રાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૫ મો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  અંક પહેલો: પ્રવેશ ૪ રાઈનો પર્વત
અંક પહેલો: પ્રવેશ ૫
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક બીજો: પ્રવેશ ૧  →


પ્રવેશ ૫ મો

સ્થળ : રંગિણી નદીનો કિનારો

[રાઈ પ્રવેશ કરે છે.]
 
રાઈ : માનવકૃતિ અને પ્રકૃતિ વચ્ચેના મોટા અન્તરનો અનુભવ મને આજે જ થયો. વાંચ્યું હતું અને સાંભળ્યું હતું તેનો સાક્ષાત્કાર થયો નહોતો ત્યાં સુધી એ અન્તરની વાસ્તવિકતા મને સમજાઈ નહોતી. ક્યાં એ વાડી અને ક્યાં આ નદીતટ!

ઘવાયાં શાં ગાત્રો મુજકરથી ત્યાં પ્રકૃતિનાં !
અહીં શાં સ્વચ્છંદે અવનિ જલ આકાશ ખિલતાં!

રહ્યાં શાં ધૂમાઈ મનુજકૃતિનાં ઉન્ધન ત્ય્હાં!
અહીં શો પૂર્ણાગ્નિ પ્રક્ટિ ધરતો ઉજ્જવલપ્રભા ! ૧૩

રૂંધાયો મુજ જીવ ત્યાં મનુજતણા શ્વાસથી મલિન પવને,
ઉલ્લસતો અહીં આવી જલ તરુ તારક વિશે સાંભળીને. ૧૪

નદી ! તારી સુભગ શીતલતાની મારામાં સંક્રાન્તિ થાય એ શક્ય છે ? (નદીમાં પ્રવેશ કરે છે. નદીના પાણીમાં નજર કરી ઊભો ઊભો ચકિત થઈ) કેવો ચમત્કારી દેખાવ !

આ તારકો પ્રતિબિમ્બદ્વારા જલ વિશે ઊતરી ગયા !
ખેંચે નદીનો વેગ તોયે સ્વસ્થલે તે દૃઢ રહ્યા!
મુજ અંતરે પ્રતિબિમ્બમાં કંઈ જ્યોતિઓ જે ઝગઝગે,
શું જાલકામતિવેગમાં જાશે તણાઈ સર્વ તે? ૧૫

પરંતુ હવે જાલકાની મતિનો પ્રશ્ન ક્યાં છે? અમૃતદેવીની ઇચ્છા એ તો ખરે જુદી જ વસ્તુ છે. માતાની ઇચ્છા પૂર્ણ કરતાં પુત્રને સંકોચનું સ્થાન આવે ત્યાં પુત્રના રથનું પૈડું પંક્માં ગળી જાય છે. શું પુત્રને યોગ્યાયોગ્ય જોવાનો અધિકાર નથી ? રંગિણી ! તારા જળમાં આ ગૂંચવાડાનો કંઇ ખુલાસો છે?

મરે ડૂબકી જેહ ઉત્તર દે તું તેહને !
છે તુજ ઉદરે તેહ, ધરતીમાં જે ક્યાંય નથી ! ૧૬

પણ, મારી અશક્તિનો દોષ ધરતીને અમથે શા માટે નાખવો ?

જ્ઞાનીઓ, કવિઓ, તપસ્વિ ઋષિઓ, ભક્તો, મહાચિન્તકો,
સંતો, તાત્ત્વિક પંડિતો, નયવિદો, રાજ્યોતણા શાસકો;
વિદ્વાનો જલભૂમિપ્રાણિપશુના આકાશ પાતાલના
પોષ્યા કાંઈ અગણ્ય જે ધરતિએ ઓછું શું છે તેહમાં ? ૧૭

ધરતીના પટ પર આવો ભર્યોભંડાર છે; કંઇ મનુષ્યો રોગથી આરોગ્ય પામ્યા છે, કંઈ મનુષ્યો આરોગ્યમાંથી રોગ પામ્યા છે. ત્યાં આ મારી શંકાઓ માટે જડીબુટ્ટી કોઈ ઠેકાણેથી નહિ મળી આવે ? કોઈ કવિકોવિદ-વિશારદ એવો નહિ મળે કે જે મને સમજાવે કે માતાનો પ્રેમ મારા અંતઃકરણને કેમ ગૂંચવે છે?

પ્રેમ ને સત્ય એ બન્ને અંશો એક જ ઇશના,
તથાપિ કેમ દેખાતા વિરોધી માર્ગ તેમના? ૧૮

પણ, પેલું કોણ દેખાય છે ? મારા એકાંતને ખંડિત કરવા અને પ્રકૃતિને પવિત્રતાને કલુષિત કરવા કોણ રેતીમાં પગલાં ભરે છે ? અરે ! જાલકા હોય એમ લાગે છે.
[જાલકા પ્રવેશ કરે છે.]
 
