લખાણ પર જાઓ

રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૨ જો

વિકિસ્રોતમાંથી
← અંક સાતમો/ પ્રવેશ ૧ લો રાઈનો પર્વત
રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૨ જો
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો/ પ્રવેશ ૩ જો  →


પ્રવેશ ૨ જો
સ્થળ : કિસલવાડીમાંનું ઘર

[ખાટલા પર મોટે તકિયે અઢેલીને બેઠેલી અમૃતદેવી અને ખાટલા પાસે આસને બેઠેલાં જગદીપ, દુર્ગેશ અને કમલા પ્રવેશ કરે છે.]

અમૃતદેવી : કમલાએ જેવી મારી ચાકરી કરી છે, તેવી જગદીપ ! તારાથી પણ ન થાત. ઈશ્વરે મને કમલા જેવી એક પુત્રી આપી હોત તો મારા હૃદયને કેવો વિસામો મળત ! પણ હું એક પુત્રને સુખી કરી શકી નથી, તે બે સંતાનોને તો કેવાયે દુઃખમાં મૂકત !
જગદીપ : મને સુખી કરવા તેં કયો પ્રયત્ન બાકી રાખ્યો ? અને તેમ છતાં હુ સુખી ન થાઉં તો મારી જ સુખ પામવાની અશક્તિ.
અમૃતદેવી : પણ, મારો કયો પ્રયત્ન સફળ થયો કે તને સુખ પામવાનો વખત આવે ?
જગદીપ : પ્રયત્ન સફળ થવાની જરૂર છે ? મારી માતાએ મને સુખી કરવા પ્રયત્ન કર્યા છે એ વાત જ પરમ સુખ ઉદ્‌ભૂત કરવાને સમર્થ નથી ?
અમૃતદેવી : જગદીપ ! તને એટલું સુખસાધન પ્રાપ્ત થયું છે તો મારા અન્ત પહેલાં એટલો મને સંતોષ થયો. બીજા કોઇ પણ સંતોષ વિના મારે મરવાનું છે. પ્રભુ ! જેવી તારી ઇચ્છા !
[તકિયા પર માથું ફેરવી નાખે છે.]
 
કમલા : બા સાહેબ ! આવા સંતાપથી આપની તબિયત બગડી છે, અને વધારે બગડે છે. વૈદ્યરાજે તો આટલું બધું બોલવાની પણ ના કહી છે.
અમૃતદેવી : (માથું ફેરવીને) જે શરીર સુધરવાનું નથી તે વહેલું બગડે કે મોડું બગડે એમાં શો ફેર ?
જગદીપ : મા ! તું તારા મનને નિરાશાથી કેમ ઘેરાવા દે છે ? તારા આશાવન્તપણામાં આખા યુગને પ્રોત્સાહિત કરવાનું સામર્થ્ય હતું તે ક્યાં ગયું ?
અમૃતદેવી : કચડાઈ ગયું, છુંદાઈ ગયું. હવે મને સમજાયું છે કે,
(અનુષ્ટુપ)

આવે કાલતણો ભાર એવો સખ્ત અસહ્ય કે
આશાવન્તનું સામર્થ્ય ટકે એક જ સત્ત્વથી. ૯૩

પણ એ સામર્થ્ય ભાંગી ગયા પછી એ સત્ત્વનું ભાન થયું તે શા કામનું ?

