રાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૩ જો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  અંક બીજો: પ્રવેશ ૨ રાઈનો પર્વત
અંક બીજો:પ્રવેશ ૩
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક બીજો: પ્રવેશ ૪ →


પ્રવેશ ૩ જો
સ્થળ : કલ્યાણકામની હવેલી
[પથારીમાં અઢેલીને બેઠેલા દરદી પાસે આસન ઉપર બેઠેલો કલ્યાણકામ અને પાસે ઊભેલો વંજુલ પ્રવેશ કરે છે.]

દરદીઃ ભગવન્ત! આપનાં પત્નીએ માતા પેઠે મારી જે માવજત કરી છે તેનો ઉપકાર હું વાળી શકું તેમ નથી. હવે હું ચાલી શકું તેમ છું, માટે મને જવાની રજા આપશો. મારા ઘોડાનું શું થયું હશે તે વિશે હું બહુ ચિંતાતુર છું.

કલ્યાણકામઃ ઘોડાને પકડી લાવવા મેં માણસ મોકલ્યાં છે. તમે આ પાટા બાંધેલે જખમવાળે શરીરે શી રીતે જઇ શકશો?

વંજુલઃ ઊભા અને આડા પાટા જોઇને લોકો આંગળી કરશે અને છોકરાંઓ તાળી પાડશે.

દરદીઃ જખમથી મારું કૌવત ગયું નથી. અને, પાટાથી મને શરમ નહિ લાગે. શ્રીમતી સાવિત્રીદેવીની દયાવૃત્તિથી એ પ્રસાદી નિત્ય મળતી હોય તો હું નિત્ય જખમ ખમું.

વંજુલઃ શિરો ખાવા મળતો હોય તો હું પણ પાટા બંધાવીને સૂઇ રહું, પણ જખમની શરત મારે કબૂલ નથી.

કલ્યાણકામઃ (દરદીને) તમે કોણ છો અને ક્યાં રહો છો?

દરદીઃ જી, હું પરદેશથી આવું છું. આ નગર બહાર રંગિણી નદીને કિનારે આવેલી કિસલવાડીમાં હું માળીનું કામ કરું છુ. મને 'રાઇ'ને નામે સહુ ઓળખે છે.

કલ્યાણકામઃ આ શરીરકાંતિને આ બુધ્ધિપ્રભાવને માળીનું કામ ઘટતું નથી, અને રાઇનું નામ ઘટતું નથી.

રાઇઃ કાંઈ કાંઇ યોગાનુયોગ હોય છે.

[બહાર ઘોડાનું ખોંખારવું સંભળાય છે.]

રાઇઃ એ મારો ઘોડો છે, અને મારી ગન્ધ પારખીને ખોંખારે છે.

વંજુલઃ મને તો કંઇ ગન્ધ આવતી નથી. બાકી, લૂગડાંની ગન્ધથી હું ઘણા લોકોને ઓળખું છું.

કલ્યાણકામઃ (રાઇને) તમારી અને ઘોડાની એક બીજા પર આટલી બધી આસક્તિ છતાં ઘોડો તમારે વશ કેમ ન રહ્યો?

રાઇઃ નગર બહાર તળાવકિનારે હું બેઠો હતો અને ઘોડો પાસે ચરતો હતો. તેવામાં, પડી ગયેલા મોટા વડનું ઝાડ ગાડામાં નાખેલું જતું હતું. તે જોઇને ઘોડો ભડક્યો અને જોરથી દોડવા લાગ્યો. હું દોડીને પડખે આવી ઘોડા પર ચઢી ગયો, પણ લગામ નીચે લટકતી હોવાથી હું તેને બરાબર ખેંચી રાખી શક્યો નહિ. રસ્તામાં એક ઠેકાણે પડેલો મોટો પથ્થર ઘોડાને વાગ્યો, અને લગામ તેના પગસાથે અથડાતી હતી, તેથી ઘોડો વધારે ચમકીને દોડવા લાગ્યો અને આખરે નગરમાં પેઠો. ઘોડો આપની હવેલીને માર્ગે આવતાં હવેલીના દરવાજાની દિશામાં વળ્યો, ત્યારે બંધ કરેલ દરવાજે જઇ અથડાશે એમ લાગ્યું, તેથી લગામ પકડી લઇ ઘોડાને રોકવા મેં ઊભેલા માણસોને બૂમ પાડી કહ્યું, પણ કોઇ પાસે આવ્યું નહિ. માત્ર એક માણસ હવેલીને મેડે બારીએ ઊભો હતો. તેણે કાગળ ફેંક્યો, તે મારા ફેંટામાં પડ્યો. દરવાજા પાસે આવ્યો ત્યારે હું કૂદી પડ્યો ને ઘોડો ફંટાઇને નાઠો.

