રાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૧ લો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  અંક પાંચમો: પ્રવેશ ૪ રાઈનો પર્વત
અંક છઠ્ઠો: પ્રવેશ ૧
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૨ →


અંક છઠ્ઠો
પ્રવેશ ૧ લો
સ્થળ : રંગિણી નદીનો કિનારો.
[ જગદીપ નદીતટે શિલાપર બેઠેલો પ્રવેશ કરે છે. ]
 
જગદીપ : આ રમણીય સ્થળ આટલું પાસે છતાં અહીં હું કદી આવ્યો જ નથી, એ કેવું નવાઈ જેવું ! કિસલવાડી અને કનકપુર વચ્ચે હું બહુ ફર્યો છું, અને આખું કનકપુર ફરી વળ્યો છું. પણ, કનકપુર મૂકીને ઉત્તરે આ પહેલાં હું કદી આવ્યો જ નથી, એ કેવું ! પણ આઘે નદી બાગમાં થઈને જાય છે, અને, બાગમાં અગાડી મોટું મકાન દેખાય છે, તોપણ શીતલસિંહ મને આ તરફ કદી લાવ્યા નથી, અને એ મકાન વિશે મને તેમણે કાંઈ માહિતી આપી જ નથી ! હશે. પણ શીતલસિંહનું શું થશે ? હું એમને કે જાલકાને મળવા રહો હોત તો એમની બન્નેની ક્ષમા માગી શકત. ક્ષમા! અમારા ત્રણમાંથી ક્ષમા કોણે કોની માગવાની ! વળી હું રાતે બારોબાર નીકળી આવ્યો ન હોત તો મને આવી સ્વતંત્રતા ક્યાંથી મળત ! એ સ્વતંત્રતાના ઉપભોગમાં અરુણોદયથી કેવો ઉલ્લસ થાય છે.

(વસંતતિલકા)

ધિમે ધિમે સ્ફુરતું જે ગગને પ્રભાત
એકાત્મ તે શું થઈ આ પૃથિવી સમસ્ત!
જ્યાં ત્યાં પ્રભાત ફુટતું જલ વાયુ વૃક્ષે!
ફૂટે પ્રભાત વળિ પક્ષિનિ પાંખમાંથી ! ૬૫

અને મારામાંથી પણ પ્રભાત પ્રગટ થતું લાગે છે.
[સંગીત સંભળાય છે.]
 

અહો ! ધ્વનિ શાનો સંભળાય છે? સંગીતનો સ્વર નદીના પટ ઉપર થઈને ચાલ્યો આવે છે. (દૃષ્ટિ લાંબે નાખીને) નદીમાં હોડી છે. તેમાં બે સ્ત્રીઓ છે: એક હંકારે છે અને એક સારંગીના વાદ્ય સાથે ગાય છે. કેવો મધુર કંઠ ! હોડી આ તરફ આવે છે. પણ નદી બાગમાંથી બહાર નીકળે છે ત્યાં નદીના પટ ઉપર ઝૂલતો ઝાંપો છે, એટાલે અહીં સુધી હોડી આવશે નહિ. હું અહીંજ બેસીને સાંભળું. આ ચંબેલીના છોડનો ઓથો છે, તેથી હું નજરે નહિ પડું.

[નદી પર તરતી હોડીમાં બેઠેલાં વીણાવતી અને લેખા આઘેથી આવતાં પ્રવેશ કરે છે. લેખા હોડી હંકારે છે અને વીણાવતી સારંગી વગાડી ગાય છે.]

વીણાવતી :

(ભૈરવી)

વિનવું, માર્ગ કરો ! વહે મુજ નાવ.
રોક નદી! તુજ પ્રતિકૂળ સ્રોત તું, આ નાવ સમાવ; વિનવું.
વાયુ ! ધસે જે વેગ તુજ સામો, નાવ કાજ તે હઠાવ; વિનવું.;
કાષ્ઠ ! તું તજ આ જડ ભાર તારો, નાવ હલકી બનાવ; વિનવું.
જાઓ છુટી સહુ સ્થૂલ મુજ બન્ધન, સૂક્ષ્મગતિ ! તું આવ; વિનવું.
સરલ પથ મન અભિલાષા... ... ... ૬૬

જગદીપ : એકાએક સંગીત બંધ કેમ થયું ? (દ્રષ્ટિ કરીને) અરે ! પણે હોડી ડૂબે છે !(ઊભો થાય છે.)
['કોઈ આવજો વે' એવે બૂમ સંભળાય છે.]
 

હું શી રીતે જઈ પહોંચું ? બાગની આસપાસ તો ઊંચો કોટ છે. હા! નદીના પટ પરનો ઝૂલતો ઝાંપો એક ઠેકાણે તૂટેલો છે ! નદીમાં થઈને એ રસ્તે જાઉં. પાણી ઊંડું

આવશે ત્યાં તરીશ.

[નદીમાં પ્રવેશ કરીને ઉતાવળો જાય છે. હોડીમાં પાણી ભરાઈ જતાં હોડી ડૂબે છે, અને વીણાવતી અને લેખા પાણીમાં પડે છે. જગદીપ ત્યાં જઈ પહોંચે છે. લેખા તાણાઈને આઘે જાય છે. વીણાવતી પાણીમં નીચે જાય છે, જગદીપ વીણાવતીને ઊંચકી કિનારે લઈ આવે છે અને સુવાડે છે.]

