રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૩ જો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અંક સાતમો/ પ્રવેશ ૨ જો રાઈનો પર્વત
અંક સાતમો:પ્રવેશ ૩ જો
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો: પ્રવેશ ૪ →


પ્રવેશ ૩ જો
સ્થળ: શીતલસિંહનું ઘર.
[શીતલસિંહ વિચારમાં ફરતો પ્રવેશ કરે છે.]
શીતલસિંહ : (સ્વગત) મને જે મોટી બીક હતી તે તો પતી ગઈ. એ જાલકાનો બુદ્ધિપ્રભાવ એવો હતો કે મારી બધી યુક્તિઓને તે ઊંધી વાળી નાખત, પણ એ તો આ દુનિયામાંથી ગઈ એટલે એક નિરાંત થઈ. પણ એમાં મારા કાર્યની સિદ્ધિ આગળ શી રીતે વધી ?
[નોકર પ્રવેશ કરે છે.]
 

નોકર : જી, બારણે કોઇ બ્રાહ્મણ આવ્યો છે. તે કહે છે કે આપને મળવું છે.
શીતલસિંહ : કોણ છે ?
નોકર : ડોસો છે ને મોટી દાઢી છે.
શીતલસિંહ : શું કામ છે ?
નોકર : તે કહે છે કે કાશી જાઉં છું ને વાટમાં ખરચી ખૂટી છે, માટે મદદ માગવા આવ્યો છું.
શીતલસિંહ : એને અહીં મોકલ, અને એ જાય ત્યાં સુધી તું ઓટલે બેસજે.
[નોકર જાય છે.]
 
શીતલસિંહ : સંજ્ઞા તો મળી, પણ તે વખતે બીજું કોઇ એ સંજ્ઞા જાણી ગયું હોય અને તેનો ઉપયોગ કરી મને છેતરવા આવ્યો હોય તો ? એમ હોય તો તે વસમું થાય. જોઉં છું. એકદમ વાત નહિ છેડું તો.

[લાંબા છૂટા કેશ અને લાંબી દાઢીવાળો, કામળી ઓઢેલો, અને હાથમાં લાકડી લીધેલો, એવો બ્રાહ્મણ પ્રવેશ કરે છે.]

બ્રાહ્મણ : જજમાન રાજા ! કલ્યાણ થાઓ.
(ચોપાઈ)

મનના સઘળા ફળજો કામ,
માગ્યા પૂરા મળજો દામ;
ગાદીવારસ ઉગજો કૂખે,
દિકરા દિકરી પરણો સૂખે. ૯૬

