રાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૪ થો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  અંક પાંચમો: પ્રવેશ ૩ રાઈનો પર્વત
અંક પાંચમો: પ્રવેશ
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૧ →


પ્રવેશ ૪ થો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાંની દરબારકચેરી.

[કલ્યાણકામ, પુષ્પસેન, દુર્ગેશ અને બીજા રાજ પુરુષો તથા અગ્રેસર પુરવાસીઓ દરબારમાં બેઠેલા પ્રવેશ કરે છે. એક છેડે બેઠેલા ગાયકો વાજિંત્ર સાથે ગાય છે. આગળ પ્રતિહાર ચાલે છે. તેની પાછળ રાઈ રાજાના પોશાકમાં પ્રવેશ કરે છે. આખી કચેરી ઊભી થાય છે.]

પ્રતિહાર : શ્રીમત્ પરમભટ્ટર્ક પરમમાહેશ્વર સમધિગત પંચમહાશબ્દ સકલસામંતાધિપતિ બાહુસહાય ગુર્જરનરેન્દ્ર શ્રી પર્વતરાય મહારાજાધિરજનો જય !

[રાઈ સિંહાસન નીચે પાટ પાસે આવતાં કમરે લટકતી તરવાર મ્યાનમાંથી કાઢી પાટ ઊપર ઠોકી ટકોરા કરે છે. કચેરીમાં જેમની કમરે તરવાર છે તેઓ સર્વ આ વેળા પોતપોતાની તરવાર મ્યાનમાંથી કાઢી ઊંચી ધરી રાખે છે. રાઈ તરવાર પાછી કમરે લટકતા મ્યાનમાં મૂકે છે. તે પછી બીજા સહુ પોતાની તલવાર મ્યાનમાં મૂકે છે. ત્યારબાદ રાઈ સિંહાસન ઉપર બેસે છે. પાછળ છત્ર ધરેલું છે અને સેવકો ચમરી લઈને ઊભેલા છે. કચેરીમાં સહુ માણસ બેસે છે. સંગીત થાય છે.]

રાજભાટ : (આગળ આવીને નમન કરીને) મહારાજાધિરાજને ઘણી ખમા!

(कवित)

गुर्जरत्रामें सूर्यको उदय भयो नूतन,
बूढापनको बादल श्यामल चलो गयो;
प्रबल प्रताप वाको जल स्थल पूरी रह्यो,
गुर्जर प्रजाको मुख तेजसे दीप्त भयो;
पांख आप खोले तब खगराज थंभे नहीं,
ग्रहराज थंभे नहीं पूर्वाद्रिशृंग ग्रह्यो;
गिरिसे बाहेर आये नदराज थंभे नहीं,

गुर्जरराज न थंभे जोबन पाय नयो। ६४

ગુર્જરેશ અધિક પરાક્રમ કરો ને અધિક જશ પામો.

પ્રતિહાર : મહારાજની આજ્ઞા હોય તો પ્રધાનજી ભેટ ધરવાનો આરંભ કરે.

રાઈ : ભેટ આ પ્રસંગે બને તેમ નથી. પરંતુ, હું કહું છું તે સાંભળવાનું સહુને કહો.

પ્રતિહાર : (નમન કરીને) જેવો પૃથ્વીરાજનો હુકમ. (દરબારમાં ભરાયેલા લોકો તરફ ફરીથી મોટેથી) આજની કચેરીમાં ભેટ બંધ છે, પણ મહારાજાધિરાજ આજ્ઞા કરે છે તે સહુ સાવધાન થઈ સંભળો.

