રાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૩ જો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  અંક પાંચમો: પ્રવેશ ૨ રાઈનો પર્વત
અંક પાંચમો: પ્રવેશ ૩
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પાંચમો: પ્રવેશ ૪ →


પ્રવેશ ૩ જો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાંનો બેઠક ખંડ.

[પાટ ઉપર સાદે વેશે બેઠેલી લીલાવતી અને તેની પાસે બેઠેલાં સાવિત્રી અને કમલા તથા પાટ નીચે ઊભેલી મંજરી પ્રવેશ કરે છે.]

લીલાવતી : મને તો આ બધું ગેબી ભેદ જેવું જણાય છે. આ કાગળથી ભેદ ઊઘડતો નથી, પણ ઊલટો ઢંકાય છે.
સાવિત્રી : દુનિયાના ભેદનું સ્વરૂપ જ એવું છે. એક પડદો ઉઘાડીએ ત્યાં બીજા સો પડદા આવીને વસાઈ જાય છે. જેટલું સમજાયું તેટલું આપણું અજ્ઞાન દૂર થયું, એમ ઘણીને સંતોષ માનવાનો છે.

લીલાવતી : એ સંતોષને હું શું કરું ? મને અંધકારમાં નાખીને ફરી વળેલું દુર્ભાગ્ય હવે પ્રગટ થઈ મેં સુખ માટે મારેલાં ફાંફાંની હાંસી કરે છે, અને દુઃખને વધારે તીવ્ર કરે છે.
[દાસી પ્રવેશ કરે છે.]
 
દાસી : (નમન કરીને) રાણી સાહેબ ! જાલકા માલણ આવી છે, અને કહે છે કે એના આવવાનું કારણ આપ જાણો છો.
સાવિત્રી : અત્યારે ક્યાં મળવાની અનુકૂળતા છે ?
લીલાવતી : ના એને આવવા દો. મારે એનું કામ છે.
[દાસી જાય છે. જાલકા ફૂલની છાબ લઈ પ્રવેશ કરે છે.]
 
જાલકા : (છાબ લીલાવતીના પગ આગળ મૂકીને ઓવારણાં લઈને)બગવાન રાજારાણીનું જોડું ખેમકુશળ રાખો.
લીલાવતી : રાજારાણીની તને એટલી બધી દાઝ ક્યાંથી ?
જાલકા : એક કેમ બા સાહેબ ? હું તો આપની માલણ છું ?
લીલાવતી : તું નક્કી માલણ છે?
જાલકા : આપ મને ભૂલી ગયાં છો?
લીલાવતી : તને ભૂલી ગઈ નથી, તને કદી ભૂલું તેમ નથી, પણ તું કેમ આવી છે તે તેં ન કહ્યું.
જાલકા : હું આપને કહી ગઈ હતી જ તો. આ ફૂલની ચાદર પલંગ પર બિછાવજો ને આ ફૂલથી મહારાજને વધાવજો, અને અખંડ સોભાગવંતા થજો.
લીલાવતી : મારું સૌભાગ્ય કેટલાં વર્ષ રહેશે એ તું કોઈ જોશીને પૂછી આવે છે ?
કમલા : ઘણી ખમા ! બા સાહેબ, આવું અશુભ કેમ બોલો છો ? જોશી આભના તારા જોઈ જોશ વર્તે છે એમ મેં મારી વાડીનાં ફૂલ જોઈ જોશ વર્ત્યું છે કે આપનું સોભાગ અખંડ છે.
લીલાવતી : બસ કર ! પ્રપંચી સ્ત્રી, બસ અક્ર ! તને જુઠૂં બોલાવતાં
મને શરમ આવે છે. માલણનો વેશ લઈ મારા સ્વામીનો જીવ લીધો એથી તું ધરાઈ નથી કે મને દાઝ્યા પર ડામ દેવા આવી છે?
જાલકા : આ શું ?
લીલાવતી : શું કામ અજાણી થવાનો ઢોંગ અક્રે છે ? તારા દીકરાએ આ કાગળમાં બધી ખરી વાત અથથી ઇતિ સુધી લખી છે. તારા પતિનું રાજ્ય પાછું લેવાના લોભમાં તેં મારું શિયળ જાળવવાની પણ દરકાર ન રાખી, એવી તું ક્ષત્રિયાણી !
જાલકા : હકીકત જાહેર થઈ છે તો હવે કહું છું કે મારા પતિનો અધર્મથી વધ કરાવી તેનું રાજ દબાવી બેસનારની સ્ત્રી મારી તરફથી ન્યાય થવાનું શી રીતે માગી શકે?
લીલાવતી : ન્યાય કરવાનું તારું ગજું નથી અને હું તારી પાસે ન્યાય માગતી પણ નથી; પણ તને કોઈ રાણીની, કોઈ ક્ષત્રિયાણીની, કોઈ સ્ત્રીની આબરૂ પણ વહાલી નથી?
જાલકા : તમારી આબરૂને હાનિ થાય એવું મેં શું કર્યું ?
લીલાવતી : તારા જેવો તારો પુત્ર અધમ હોત તો મારું શું થાત?
સાવિત્રી : ઇશ્વરને પવિત્રતા પ્રિય છે.
જાલકા : ઈશ્વરની અને ન્યાયની વાતો કરો છો તો મારા પુત્રને તેના પિતાનું રાજ સોંપી દો.
લીલાવતી : રાજ ભીખ માગ્યે નથી મળતું અને ચોરી કર્યે એ નથી મળતું. રાજ તો ક્ષત્રિયોના બાહુબળથી સંપાદન થાય છે. તું ક્ષત્રિયાણી મટી માલણ થઈ છે તે ક્ષત્રિયના ધર્મ તને ક્યાંથી સાંભરે ?
સાવિત્રી : રાણી સાહેબ ! આમ આકળાં શા માટે થવું ?
જાલકા : વખત આવશે ત્યારે હું બતાવીશ કે મને ક્ષત્રિયાણી થતાં આવડે છે કે નહિ, પણ તમારે હવે ઉચાળા ભરવાના છે. તમારો રાજ પર કંઈ હક રહ્યો નથી. વાંઝિયાનાં રાજ બીજાને જાય છે.