શીતલસિંહ : (સ્વગત) નિશાની તો એ જ. (મોટેથી) આવો મહારાજ! તમે કોણ છો?
બ્રાહ્મણ : કોણ છું તે ખબર ના પડી? (બારણું અંદરથી બંધ કરીને સાંકળ વાસે છે અને ખોટા કેશ ને ખોટી દાઢી
કાઢી નાંખે છે, કામળીને લાકડી ફેંકી દે છે, અને સ્ત્રીને વેશે પ્રકટ થાય છે.) ખરે! સંજ્ઞા કહ્યા છતાં તમે મને ના ઓળખી ?
શીતલસિંહ : મંજરી ! સંજ્ઞા તો મેં પારખી, પણ મને એમ થયું કે વખતે બીજું કોઇ સંજ્ઞા જાણી ગયું હોય, અને તે હોય તો?
મંજરી : થોડા વખતમાં ઘણું કરવાનું, અને તેમાં આમ બીતા અને અચકાતા ફરશો તો કામ કેમ પાર પાડશો ?
શીતલસિંહ : કામ એવું જોખમનું છે કે આખરે ફાવીએ નહિ તો માર્યા જવાનો વખત આવે, પણ તારી હિમ્મત જોઉં છું ત્યારે કોઇ કોઇ વાર મને પણ હિમ્મત આવે છે. વારુ, હવે કહે લીલાવતી રાણીસાહેબ આગળ દત્તક લેવાની વાત બીજા કોઇ પાસે કરાવવાનું તારાથી બન્યું છે કે નથી બન્યું ?
મંજરી : જેને પૂછું છું તે કહે છે કે મારાથી એ નહિ બને ?
શીતલસિંહ : એનું શું કારણ ?
મંજરી : સહુ જાણે છે કે ભગવન્ત આ દત્તવિધાનની વિરુધ્ધ છે.
શીતલસિંહ : ભગવન્ત વિરુધ્ધ હોય તો તેથી શું થઈ ગયું ? રાણીસાહેબ પોતાની ઈચ્છાથી દત્તક લેવા મુખત્યાર છે.
મંજરી : મુખત્યાર તો છે, પણ હવે તો રાણીસાહેબને ભગવન્ત પર એવી શ્રધ્ધા બેસી ગઈ છે કે એમને પૂછ્યા વિના સ્વપ્નાવસ્થામાં પણ પગલું ન ભરે.
શીતલસિંહ : પહેલાં તો રાણી સાહેબ ભગવન્તથી કાંઈક નારાજ રહેતાં.
મંજરી : પણ, જાલકા સાથે તકરાર થઇ અને રાણી સાહેબની તબિયત બગડી ત્યારે શ્રીમતી તેમની પાસે હતાં. અને, તેમના આશ્વાસનથી એવી શાન્તિ મળી કે રાણી સાહેબ તેમને ઘડી ઘડી બોલાવવા લાગ્યાં. અને રાણીસાહેબનો
મંદવાડ વધ્યો ને રાજનો મામલો ગુંચવાયો, તેમ શ્રીમતી સાથે ભગવન્તને પણ રાણીસાહેબ સલાહ માટે બોલાવવા લાગ્યાં. અને એ રીતે તેમના તરફ બહુ આદરભાવ થયો.
શીતલસિંહ : તેં પોતે રાણીસાહેબને મોઢે ફરી દત્તક્ની વાત છેડી હતી ?
મંજરી : છેડી હતી, પણ બહુ ગુસ્સે થાય છે અને એ વિશે એક અક્ષર પણ સાંભળાવાની ના પાડે છે. મંદવાડમાં બેચેની વધે એ બીકે વધારે કહેવાતું નથી.
શીતલસિંહ : ભગવન્ત શાથી દત્તવિધાનની વિરુધ્ધ છે ?
મંજરી : એમને અને શ્રીમતીને કોણ જાણે શાથી જગદીપ પ્રત્યે બહુ માનવૃત્તિ બંધાયેલી છે. એ જ ગાદીને લાયક છે એમ બંને માને છે.
શીતલસિંહ : પુષ્પસેનની કંઈ સમજણ પડી ?
મંજરી : સમજણ શી પડવાની હતી ? દુર્ગેશ અને જગદીપ વચ્ચે ગાઢી મૈત્રી છે, અને જ્યાં કમલાદેવી ત્યાં પુષ્પસેન. પુષ્પસેન કદાચ તટસ્થ રહેવા ઇચ્છા કરે તોપણ કમલાદેવીનો પ્રભાવ જેવો તેવો છે ?
શીતલસિંહ : સૈન્યની મદદ વગર તો દત્તવિધાન થયા પછી પણ આપણે નિષ્ફળ થઇએ.
મંજરી : પણ, રાણીસાહેબ દત્તક લે તો પર્વતરાય મહારાજનો દત્તક પુત્ર ગાદીએ કેમ ન આવે એ ગૂંચવણ ઊભી થાય ખરી. મારે બ્રાહ્મણ જમાડવો છે એમ કહીને વંજુલને મેં મારી પાસે બોલાવ્યો હતો. એને વાતમાં નાખતાં એ બોલી ગયો કે જગદીપ પોતે એમ કહે છે કે લીલાવતી રાણીને દત્તક લેવાનો હક છે. અને એ દત્તક લે તો દત્તકપુત્ર પર્વતરાયનો વારસ ગણાય એની ના ન કહેવાય. એ પ્રશ્નનો નિર્ણય થતાં સુધી પોતાના
રાજ્યાભિષેકની જગદીપ ના પાડે છે.
શીતલસિંહ : જગદીપ ભણ્યો છે પણ ગણ્યો નથી, અને ન્યાયનું પૂતળું છે એટલો આપણને ફાયદો છે.
[બહારથી કોઇ બારણું ઠોકે છે.]
 

(ગભરાઈને) એ શું ! કોણ આવ્યું હશે ? એણે બારણે રહી આપણી વાત સાંભળી હશે ?

મંજરી : રાજાના બાપ થવું હોય તો જરા કઠણ થવું પડે. (બ્રાહ્મણનો વેશ ધારણ કરીને) હવે બારણું ઉઘાડો.
[શીતલસિંહ બારણું ઉઘાડે છે એટલે નોકર પ્રવેશ કરે છે.]
 
શીતલસિંહ : (ગુસ્સે થઇને) મેં તને ઓટલે બેસી રહેવાનું નહોતું કહ્યું ?
નોકર : જી, હા. પણ આ મહારાજનો કોઈ સાથી દોડતો આવ્યો છે. તે કહે છે કે આપણે ઉતર્યા છીએ તે ધરમશાળામાં આગ લાગી છે, માટે એકદમ ચાલો. એ બહુ આકળો થયો એટલે હું કહેવા આવ્યો.
મંજરી : એને અહીં મોકલ ભાઈ.
શીતલસિંહ : અને, તું પાછો ઓટલે બેસ.
[નોકર જાય છે.]
 

એ તારો સાથી આવશે તો કંઈ અટકળ ક્રરશે ને બીજાને વાત કરશે તો ભરમ ફૂટી જશે. આગ લાગી છે, ત્યાં તારે જવું હોય તો જા.