એણે પાણી પીધું નથી. માત્ર ધ્રાસકાથી બેભાન થઈ ગઈ છે. બાઈ ! બાપુ ! જાગ્રત થાઓ! અહો ! કેવું અદ્ભુત લાવણ્ય!

અંગે અંગે પટ જલ તણું ઝીણું એને વિટાયું,
ધોળું કેવું ચકચક થતું કાન્તિથી તે છવાયું!
ચારે પાસે તૃણમય ધરા તેજ-સંક્રાન્તિ પામી
દીપે જાણે લિલમથિ જડી ભૂમિ પ્રાસાદમાંથી ૬૭

અને, આ પણ કોઈ પ્રાસાદમાંની જ કોઈ લાવણ્યશ્રી છો. પણ, અરે, આ મૂર્છાગત થયેલી પરવશ સ્ત્રીના અંગનું નીરીક્ષણ કરવું એ યોગ્ય છે ? હું આડી દૃષ્ટિ રાખીને જ એને જગાડવા પ્રયન્ત કરીશ. (આડું જુએ છે) બાઈ ! ઊઠો! }}

[લેખા ભીને લૂગડે પ્રવેશ કરે છે.]
 
લેખા : હાય ! હાય ! કુંવરીબાનું શું થયું ?(જગદીપને જોઈને અટકીને) તમે કોણ છો ?
જગદીપ : હોડી ડૂબતી જોઈને હું મદદે દોડી આવ્યો છું અને આમને મેં પાણીમાંથી બહાર કાઢીને સુવાડ્યાં છે. જુઓ એ હાલ્યાં !
[લીલાવતી આંખ ઉઘાડે છે.]
 
વીણાવતી : લેખા ક્યાં છે?
લેખા : આ રહી. હું તમારી પાસે જ છું.

વીણાવતી : આપણે શી રીતે બચ્યાં ?
લેખા : હું તો વહેણમાં થોડું તણાઈને પછી કિનારા તરફ જતાં છોડવાં ને ઝાલીને બહાર નીકળી આવી. તમે તો હોડી આગળ જ ડુબ્યાં તે આમણે તમને બહાર કાઢ્યાં.
[વીણાવતી બેઠી થઈને જગદીપ તરફ જુએ છે અને પછી નીચું જુએ છે.]
 
વીણાવતી : લેખા ! હાલ તો આપણે અહીંથી જવું જોઈએ. આપણાં લૂગડાં ભીનાં છે. આપણા નોકરો આ આવી પહોંચ્યા.
[નોકરો પ્રવેશ કરે છે.]
 
લેખા : (નોકરોને) બા માટે પાલખી લઈ આવો.
[નોકરો જાય છે.]
 
લેખા : (જગદીપને) અમે આપનાં બહુ આભારી છીએ, પણ હવે આપ સિધાવો. આ ભૂમિમાં કોઈ પરાયાએ પેસવું નહિ એવી સખત આજ્ઞા છે.
વીણાવતી : લેખા ! એમ અસભ્ય થવાય ?
લેખા : ત્યારે શું એમને આપણે ત્યાં આવવાનું નિમંત્રણ કરું ?
વીણાવતી : એવી અમારી ઇચ્છા છે એમ મેં તને ક્યારે કહ્યું ?
જગદીપ : આ અકસ્માત બનાવથી આમેન્ કાંઈ અસ્વસ્થતા થઈ નથી, એ સમાચાર મને મળે તો હું ઉપકૃત થાઉં.
લેખા : એ કેવળ અશક્ય છે.
[નોકરો પાલખી લઈ પ્રવેશ કરે છે.]
 
લેખા : (વીણાવતીને) બા, ચાલો, આ પાલખીમાં બેસો. (જગદીપને) કોટમાં સામું દ્વાર છે તે આપને જવા માટે નોકર ઉઘાડી આપશે.

[વીણાવતી જગદીપ તરફ દૃષ્ટિ કરતી પાલખીમાં બેસે છે. પછી નોકરો પાલખી ઉપાડી જાય છે. સાથે લેખા જાય છે.]

જાગદીપ : (પાલખી પાછળ દૃષ્ટિ કરીને) કેટલી ઝડપથી પાલખી અદૃશ્ય થઈ ગઈ ! પણ, બીજા પાસેથી રત્ન ઝુંટવી
લેનાર બીજાનું શું થયું તે જોવા ક્યારે ઊભું રહે છે?

હોડિમાંથી રત્ન એ ઝુંટાવિ રંગિણી નદી,
ચાલિ ને લઈ પછાડિ હોડિ મૂકિ ડૂબતી;
રંગિણી કનેથિ ખેંચિ મેં ન જોયું તે ભણી,
મારિ વૃત્તિ તે ગણે શું જાય જે મને લુંટી? ૬૮.

એવી લુંટાયાની અવસ્થામાં હું આવ્યો છું ? આજ હું એ કાંઇ નવો કજ ભાવ અનુભવું છું ! પેલું દ્વાર મારે માટે ઉઘડ્યું મારે જવું જ પડશે.

ન જાણું મારું મુકિ જાઉં શું અહીં,
ન જાણું મારું લઇ જાઉં સાથ શું;
બહાર આવી ઉરવૃત્તિઓ બહુ,
સમેટિ જાણું નહિં તે હું આ ઘડી. ૬૯

[દ્વારમાં થઈ કોટ બહાર જાય છે.]