વંજુલઃ વડ સરખો કોઇ મહાન છત્રરૂપ પુરૂષ ભાગી પડવાથી દૈવ ઉતાવળી ગતિએ તમને ઠોકરાવતું વગાડતું પ્રધાનજીની મદદ મેળવવા લઇ આવ્યું છે, એમ મને ભાસ થાય છે.

કલ્યાણકામઃ વંજુલ, તારું આ લક્ષણજ્ઞાન રહેવા દે. (રાઇને) એ કાગળ શાનો?

રાઇઃ વખતે મારા ફેંટામાં હજી હશે. (પડખે પડેલો ફેંટો હાથમાં લઇને તેમાંથી કાગળ કાઢીને) આ રહ્યો.

[કલ્યાણકામને કાગળ આપે છે.]

કલ્યાણકામઃ (બીડેલો કાગળ ઉઘાડીને વાંચે છે):

प्रक्रुतिं यान्ति भूतानी निग्रहः किं करिष्यति ।

[૧]

વંજુલમિશ્ર! આ તો આપના અક્ષર દેખાય છે!

વંજુલઃ (ગભરાઇને) મારા શાથી?

કલ્યાણકામઃ આ જોડા અક્ષરમાંના આઠડા જેવા 'ર', આ હેઠળ જતાં ડાબી તરફ લૂલા થઇ વળગતા કાના, આ કાનાને મથાળે કાકપગલા જેવા થતા સાંકડા ખૂણા, અ હાથીની અંબાડીના છત્ર જેવો 'ભ': સહુ તારી હથોટી છે. તારો વાંકો અંગૂઠો ઢાંક્યો નથી રહેતો!

વંજુલઃ મારા જેવા અક્ષર જણાય છે ખરા!

કલ્યાણકામઃ તારા પોતાના અક્ષર નથી?

વંજુલઃ હું ક્યાં ના કહું છું?

કલ્યાણકામઃ એ લખવાનું પ્રયોજન શું?

વંજુલઃ ભગવન્ત! હું બારીએ બેઠો બેઠો ગીતાજીનો પાઠ કરતો હતો, તેવામાં, આ માણસને ઘોડો રોકવાનું લોકોને કહેતો સાંભળી મેં ગીતાજીનું એ વચન લખીને કાગળ એના ઉપર ફેંક્યો.

કલ્યાણકામઃ શા માટે?

વંજુલઃ સ્વભાવ ઉપર જતાં પ્રાણીઓને રોકવાની ગીતાજીમાં ના કહી છે. તે છતાં માણસ દોડતા ઘોડાને રોકવાનું કહેતો હતો, તેથી એ મિથ્યા પ્રયાસ મૂકી દેવા સારું શાસ્ત્રવચનનું એને ભાન કરાવવા મેં કાગળ નાખ્યો.

કલ્યાણકામઃ મૂર્ખ! એ ગીતાવચન દોડતા ઘોડા માટે છે એમ તને કોણે કહ્યું? સંકટમાં આવેલા મનુષ્યને સહાય થવું જોઇએ એટલું તાત્પર્ય પણ તું ગીતાના અધ્યયનથી સમજ્યો નથી?