મંજરી : એ મારો સાથીયે નથી અને આગેય નથી લાગી. પૂર્વમંડળની સરહદ પાસેના રાજાને સૈન્યની મદદ માટે પુછાવવામાં આપણે દૂત મોકલ્યો હતો, તે આજે આવે એમ વકી હતી. તેથી હું મારા વિશ્વાસુ માણસને કહેતી આવી હતી કે મારા ગયા પછી એ આવે તો આગની સંજ્ઞા આપી એને અહીં બોલાવજે. હું બ્રાહ્મણ વેશે હઇશ તે પણ એને કહ્યું છે.
[દૂત પ્રવેશ કરે છે અને મંજરીના હાથમાં કાગળ આપે છે.]

(કાગળ વાંચીને) તું જા. આપણો સામાન કાઢી લીધો છે તે બસ છે. ધરમશાળા છો બળી જતી.

[દૂત જાય છે.]
 

કાગળમાં લખ્યું છે કે એ રાજા સૈન્ય મોકલવા ખુશી છે પણ એવી શરત કરે છે કે એને એક કરોડ દામ આપવા અને પૂર્વમંડળનો આખો પ્રદેશ આપી દેવો.

શીતલસિંહ : એક કરોડ દામ તો મારઝૂડ કરીને લોકો પાસેથી ઉઘરાવીને આપીએ, પણ પૂર્વમંડળ આપી દેતાં તો મારા પુત્રને મળવાની ગાદી નાની થઇ જાય.
મંજરી : ગાદી મળવાના જ વાંધા છે ત્યાં નાની મોટી ક્યાં કરો છો ?
શીતલસિંહ : તને લાગતું હોય તો હું ના કહી શકવાનો છું ?
મંજરી : સૈન્યની મદદનું તો આમ નક્કી થયું. દત્તવિધાન થાય તે પછી તરત સૈન્ય બોલાવાય. માટે, ગમે તેમ કરીને દત્તવિધાન કરવાનો માર્ગ લેવો જોઇએ.
શીતલસિંહ : રાણીસાહેબ હઠ લઇને બેસે ત્યાં શો ઉપાય ?
મંજરી : મેં એક ઉપાય શોધી કાઢ્યો છે. રાણી લીલાવતીના પિયેરનો પુરોહિત અત્રે આવેલો છે. એના પર રાણીસાહેબની કૃપા છે. એ પુરોહિતને દાનદક્ષિણાથી રાજી કરી તમે એની મારફત રાણી સાહેબ પાસે આટલું કબૂલ કરાવો. એની રૂબરૂ રાણીસાહેબ એક વાર તમારી મુલાકાત લે.
શીતલસિંહ : અને, એવી મુલાકાત થાય તો તે વખતે શું કરવું ?
મંજરી : તમે અને પુરોહિત રાણીસાહેબને બે વાતનો આગ્રહ કરીને કહેજો. એક તો એમ કહેજો કે જાલકાએ રાણીસાહેબ તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા
ધારેલો તેનો પુત્ર ગાદીએ બેસે ? અને બીજું એમ કહેજો કે જગદીપ વીણાવતી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. ક્ષત્રિયમાં વિધવા ફરી પરણે - અને તે વળી ગુજરાતના રાજાની પુત્રી- તે તો ભારે અનર્થ થાય; અને, એવો અનર્થ કરનાર અને પર્વતરાયના કુલને કલંક લગાડનાર ગુજરાતની ગાદીએ બેસે ?
શીતલસિંહ : તારા જેવી વાચાલતાથી કહેતાં મને આવડે તો તો રાણીનું મન જરૂર ફરે અને મારો પુત્ર ગુજરાતની ગાદીએ આવે.
મંજરી : અને, મને પાંચ લાખ દામ મળે, અને મારી પુત્રી તમારા પુત્ર સાથે પરણી ગુજરાતની રાણી થાય, એ આપણો કરાર ભૂલવાનો નથી.
શીતલસિંહ : એ ભૂલું ત્યારે તો શ્વાસોચ્છ્‌વાસ લેવાનું ના ભૂલું ?
મંજરી : હવે શ્વાસોચ્છ્‍વાસ જલદી ચલાવી તમે પુરોહિત પાસે જાઓ. હું ફરી આવીશ ત્યારે અત્તર વેચનારને વેશે આવીશ. અને બહારથી માણસ જોડે અત્તરનાં ત્રણ પૂમડાં મોકલાવીશ. વળી છેવટે એક ઉપાય તો છે જ. આવો તમારા કાનમાં કહું.

[શીતલસિંહના કાનમાં મંજરી વાત કહે છે. શીતલસિંહ ચમકે છે. મંજરી આંગળી ઊંચી કરી તેને ચુપ રહેવા નિશાની કરે છે.]

[બંને જાય છે.]