લીલાવતી : તું એવા અપશબ્દ બોલનાર કોણ ?
જાલકા : તું મને તુંકારો કરનાર કોણ? હું પણ રાજાની રાણી છું. તારી નાની ઉમર જાણી ક્યારની સાંખી રહી છું.
લીલાવતી : મારી નાની ઉમરની તેં બહુ દયા ખાધી છે. હવે વધારે દયા ન ખાઈશ, પણ તારા પર દયા કરીને કહું છું કે તારે જીવતા રહેવું હોય તો આ મુલકમાંથી ચાલી જા.
જાલકા : મારો કોઈ વાંકો વાળ કરી શકે એમ નથી. હું રાજમાતા થઈશ ત્યારે મારી મહેરબાની માગવાનો તારે વખત આવશે, તે યાદ રાખજે.
લીલાવતી : ભૂખે અને તરસે મારો પ્રાણ જશે, પણ હું તારી મહેરબાની માગવાની નથી એ વિશે નિશ્ચિંત રહેજે. તારો પુત્ર રાજા થશે કે કેમ એ હું જાણતી નથી. પણ, તું તો રાણી મટી માલણ થઈ છે તે મરતા સુધી માલણ જ રહેવાની છે. મારું હૈયું તેં ભાંગ્યું છે તેવું તારું હૈયું પણ ભાંગજો.
[જાલકા ચકરી ખાઈ ભોંય પર પડે છે.]
 
કમલા : અહો ! ગઢ તૂટી પડ્યો!
સાવિત્રી : કમલા ! તું અને મંજરી એનું આશ્વાસન કરીને એને બહાર લઈ જાઓ, અને કોઈ જોડે ઘેર મોકલાવો.
[કમલા અને મંજરી જાલકાને પવન નાંખી ઊભી કરીને લઈ જાય છે.]
 
લીલાવતી : મેં એને કેવી ડામી !
સાવિત્રી : રાણી સાહેબ !

શાપ એ છે અનાચાર, શાપ દેવો ન કોઈને;
આઘાત થાય છે એથી ર્પભુના પ્રેમતંત્રને. ૬૨

લીલાવતી : એને શાપ ઘટતો નથી?
સાવિત્રી : એ મનુષ્યના અધિકારની વાત નથી.

[કમલા પ્રવેશ કરે છે અને પાટ ઉપર બેસે છે.]
 
લીલાવતી : જતાં જતાં એ કાંઇ બોલી ?
કમલા : જાગૃતિ આવતી હતી તેવામાં બોલી કે, 'જગદીપ ! કિસલવાડીમાં અને પ્રભાકુંજમાં તારે મન ફેર જ નથી?' પણ પછી, આંખો ઉઘાડતાં અમને જોઈને તે બોલતી બંધ થઈ ગઈ.
લીલાવતી : એનો પુત્ર રાજગાદી લેશે ?
કમલા :

વરવા યોગ્ય સ્વામીને રાજલક્ષ્મી સમર્થ છે;
સનાથ હોય એ લક્ષ્મી તેમાં છે હિત લોકનું. ૭૩

સાવિત્રી : દરબારમાંથી વખતે એ વિશે ખબર આવશે.
લીલાવતી : હું સ્વસ્થ થાઉં ત્યારે બધી ખબર મને કહેજો. હાલ તો મેં કાઢેલા રોષનો વેગ જાણે પાછો ફરી મારા પર ધસે છે ! મને અહીંથી લઈ જાઓ.
[સાવિત્રી અને કમલા લઈને જાય છે.]