વંજુલઃ ભગવન્ત! શાસ્ત્રોના અનેક અર્થ થાય છે. આપ કંઇ અર્થ કરતા હશો, હું કંઇ અર્થ કરું છું. એમ તો કેટલાક કહે છે કે સાયણાચાર્યના ભાષ્ય પ્રમાણે વેદમાં કોઇ ઠેકાણે ઘડેથી ઘી પીવાનું નીકળતું નથી, પણ અમે आयुर्वै धृतम्ની શ્રુતિને આધારે વેદમાંથી એવો અર્થ કાઢી આપી ગોરને ઘડેથી ઘી પાવાનું શાસ્ત્રોક્ત પુણ્ય સમજાવી જજમાનોને કૃતાર્થ કરીએ છીએ.

[નોકર પ્રવેશ કરે છે.]

નોકરઃ ભગવન્ત! આમનો ઘોડો આવ્યો છે. તેને એટલું બધું વાગેલું છે કે તેના પર બેસીને જવાય તેમ નથી.

[નમન કરીને જાય છે.]

કલ્યાણકામઃ (રાઈને) તમને રથમાં સુવાડીને મોકલીશું.

રાઈઃ ભગવન્ત! મને એવો લૂલો પાંગળો શા માટે બનાવો છો?

(વસંતિલકા)

સંક્ષુબ્ધ હું નથિ થતો જખમોથી કિંચિત્,
બીતો નથી રુધિરના વહને હું લેશ;
જ્યાં સુધિ શક્તિ વસશે મુજ દેહમાંહિ,

ધારીશ હું નહિ કદી અસહાય વ્રુત્તિ. ૨૩

[હાથમાં ઔષધ લઇ સાવિત્રી પ્રવેશ કરે છે.]

સાવિત્રીઃ (રાઈની પાસે આવીને) આ ઔષધથી તમને વિશેષ આરામ થશે.

વંજુલઃ આટલા આટલા નોકર છતાં આપ આ ખલ કરવાનું અને ગોળીઓ વાળવાનું શા સારુ લઇ બેઠાં છો? એ તે આપને શોભે?

રાઈઃ શ્રીમતી! આપના શ્રમમાં સમાયેલી કૃપા ઔષધથી પણ વધારે આરામ કરવા સમર્થ છે.

[પથારીમાં બેઠો થઇને ઔષધ પીએ છે.]

સાવિત્રીઃ (રાઈની કમર તરફ જોઇને) તમે કમરે લટકતી તલવાર કાઢી નાખવા દીધી છે, પણ આ કમરનો બંધ હજી કાઢી નાખતા નથી, એ દુરાગ્રહ કરો છો. કમરને છૂટી કરશો તો આ વેળા કરાર લાગશે.

રાઈઃ શ્રીમતી! એટલી આપની અવજ્ઞા કરી હું અકૃતજ્ઞ દેખાઉં છું. એ માત્ર કમરબંધ નથી, એ મારું જીવન છે.

સાવિત્રીઃ અર્થાત્?

રાઈઃ એ બંધ દેખાય છે તે મ્યાન છે અને અંદર તરવાર છે. હું તે રાતદિવસ કમરે વીંટી રાખું છું. અને, પ્રહાર કરવાનો પ્રસંગ આવે તે વિના એ તરવાર હું બહાર કાઢતો નથી.

વંજુલઃ શ્રીમતી! એમનું નામ તો ઝીણું રાઈનું છે. પણ રાઈ દળાય એટલે ઝમઝમાટ આવ્યા વિના રહે નહિ! હવે સ્વરૂપ જણાયું! બબ્બે તરવારોઃ એક કમરે લટકાવવાની અને એક કમરે વીંટવાની!

સાવિત્રીઃ ગોળ વળી જાય એવી તરવાર જોવા જેવી હશે!

રાઈઃ આપને જોવી જ હશે તો હું કાઢીને મારી આંગળી પર પ્રહાર કરીને પાછી મ્યાનમાં મૂકીશ, એટલે મારી પ્રતિજ્ઞાનો ભંગ નહિ થાય.

સાવિત્રીઃ સ્ત્રીજાતિને માથે અનિવાર્ય કુતૂહલનો આરોપ છે, તે ખોટો પાડવા ખાતર હું જિજ્ઞાસા મૂકી દઉં છું.