દુર્ગેશ : બા સાહેબ ! પ્રશ્ન પૂછું તે માટે ક્ષમા કરશો. એ સત્ત્વ તે કયું ?
અમૃતદેવી : ઈશ્વરશ્રધ્ધા.
કમલા : ઈશ્વરશ્રધ્ધાની આપનામાં શી ન્યૂનતા છે ?
અમૃતદેવી : કમલા ! તને આ મંદવાડ વખતનો જ મારો પરિચય છે. પણ..હા ! મનુષ્યોની સ્મૃતિઓ પર થોડે થોડે અન્તરે પ્રલય ફરી વળતો હોય તો કેવું ?
જગદીપ : માનવસ્મ્રુતિઓમાં ડુબાડી દેવા કરતાં તરતું રાખવા જેવું ઘણું વધારે હોય છે.
અમૃતદેવી : એકંદર સરવાળે તેમ હશે, પરન્તુ પર્વતરાયનું મૃત્યુ થયું તે દુર્ભાગ્ય-દિવસના મારા સંકલ્પોની સ્મૃતિ તરતી રહી ન હોત તો મારા અન્ત સમયની વેદના કેટલી ઓછી થાત !
જગદીપ : મેં એ સંકલ્પોમાં સામેલ થઈ તારી અડધી જવાબદારી મારે માથે લીધી છે.
અમૃતદેવી : મારા અધર્મ્ય સંકલ્પોમાં તને સામેલ કરવાથી મારી જવાબદારી અડધી થયેલી લાગતી નથી, પણ બેવડી થયેલી લાગે છે.
જગદીપ : ગમે તેમ હોય, પણ ભૂતકાળ બદલાય તેમ નથી.
અમૃતદેવી : તેથી જ સ્મૃતિઓનો હુમલો હું પાછો હઠાવી શકતી નથી.
કમલા : ભૂતકાળની સ્મૃતિઓ પડતી મૂકી ભવિષ્યકાળની આશાઓનું મનન કેમ ન કરવું ?
અમૃતદેવી : એવો વિશ્લેષ થઇ શકતો હોય તોપણ કઈ આશાઓનું હું મનન કરું ?
કમલા : જગદીપદેવના રાજ્યારોહણની આશાઓનું.
દુર્ગેશ : અને, એ માત્ર આશાનો વિષય નથી. જગદીપદેવ ગાદીએ બેસશે એ નિશ્ચય છે.
જગદીપ : શીતલસિંહ પોતાના પુત્રને દત્તક નહિ લેવડાવી શકે ?
દુર્ગેશ : ભગવન્ત આજ સવારે જ કહેતા હતા કે શીતલસિંહ કદી ફાવવાનો નથી.
અમૃતદેવી : શીતલસિંહનું ગજું કેટલું ! એક કૂદકો માર્યા પછી બીજો કૂદકો તો શું, પણ બીજું ડગલું ભરવાની એનામાં ગતિ નથી. મને એની બીક નથી.
જગદીપ : ત્યારે શાની બીક છે ?
અમૃતદેવી : લીલાવતીનાં વચન ખરાં પડવાની. એણે મારો તિરસ્કાર કરી મને કહ્યું હતું કે 'તું મરતા સુધી માલણ જ રહેવાની છે.' મારું મરણ આણવાની કે મને માલણ રાખવાની લીલાવતીને સત્તા નથી, પણ એ વચન સાંભળ્યાં તે જ વેળા મને ભાન થયું કે એ શિક્ષા મને ઘટે છે, અને તે ક્ષણથી મારું હૃદય ભાંગી ગયું છે અને મારી આશાઓ શૂન્ય થઈ ગઈ છે.
દુર્ગેશ : જગદીપદેવને ગાદીએ બેઠેલા જોશો એટલે આપ રાજમાતા થશો અને રાણી લીલાવતીનાં વચન ખોટાં પડશે.
અમૃતદેવી : જગદીપ ગાદીએ બેસશે કે કેમ એ ક્લ્પના કરવી મેં
મૂકી દીધી છે. એવો દિવસ હું જોવાની નથી, એમ મારું અન્તઃકરણ સાક્ષી પૂરે છે.
જગદીપ : મા ! મારી મા ! તારો સન્તાપ મને આપ, અને મારી જે કાંઈ શાન્તિ છે તે તું લઇ લે.
અમૃતદેવી : એ અશક્ય છે. શી રીતે અદલોબદલો થાય ? જે કારણોથી મને સન્તાપ થયો છે, અને જે કારણોથી તને શાન્તિ પ્રાપ્ત થઈ છે તે તો થયાં અને ગયાં. તેની આપલે કેમ થાય ?
જગદીપ : એવો આપણા બે વચ્ચે શો ફેર પડી ગયો છે ?
અમૃતદેવી : મારી આજ્ઞાથી તેં મારા અધર્મ્ય સંકલ્પો ગ્રહણ કર્યા, પણ તું આગળ જતાં અટક્યો, અને હું એ માર્ગે આગળ ને આગળ ચાલી. એ જ ફેર. પરન્તુ, એ પરિતાપની કથા હવે પડતી મૂકો.
જગદીપ : તને કંઇ આનન્દ થાય એવી કથા હું કહું.
અમૃતદેવી : હવે આ જીર્ણ કલેવરમાં આનન્દનો ઉદય થઈ શકે તેમ નથી. ભાંગેલું હૈયું ફરી સંધાતું નથી, પરંતુ તને આનન્દ થતો હશે તો તે જોઈ મને સંતોષ થશે.
જગદીપ : મારા જીવનની સહચારિણી મને મળી આવી છે.
અમૃતદેવી : સુખી થજો.
જગદીપ : તને જિજ્ઞાસા થતી જણાતી નથી, તોપણ કહું છું કે જેનુ પાણિગ્રહણ કરી હું ધન્ય થવાનો છું તે પર્વતરાયની પુત્રી વીણાવતી છે.
કમલા : પર્વતરાયનાં પુત્રી વીણાવતી તો બાલ્યાવ્સ્થામાં વિધવા થઈને ગુજરી ગયાં છે !
જગદીપ : ગુજરી ગયાં છે એ વાત ખોટી છે. વિધવા થયેલાં એ વાત ખરી. પણ એ વૈધવ્યમાં અન્યાય ને ક્રૂરતા હતાં, અને લગ્નથી એ ન્યાય અને ક્રૂરતા દૂર થતાં હોય અને પ્રેમનો ઉલ્લાસ થતો હોય તો તે કર્ત્તવ્ય નથી ?
અમૃતદેવી : પુત્ર ! તને એ કર્ત્તવ્ય લાગતું હોય તો બેશક કરજે. મારી સહાયતા વિના હવે તારે કર્ત્તવ્યનિર્ણય કરવાનો છે, અને જ્યાં તને કર્ત્તવ્યપ્રતીતિ થઇ ત્યાં તે પાર પાડવા સારુ તારામાં આત્મબળની ખામી નહિ જણાય એવી મારી ખાતરી છે. હવે ઐહિક વિષયોમાંથી મારું મન ખસેડી લેતાં પહેલાં એક વાત મારે કહેવાની છે. તે કહેવી રહી ન જાય તે માટે મને ઘણી ઉત્સુકતા છે.
દુર્ગેશ : હું અને કમલા બહાર જઈએ ?
અમૃતદેવી : ના. મારાં વચન તમારે પણ સાંભળવા સરખાં છે, અને જે એક વેળા જાલકા હતી તે એ વચન કહી ગઈ છે એમ જગત્ ન માને તો તમે સાક્ષી પુરાવા લાગશો. (ટટાર બેસીને) જગદીપ ! તને પર્વતરાય બનાવવાની યોજના મેં કરી તે દિવસે એ છલની શિક્ષા ભોગવવાનું મેં માથે લીધું હતું, અને મારા આગ્રહ ઉપરથી તેં પણ તેમ કર્યું હતું, પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી.
(ઉપજાતિ)