રાઈ : આ સભામાં સર્વત્ર આનંદ અને ઉમંગ પ્રસરી રહ્યો છે, તેનો ભંગ કરતાં મને બહુ ખેદ થાય છે. પણ, સત્ય પ્રગટ કરવામાં જેમ વિલંબ થાય છે તેમ વધારે હાનિ થાય છે. એ સત્ય તે એ છે કે હું પર્વતરાય નથી. ચમકશો નહિ. હું ખુલાસો કરું છું. હું પ્રથમ ગુર્જરનરેશ રત્નદીપદેવનો પુત્ર છું. મારી માતા અમૃતદેવી અને હું આ નગર પાસેની કિસલવાડીમાં કેટલાક વખતથી માળીને વેશે રહેલાં છીએ, અને અમે જાલકા અને રાઈ એ નામે ઓળખાઈએ છીએ. મહારાજ પર્વતરાય આજથી છમાસ પર રાત્રે કિસલવાડીમાં આવેલા. તે વેળા મેં અંધારામાં આઘેથે નિશાચર પશુ ફરે છે એમ ધારી બાણ ફેંકેલું, તે અકસ્માત્ વાગવાથી મહારાજના પ્રાણ ગયા, અને તેમને ત્યાં જ દાટ્યા છે. મારે પર્વતરાય બનવું એવી યોજના તે વેળા થઈ, અને તે પ્રમાણે મહારાજ પર્વતરાય છ માસ પછી ભોંયરામાંથી નીકળશે એવી કેવળ ખોટી ખબર મોકલાવેલી. પરંતુ, અસત્યવડે રાજ્ય મેળવવા હું ઈચ્છતો નથી. રણવાસમાં રાણી લીલાવતીને પણ હું આ ખરી હકીકત જણાવી આવ્યો છું. મહારાજ પર્વતરાયનો કોઈ વારસ નથી, માટે દેશમાં આંધાધુંધી ન થાય એવી રીતે કોઈ નવા રાજાને ગાદીએ બેસાડવો એ રાજપુરુષોની અને પ્રજાના અગ્રેસરોની ફરજ છે. મારા પિતાના વારસ તરીકે ગાદીનો હકદાર હોવાનો હું દાવો ધરાવું છું. પરંતુ, ગયા છ માસમાં ચાલેલા કપટનો કોઈ રીતે લાભ ન લેવાય માટે હું પંદર દિવસ દૂર રહીશ, અને તે અવધિ પછી રાજપુરુષોની અને પ્રજાના અગ્રેસરોની ઇચ્છા હોય તેને રાજગાદી આપવી એવી મારી સૂચના છે. એ ઇચ્છા કેમ જાણી લેવી તે મંત્રીશ્વર કલ્યાણકામ નક્કી કરી શકશે. ગયા છ મહીનામાં જેમ પર્વતરાય મહારાજ વતી સર્વે એ મંત્રીશ્વરનો અમલ કબૂલ કર્યો છે તેમ આ પંદર દિવસ પણ નવા મહારાજની વતી મંત્રીશ્વરનો અમલ સર્વ કબૂલ રાખશો. એ વિપ્રવરના સત્ત્વપ્રભાવથી રાજ્યતંત્ર જરૂર સુસ્થિતિને અને સમૃદ્ધિને માર્ગે ચાલશે. મારા પિતાથી મને મળતા હક ઉપરાંત મારે વિશે લોકો વધુ જાણતા નથી, પણ એક વેળા હું રાઇ તરીકે મંત્રીશ્વરના પ્રસંગમાં આવ્યો છું અને ઉપમંત્રી દુર્ગેશ મારું નામ ઠામ જાણ્યા વિના મિત્ર તરીકે મને ઓળખે છે. તેઓ મારી કંઈક ઓળખાણ સહુને આપી શકશે. આ વિલક્ષણ પ્રસંગ હવે સમાપ્ત અક્રું છું. અને, મારા દોષ માટે સર્વની ક્ષમા માગું છું

[રાઈ ઊઠીને સભામાંથી જાય છે.]

કલ્યાણકામ : પ્રતિહાર ! સભા વિસર્જન કરો.

પ્રતિહાર : (મોટેથી )સભા વિસર્જન.

[સર્વે જાય છે.]

(પૂર્ણ)