષ્ણ નામ પ્રભાવ કૃષ્ણે પણ કહ્યો નવ જાય. ૩
હરિ નામ કોટિક અપર તુલ્ય ન, નામ કૃષ્ણ વ્રજેશ;
જ્યમ બીજથી ચઢતી કળા, શશી કો ન સમ રાકેશ. ૪
છે પૂર્ણ ઇંદુ કૃષ્ણ કેવળ, શરદ સહ શ્રીકૃષ્ણ;
નારાયણે વિધિ કહ્યું સ્કંધે, ઉત્તર સુણ વણ પ્રશ્ન. ૫
ગૌ, કામ, સુરદ્રુમ, ચિંતામણિ, નહિ કૃષ્ણ નામ સમાન;
હિત અહિત સમજી નામ રીતે, એ ન દે વરદાન. ૬
સત્સંગ કરવો પ્રયત્ને, સેવવા શ્રીવ્રજરાય;
દુઃસંગથી ત્યમ નાસવું, પછી બન્યું હરિ ઇચ્છાય. ૭
લાવી ભરોંસો આળસી, વિસરવું ન શ્રીહરિ નામ;
ગુણ જ્ઞાન ક્ષણું ન છોડવું, દયા પ્રીતમ સુંદર શ્યામ. ૮