લખાણ પર જાઓ

રાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૪ થો

વિકિસ્રોતમાંથી
←  અંક પહેલો: પ્રવેશ ૩ રાઈનો પર્વત
અંક પહેલો: પ્રવેશ ૪
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પહેલો: પ્રવેશ ૫  →


પ્રવેશ ૪થો

સ્થળ : કિસલવાડી

[ રાઈ અને જાલકા સંભાષણ કરતાં પ્રવેશ કરે છે. ]
 
રાઈ : ગમે તે થાય, જાલકા ! પણ એમ મારા ચિત્તનું સમાધાન થવાનું નથી. શીતલસિંહને તેં ભય તથ લોભ દેખાડી મૂંગો કર્યો,પણ મારું અંત:કરણ એ પ્રકારે શાંત થાય એમ નથી. કપટથી મળવાના રાજ્યનો મારે ખપ નથી.
જાલકા: તેં માત્ર પુસ્તકો જ વાંચ્યા છે, જગત્ જોયું નથી.
રાઇ: જગત્ જો ઊંચી ભાવનાઓથી શૂન્ય હોય તો તે જોવા સરખું પણ નથી. પરંતુ, જગત્ એવું અધમ નથી. ઉચ્ચ જીવન પણ જગત્ માં શક્ય છે.
જાલકા : તને ઉચ્ચ જીવનમાં લઈ જવાનો જ મારો પ્રયાસ છે.
રાઈ : અને તે નીચ માર્ગે થઈને ?
જાલકા : ભલે ઉચ્ચતાએ પહોંચવા સારુ નીચ માર્ગ ન લઇએ, અને, આપણી સહીસલામતીની પણ દરકાર ન કરીએ, પણ પર્વતરાયના મૃત્યુ પછી રાજ્યનું શું થાય ?
રાઈ : તેની ફિકર તારે અને મારે શા માટે કરવી ?
જાલકા : જે રાજ્યમાં આપણે વસીએ તેના હિત માટે ઉત્સુક ન રહેવું એ અધર્મ છે. વળી, લાખો મનુષ્યોના જાનમાલની ખુવારી થતી અટકાવવી એ દયાના પ્રશ્નની પણ અવગણના કરવી યોગ્ય નથી.
રાઈ : હકદાર ગાદીએ બેસે તેમાં આપણે મદદ કરવી એટલું જ આપણું કર્તવ્ય છે.
જાલકા : એમાં સહાય થવાની તું પ્રતિજ્ઞા કરે છે ?
રાઈ  : પ્રાણાંન્તે પણ સહાય થઈશ. ન્યાય પ્રમાણે જે હકદાર નીકળશે તેને ગાદીએ બેઠેલો જોઇશ ત્યાં સુધી વિરામ નહિ લઊં એવી પ્રતિજ્ઞા લઉં છું.
જાલકા : ત્યારે ગાદીના હકદારની ખોળ કરીએ. પર્વતરાયને પુત્ર નથી, બન્ધુઓ નથી. એણે તો દૂર દેશથી આવી આ રાજ્ય જીતી લીધેલું. તેનો પોતાનો જ આ રાજ્ય પર જૂનો હક નહિ, તો શું દેશાવરમાં એના કોઇ સગા હોય તેમાંથી કોઇને અહીં લાવીને ગાદીએ બેસાડવો ?
રાઇ : તું કહેતી હતી કે પર્વતરાયે આ દેશના પ્રથમના રાજા રત્નદીપદેવનો અધર્મથી વધ કરાવ્યો. તે વેળા રત્નદીપદેવની રાણી અમૃતદેવી બાળક કુંવર જગદીપ સાથે પોતાના પિતાને ત્યાં હતી, પણ તે પછી તેઓ ક્યાંઈ અદૃશ્ય થઈ ગયેલાં છે. તે કુંવર જડી આવે તો તેને ગાદીએ બેસાડવો જોઇએ.
જાલકા : એ તું પસંદ કરે છે ?
રાઇ : સંપૂર્ણ રીતે
જાલકા : ત્યારે, આજ સુધી ગુપ્ત રાખેલી વાત તને કહું છું. તું જ જગદીપ છે અને હું જ તારી માતા અમૃતદેવી છું.
રાઈ : (આશ્ચર્ય પામીને ) શું ? તું મારી માતા ! (જાલકાને ભેટે છે. છૂટો પડીને ) આજ લગી તેં મને માતા વગરનો કેમ રાખ્યો ?