રાઈઃ (ખાટલા પરથી ઉતરીને) ભગવન્ત! હવે મને અનુજ્ઞા મળવી જોઇએ.

કલ્યાણકામઃ તમારી એવી જ ઇચ્છા છે તો હું રોકીશ નહિ. પરંતુ, શરીર સ્વસ્થ થયે ફરી દર્શનનો લાભ આપવાનો તમારો કોલ છે એમ સમજી અનુજ્ઞા આપું છું.

રાઈઃ હાલ થોડા વખત સુધી તો કદાચ આપને નહિ મળી શકું. પણ સમય આવ્યે આપણે મળીશ અને ઘણીવાર મળીશ.આપનો સમભાવ એ તો મહામૂલ્ય વસ્તુ છે.

સાવિત્રીઃ આવી અવસ્થામાં તમે ઘોડા પર સવારી કરશો શી રીતે? ઘોડો પણ અશક્ત છે.

રાઈઃ ઘોડાને દોરીને લઇ જઇશ.અને, એથી અમને બન્નેને જે પરસ્પર સંતોષ થશે તેથી ચાલવામાં મને કે ઘોડાને શ્રમ કે વેદના જણાશે નહિ.

[સર્વને નમન કરીને રાઈ જાય છે.]

વંજુલઃ આટલી બધી ઘોડાની શી ઊઠવેઠ? હું હોઉં તો એવો ઘોડો પાંજરાપોળમાં મોકલી દઉં.

કલ્યાણકામઃ તું કદી ઘોડા પરથી પડ્યો છે?

વંજુલઃ કોઇ દહાડો ઘોડે બેઠો જ નથી ને!

સાવિત્રીઃ આવતા લગનગાળામાં તારે ઘોડે બેસવાનું આવશે.

વંજુલઃ (મોં મલકાવીને) ભગવન્તની અને આપની કૃપા.

કલ્યાણકામઃ વંજુલ! ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારની પદવી પૂજ્ય થાય છે. પણ, તારી આટલી થોડી બુધ્ધિ જોઇ તને કોણ પૂજ્ય ગણશે?

વંજુલઃ આપની નજરમાં મારી બુધ્ધિ થોડી હશે, પણ મારી બાઇડી આગળ તો હું પરમેશ્વરથી અધિક થઇશ.

કલ્યાણકામઃ તેં ગીતામાં નથી વાંચ્યું કે પરમેશ્વરના સમાન કોઇ નથી, તો અધિક ક્યાંથી હોય? [૨]

વંજુલઃ એ સિધ્ધાંત તો પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે નથી. હું તો બાઇડી પાસે નિયમ પળાવીશ કે નિત્ય હું બારણેથી આવું ત્યારે દીવો લઇ ને મારી આરતી ઉતારે.

કલ્યાણકામઃ આરતી ઉતારવાને બદલે તને પીવાનું પાણી આપે તો વધારે સારું નહિ?

વંજુલઃ તરસ્યો આવ્યો હોઉં તો આરતી પૂરી થતાં સુધી વાટ ન જોવાય એ ખરું. પાણીયે હાજર રાખવાનો હુકમ કરીશ, હું પાણી પીતો જ ઇ શ અને બાઈડી આરતી ઉતારતી જશે.

સાવિત્રીઃ વંજુલ! હું ભગવન્તની આરતી ઉતારતી નથી, એ તને ઘણું અયોગ્ય લાગતું હશે!

વંજુલઃ મારી બુધ્ધિની આપને કિંમત નહિ, તેથી શી રીતે કહું? બાકી એ તો પરમ કર્તવ્ય છે. હું મારી બાઈડી પાસે પતિવ્રતાના બધા ધર્મ પળાવીશ. મારા જમી રહ્યા પછી મારી અજીઠી થાળીમાં જમે, હું આરામ કરું ત્યારે મને પંખો નાખે, હું માર મારું તોપણ એક શબ્દ ના બોલે, એ બધા સતીધર્મના નિયમો સખ્ત રીતે પળાવીશ.