જાલકા : આ શું રાઈ ! તેં હજી સ્નાન નથી કર્યું અને વસ્ત્ર પહેરીને પાણીમાં ઊભો છે.
રાઈ : સ્નાન કરવું કે ન કરવું એ વિચારમાં છું. ધરતી મને કોરો રાખી શકે તેમ છે, અને, નદી મને ભીનો કરી શકે તેમ છે. બે માંથી કોની પ્રસાદી ગ્રહણ કરવી એ નિર્ણય કરવો બહુ કઠણ છે
જાલકા : એ તારી પંડિતાઈના તર્ક વિતર્ક જવા દે. હવે તો દુનિયાની ખરી વસ્તુઓ સાથે કામ લેવાનું છે.
રાઈ : અને પંડિતાઈ ખોટી વસ્તુ છે ?
જાલકા : તે તો કોણ જાણે, પણ પંડિતો રાજ્ય કરી શકતા નથી.
રાઈ : ખરી રીતે તો પંડિતો જ દુનિયામાં રાજ્ય ચલાવે છે. રાજ્ય અને મંત્રીઓ તો માત્ર પંડિતોએ ઠરાવેલા નિયમોનો અમલ કરે છે; અને તેમાં તેઓ ચૂકે છે ત્યારે રાજ્ય ખોઇ બેસે છે.
જાલકા : તું ગાદીએ બેસે પછી પંડિતોની સભા ભરી તેમની આગળ એ પ્રશ્ન મૂકજે. પણ, અત્યારે તો સ્નાન કરી લે. હું પણ સ્નાન કરવા આવી છું.
રાઈ : જાલકા ! સ્નાનનો આ શો ઢોંગ ! શબના સ્પર્શથી તને મલિનતા થઈ નથી, તો તારે સ્નાનની શી જરૂર ? તારા ચિત્તને સંતાપ થયો જ નથી કે શાન્તિ મેળવવાના પ્રયત્નનો આરંભ કરવામાં સ્નાન અને ઉપયોગિ થાય.
જાલકા : પ્રેત સાથે સંબંધ તૂટ્યાનું સ્નાનથી મનમઆં ઠસે છે.
રાઈ : આશા વ્યર્થ છે. પર્વતરાય સાથેનો સંબંધ કદી તૂટવાનો નથી અને આપણને એ પ્રેતનું વિસ્મરણ કદી થવાનું નથી. ગમે ત્યાં જઈશું, પણ પર્વતરાયનું મૃત્યુ આપણી નજર આગળથી ખસવાનું નથી. અને તેટલેથી બસ ન હોય તેમ મેં પર્વતરાયના ઘરમાં જઇને વસવાની અને તેનો વેશ ભજવવાની યોજના કરી છે !
જાલકા : તને પાછી નિર્બળતા આવતી જણાય છે.
રાઈ : નિર્બળતા કહે કે સબળતા કહે, પણ મારું અંતઃકરણ બહુ ઉછાળા મારે છે, અને, તારી આ યોજનાને પોતાની અંદર પેસવા દેતું નથી.
જાલકા : એક વાર માર્ગ પકડ્યા પછી શિથિલ પગલાં ભરવાં એ કાયરપણું છે, અને, એથી આખરે વિનાશ જ થાય છે.
રાઈ : હજી શો માર્ગ પકડવો છે?
જાલકા : પર્વતરાયનું શબ જમીનમાં દાટ્યું છે, અને શીતલસિંહ સંદેશો લઈ રાજમહેલ તરફ રવાના થયો છે.
રાઈ : ખાડામાં પગ ઉતર્યો હોય તોપણ પાછો ખેંચી નથી લેવાતો ? બહુ બહુ તો થોડો છોલાઈને બહાર આવે!
જાલકા : રાઈ ! તારી આ અસ્થિરતા મને દુઃખી કરે છે. હું જ્યાંથી જૂની આફતોનો છેડો આવેલો ધારું છું ત્યાંથી તું નવી આફતોની શરૂઆત કરવા કેમ માંડે છે ? મારા હ્રદયના ઉલ્લાસ માટે તને કાંઈ દરકાર જ નથી !
રાઈ : એ દરકાર જ મને વિવશ કરે છે.
જાલકા : તો એક વાર વિવશતા સહન કરી લે. હવે અહીં સ્નાન કરવામાં તારું દિલ નહિ લાગે.વાડીમાં ચાલ. ત્યાં સ્નાન કરીશું. તને વાર થઈ તેથી મને ફિકર થઈ હતી જ કે તને પાછી ગૂંચવણની આંકડી આવી હશે. ચાલ, એ આંકડીના નુસકા એની મેળે મળી આવશે.
[બંને જાય છે.]