પાસે સુધાસરિત ને મુજ કંઠ શુષ્ક  !
પાસે પ્રલેપનિધિ ને મુજ ચક્ષુ ઉષ્ણ !
પાસે સુવાસભરિ શીતલ વાટિકા ત્યાં,
હું છિન્નભિન્ન ભટક્યો તૃણઝાંખરામાં ! ૯

જાલકા : તારા રક્ષણ માટે અને તારા ભાગ્યોદય માટે આ બધી ગુપ્તતા રાખવી પડી છે.
રાઈ : તારા ગાઢ વાત્સલ્યની કદર હવે મને સમજાય છે. પરંતુ, હ્રુદયમાં સ્નેહોર્મિઓ અનુભવવાનો મારા જીવનનો કેટલો બધો અમૂલ્ય સમય વ્યર્થ ચાલ્યો ગયો ! બાળપણના વહી ગયેલા દિવસો તરફ હું દૃષ્ટિ કરું છું ત્યારે મને યાદ આવે છે કે,

(દ્રુતવિલંબિત)

નિરખતો કદિ બાળક દોડતાં,
ઉલટથી નિજ માત નિહાળતાં,
ઊમળકા ઊઠતા હ્રુદયે મમ,
ન શકતો કળિ તેનું હું કારણ. ૧૦

તેં મને સુખની ન્યૂનતા રાખી નથી, પણ મનમાં માતાની કુમક વિનાનાં બાળપણનાં મારાં સુખ અધૂરાં જ રહ્યાં !

‘મા’ શબ્દ ધન્ય ઊચરી નહિ મેં કદાપિ,
માગ્યા પદાર્થ નજિવા પ્રબલ સ્પૃહાથી;
ના બાલમંડળિમહીં લિધિ મેં પ્રતિજ્ઞા :
'અન્યાય સારુ કરશે મુજ માત શિક્ષા.’