કલ્યાણકામઃ તું પોતે કોઇ નિયમ સખ્ત રીતે પાળીશ ખરો કે?

વંજુલઃ સ્ત્રીઓ માટે પુરુષોએ ઠરાવેલ નિયમ સ્ત્રી પાસે પળાવવા એટલો જ નિયમ સ્ત્રીપરત્વે પુરુષે પાળવાનો છે.

કલ્યાણકામઃ તારી સ્ત્રીને તારી અજીઠી થાળીમાં જમાડીશ, તેથી કયું ફળ પ્રાપ્ત થશે? તારો હક બજાવ્યાનો તને સંતોષ થશે કે તારી સ્ત્રીને પોતાનું કર્તવ્ય કર્યાનું પુણ્ય થશે?

વંજુલઃ આપ ઘરમાં કોઇ નિયમ પળાવતા નથી, તેથી આપને આવી શંકા થાય છે. આવા આચારથી ધણી તરફ બાઈડીની પૂજ્યબુધ્ધિ કેળવાય. તે વિના બાઈડીને ધણી પર પ્રેમ થાય નહિ, અને, તેમનો સંસાર સુખી થાય નહિ.

કલ્યાણકામઃ તારી અજીઠી થાળીમાં જમ્યા વગર પણ તારી સ્ત્રીને તારા પર પૂજ્યભાવ અને પ્રેમ થાય તો?

વંજુલઃ પણ તે કાયમ રહે એનો શો ભરોસો?

કલ્યાણકામઃ તારી અજીઠી થાળીમાં જમ્યા વગર તારો તેના પર પ્રેમ કેમ કાયમ રહેશે?

વંજુલઃ મારે કાંઇ પૂજ્યભાવથી પ્રેમ કરવાનો છે? મારે તો માલિકપણાથી પ્રેમ કરવાનો છે.

સાવિત્રીઃ સ્ત્રીઓને માટે બધા નિયમો પુરુષો જ કરશો કે થોડા નિયમો સ્ત્રીઓને પોતાની મેળે કરવા સારુ રહેવા દેશો?

વંજુલઃ ત્યારે અમારી આ મૂછો શા કામની?

સાવિત્રીઃ મૂછોથી બાઈડીને મારવાની અને અજીઠું જમાડવાની પ્રેરણા થતી હોય તો એવી મરદાનગી વિના દુનિયાને ચાલે તેમ છે. દુનિયાને તો આ રાઈ આવ્યો હતો તેના જેવી મરદાનગીની જરૂર છે.

કલ્યાણકામઃ

(ઉપજાતિ)

જે શૌર્યમાં કોમલતા સમાઈ,
તેને જ સાચું* પુરુષત્વ માન્યું;
દ્રવન્ત લોખંડનું ખડગ થાય,

પાષાણનું ખડગ નથી ઘડાતું. ૨૪

સાવિત્રીઃ એ યુવકના રસોજ્જ્વલ શૌર્યના દર્શનથી જાણે પ્રથમ એવો કોઇ પુરૂષ જોયો હોય એમ ભાન થતું હતું, અને તે સાથે વળી એની આકૃતિ અપરિચિત લાગતી હતી.

કલ્યાણકામઃ અનેક ભાવનાઓ મૂર્તિમંત થઇને ચિત્તને સંસ્કારોનો સાક્ષાત્કાર કરાવતી હતી, પણ, એ ભાવનાઓ એક પાત્રમાં સમગ્ર થયેલી કદી જોવામાં આવેલી નહિ. તેથી, આદર્શની આકૃતિ પહેલી જ વાર નજરે પડેલી જણાતી હતી.

વંજુલઃ મને તો રાઈ દીધેલું સુરણ યાદ આવતું હતું. ખરો સ્મરણાલંકાર તો એ જ.

કલ્યાણકામઃ અલંકારશાસ્ત્રમાં તું ભૂલે એવો નથી, પણ સૂરણ સુંદર નથી દેખાતું.

વંજુલઃ એ ગમે તેવો સુંદર દેખાતો હશે, પણ આખરે તો માળી જ!