નીતિવ્યવસ્થા કરી ઈશ્વરે જે,
છે માત્ર તેને અનુકૂલ વિશ્વ;
નવી વ્યવસ્થા કરવાની શક્તિ,
નથી મનુષ્યત્વ વિશે રહેલી. ૯૪

જગદીપ : અને, વિશ્વની નીતિવ્યવસ્થા સામે ઝઘડવાનો પ્રયત્ન વ્યર્થ જતાં હું તારા પ્રત્યેના પ્રેમમાં ન્યૂન રહ્યો તે માટે ક્ષમા કરજે.
અમૃતદેવી : એમાં તારો શો અપરાધ હતો?
(અનુષ્ટુપ)

વિરોધી સત્યનો એવો પ્રેમ વિશ્વે અશક્ય છે;
જ્યાં સત્ય ત્યાં જ છે પ્રેમ, જ્યાં પ્રેમ ત્યાં જ સત્ય છે. ૯૫

(આઘે નજર કરતાં વિહ્વલ થઈને) અરે ! આ બારીમાંથી એ કારમી જગા દેખાય છે, એ તો હું આજ આમ બેઠી થઈ ત્યારે ખબર પડી !}}

જગદીપ : કઈ જગા ?
અમૃતદેવી : (ભયભીત ચહેરે આંગળી બતાવીને) તે જ જગા, જગદીપ ! તે જ જગા. (તકિયા પર પડીને) તે જ એ જગા છે કે જ્યાં પર્વતરાયનું શબ દાટ્યું છે. દાટતી વેળા એના હૃદયમાં ચોટેલું બાણ મેં ખેંચી કાઢ્યું હતું, પણ મારા હૃદયમાં ચોટેલું બાણ કોણ ખેંચી કાઢશે ? મને અહીંથી લઈ જાઓ. આ ખંડમાં હું સૂઈ નહિ શકું. કૃપાલુ પ્રભુ ! કદાચ તારા શાન્તિધામમાં કોઈ ખંડ...

[બેભાન થઈ જાય છે. જગદીપ, દુર્ગેશ અને કમલા અમૃતદેવીનો ખાટલો ઊંચકીને લઈ જાય છે.]