જાલકા : કંઈ કંઈ સ્થળે સંતાવું પડેલું; ત્યાં હું તારી મા તરીકે શી રીતે પ્રગટ થાઉં ? ઘણાં વર્ષ વીત્યા પછી કનકપુરની સમીપમાં આ વાડી લઈને આપણે અહીં આવીને રહી શક્યા છીએ.
રાઈ : માળીને વેશે રહેવાનું તેં કેમ પસંદ કર્યું ?
જાલકા : ઘરાકોને ફૂલ આપવા જતાં નગરમાં બધે ફરી શકાય છે. એજ કામે આખરે હું રાજમહેલમાં દાખલ થઈ શકી અને પર્વતરાયનો મેળાપ કરી શકી.
રાઈ : પર્વતરાયને જુવાન કરવાના પ્રયત્નમાં તું શું રીતે ફત્તેહમંદ થવા ધારતી હતી ?
જાલકા : કેશ કાળા થાય અને ઘોડે બેસી શકાય એટલી શકિત આવે એવાં ઔષધ મારી પાસે છે, અને તેટલું કરી આપવાની મેં શરત કરી હતી. પણ, પર્વતરાયને વૈદ્યક કરતાં જાદુ પર વધારે શ્રધા હતી, અને તેથી, જાદુના પ્રયોગથી સૂકા ઝાડને એકદમ લીલો છોડ કરી બતાવવાની મારે યોજના કરવી પડી. એવો પ્રયોગ હું દેખડું તો પર્વતરાય આજ રાત્રે જ મને એવો લેખ કરી આપવાના હતા કે જુવાનીનાં ચિહ્ન તેમને પ્રાપ્ત થયેથી રાજ્યનો ચોથો ભાગ મારી તરફથી તને આપવો.
રાઈ : અને તે જાદુનો પ્રયોગ શી રીતે કરત ?
જાલકા : એ તો માત્ર પેલા કાળા પડદા પાછળ બાંધેલી દોરીઓની કરામત હતી. પાસે દાટેલું સૂકું ઝાડ ભોંયરામાં ઉતરી જાત અને તેને ઠેકાણે એક લીલો છોડ ખસી આવત.
રાઈ : આટલું બધું છલ શાને માટે ?
જાલકા : તને તારા પિતાની ગાદી પાછી અપાવવા માટે એકવાર રાજ્યનો ચોથો ભાગ તારે હાથ આવે તો કોઇ કાળે પર્વતરાય છતાં કે પર્વતરાય પછી આખું રાજ્ય સંપાદન કરવાની તને અનુકૂળતા મળે. તારા બહુબળ પર મને સંપૂર્ણ ભરોંસો છે.
રાઈ : પરંતુ બાહુબળ વાપરનારા છલનો આશ્રય નથી કરતા.
જાલકા : છલની જે શિક્ષા હશે તે હું ભોગવીશ, પણ તારા પિતાની પ્રતિષ્ઠા ખાતર અને તારી માતાના પ્રેમ ખાતર તું આ પ્રસંગ વ્યર્થ જવા ન દઈશ. બળથી રાજ્ય વશ કરીએ એવું આ વેળા આપણું સામર્થ્ય નથી. અને વળી, પ્રાણાન્તે પણ જગદીપને ગાદીએ બેસાડવાની મેં પ્રતિજ્ઞા કરી છે.
રાઈ : પણ તે અસત્યને માર્ગે ? પ્રાણાન્તે પણ ધર્મયુધ્ધ કરવા નીકળતાં મને લેશમાત્ર સંકોચ નથી.
જાલકા : પર્વતરાયનો તરા શસ્ત્રથી જ તેં વધ કર્યો છે.
રાઈ  : અજાણતાં થયેલા વધમાં ક્ષત્રિયોનું પરાક્રમ ગણાતું નથી.

સામો જઈ જે ઘા કરે, તે જ ખરો રણવીર:
ચાડી ચુગલી તોલનું, છૂપું ફેંક્યું તીર. ૧૨

મને પ્રગટ થવા દે કે મારા પરાક્રમનો દાવો કરવાનો મને પ્રસંગ મળે.
જાલકા : અત્યારે પ્રગટ થવાનો સમય છે ? તું ગાદીએ દૃઢ સ્થપાઈશ પછી આપણે કશું ગુપ્ત નહિ રાખીએ. પણ, જગદીપ-અરે-રાઇ ! આ અણીનો સમય છે; અને તું તારી માતાને નિરાશ ન કર. મૃત્યુની મને બીક નથી, પણ, મારા સ્વામીનું અને મારા પુત્રનું રાજ્ય સદાને માટે લુપ્ત થતું જોઈને તથા તેમનો વંશ નિર્મૂળ થતો જોઇને મારે પ્રાણત્યાગ કરવાનો ? અને, એ બધી ક્રૂરતા મેં આશાએ આશાએ કષ્ટ વેઠી સંભાળથી ઉછેરેલા મારા પુત્રને જ હાથે ?
રાઇ : મા ! મને એકવાર એ સંબોધન કરી લેવા દે. કોઇ સમીપ નથી. મા ! તારા પ્રેમ આગળ મારું આત્મબળ હારી ગયું છે. હું પણ છલની જે શિક્ષા હશે તે ભોગવીશ, હું તારી ઈચ્છાને આધીન છું.
જાલકા : જો ! પણે શીતલસિંહ સ્નાન કરીને આવે છે. જા, તું પણ સ્નાન કરી આવ. રાજાનું સ્નાન રાજાના વારસે કરવું જોઇએ.
રાઈ : મને મૃત્યુથી શી રીતે મલિનતા પ્રાપ્ત થઈ છે ? પરંતુ, નદીની શીતલતા શાન્તિકર થશે.
[રાઈ જાય છે.]
 