કલ્યાણકામઃ એવો જો કોઇ ક્ષત્રિય મળી આવ્યો હોત તો હું મહારાજ પર્વતરાયને કહેત કે જુવાન થવાના ઉઅપ્ચાર કરવાને બદલે એવા યુવકને દત્તક લેવો શ્રેયસ્કર છે. જોઈ પદવી અપાતી હોય તો રાજપદ એને જ -

[નોકર પ્રવેશ કરે છે.]

નોકરઃ (નમીને) મળી ચૂક્યું છે,* ભગવન્ત.

કલ્યાણકામ : (ચમકીને) શું ?

નોકરઃ પૂર્વમંડળેશ તરફથી દૂત આવ્યો છે. તે કહે છે કે એટલા જ શબ્દો ભગવન્તને કહેવાના છે.

કલ્યાણકામઃ ઠીક, એને ઉતારો આપો.અને, પુષ્પસેનજીને મારા નમસ્કાર સાથે કહી આવ કે આપની જરૂર પડી છે, માટે કૃપા કરી સત્વર પધારશો.

નોકરઃ જેવી આજ્ઞા.

[નમન કરી જાય છે.]

કલ્યાણકામઃ વંજુલ! જા. એ દુતના ભોજનનો બંદોબસ્ત કર.

વંજુલઃ મારા ભોજનના બંદોબસ્તનું તો કહેતા નથી!

[જાય છે.]

સાવિત્રીઃ આ દૂતનો સંદેશો કંઈ અગમ્ય છે!

કલ્યાણકામઃ મહારાજ પર્વતરાય ગેરહાજર છે તે જાણી પૂર્વમંડળ પર ચઢી આવવા કેટલાક શત્રુઓ તૈયારી કરતા હતા. તેમનું સૈન્ય સરહદ પર એકઠું મળે એટલે આવા શબ્દોનો સંદેશો મુદ્દામ માણસ સાથે મોકલવા પૂર્વમંડળેશ સાથે સંકેત કર્યો હતો. એ તરફ સૈન્ય તો પ્રથમથી જ મોકલેલું છે, પણ હવે પુષ્પસેનને જ ત્યાં મોકલવાની જરૂર છે. પુષ્પસેન આવે ત્યાં સુધીમાં હું કાગળો તૈયાર કરી રાખું.

સાવિત્રીઃ ભોજન કરીને થોડી વિશ્રાન્તિ લીધા પછી આ કામ કરવાનું રખાય તેમ નથી?

કલ્યાણકામઃ

(હરિણી)

તમ વચનથી પામ્યો છું હું ઉરે રસપોષણ,
ઉદરભણે હાવાં કાંઈ સહીશ વિલંબન;
શ્રમ ઘટિ ગયો સૂણી જે જે વદ્યો બટું વંજુલ,

શ્રમ-સુખ જુદાં થાયે ક્યાંથી ખભે ધરિ જ્યાં ધુર? ૨૫

[બંને જાય છે.]

-૦-

નોંધ:

  1. सद्रशं चेश्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
    प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति ॥

અર્થ: જ્ઞાનવાન પણ પોતાની પ્રકૃતિનાં સરખી ચેષ્ટા કરે છે. પ્રાણીઓ પ્રાકૃતિને અનુસરે છે; નિગ્રહ શું કરશે? (રોક્યાથી શું થશે)

  • पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्व गुरुर्गरीयान् ।
    न त्वत्समो स्त्यभ्यधिक: कुतो न्यो लोकत्रये प्यप्रतिमप्रभाव ॥
    भगवद् गीता अध्याय ११ श्लोक ४३

    અર્થ: જેના સરખો કોઈનો પ્રભાવ નથી એવા હે (પરમેશ્વર) તું સ્થાવર જંગમ જગતનો પિતા છે, પૂજ્ય છે, મોટો ગુરુ છે(गुरुर्गरीयान् એવો પાઠ લેતાં 'મોટાથી પણ વધારે મોટો છે') ત્રણે લોકમાં તારા સરખો પણ બીજો નથી (તો) (તારાથી) અધિક (કોઈ) ક્યાંથી હોય ?