જાલકા : શીતલસિંહ  ! બહુ વાર થઈ  !
શીતલસિંહ : ( હાંફતો હાંફતો ) કાં તો અંધારી રાતને લીધે અથવા તો આ બનાવને લીધે નદીએ અત્યારે બહુ કારમી વસતી થઈ છે. હું નદીની રેતીમાં પેઠો એટલે પાછળથી પાસે આવી મહારાજના જેવા અવાજથી મારું નામ દઈ મને કોઈએ બોલાવ્યો. પાછો ફરી જોઉં છું તો કોઇ મળે નહિ ! થોડીવાર તો મારાથી હલાયું કે ચલાયું નહિ ! પછી પાછળ જોતો જાઉં ને આગળ ચાલતો જાઉં. એમ હું નદીકિનારે પહોંચ્યો જેવો પાણીમાં પગ મૂકું છું તેવી રાણી રૂપવતીની આકૃતિ પાણીમાંથી નીકળી આવી, અને મને અંદર બોલાવવા તેણે હાથ લાંબો કર્યો. હું ભયથી છળીને નાઠો, અને ઘણીવાર સુધી એક ઝાડને થડે વળગીને સંતાઇ રહ્યો. આખરે તારું સ્મરણ થયું ત્યારે મને હિંમત આવી, અને, હું આંખો મીંચી રાખી ને કાન દાબી રાખી જેમતેમ નાહીને અહીં દોડી આવ્યો. આ વાડીના ઝાંપામાં હું પાછો પેઠો ત્યારે હું જીવતો છું એમ મને ખાતરી થઇ. રાઇ નદીએ જતો હોય તો એને પાછો બોલાવ.
જાલકા : એને ભય નહિ લાગે અને ભૂત નહિ દેખાય ! ભયભીત દશામાં નિર્બળ થયેલા મનને જ એવી સ્વકલ્પિત ભ્રમણાઓ દેખાય છે.
શીતલસિંહ  : જાલકા ! એક બીજી શંકા મને ઉત્પન્ન થઇ છે, તે હું કહું છું તે માટે ક્ષમા કરજે. તારી યુક્તિ પ્રમાણે નગરમાં સંદેશો કહેવડાવીશું અગર હું જઇને કહીશ, પણ, કલ્યાણ કામ અને બીજા રાજપુરુષો તે નહિ માને તો ? એવી વાત એકદમ ન યે મનાય.
જાલકા : તેની ફિકર કરવા જેવું નથી. મહારાજની કમ્મરમાંથી
આ પત્ર મને મળી આવ્યો છે. એમાં માત્ર મહારાજની સહી અને મહોરછાપ છે. બાકીનો પત્ર કોરો છે.
શીતલસિંહ : તને, તું કહે એવી ઇબારતનો લેખ લખી આપવા મહારાજ એ પત્ર તૈયાર કરી સાથે લેતા આવ્યા હતા.
જાલકા : એ પત્ર ઉપર આપણો સંદેશો તમે લખજો. અને, મહારાજની આંગળીએથી આ વીંટી હું લેતી આવી છું. તે તેમના રિવાજ મુજબ એધાણી તરીકે પત્ર જોડે મોકલીશું.
શીતલસીંહ : આફરીન ! જાલકા, તારી અક્કલને આફરીન  ! મહારાજ પોતે જીવતા હોય તો પણ આ પુરાવો તેમને માનવો પડે.
જાલકા : રાઇને આ પત્રની વાત કહેવાની નથી. ભેદમાં જેટલા ઓછા સામેલ તેટલી વધારે સલામતી. મહારાજનો આ હાર અને આ તોડો છે તે રાઇ જ્યારે મહારાજને વેશે નગરમાં જશે ત્યારે એને પહેરાવીશું. હવે આપણું કાર્ય સમાપ્ત કરીએ.
[બંને જાય છે.]