રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૪ થો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  અંક સાતમો: પ્રવેશ ૩ રાઈનો પર્વત
અંક સાતમો: પ્રવેશ ૪
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો: પ્રવેશ ૫ →


પ્રવેશ ૪ થો

સ્થળ : દુર્ગેશનું ઘર

[જગદીપ, દુર્ગેશ અને કમલા વાતો કરતાં બેઠેલાં પ્રવેશ કરે છે.]
દુર્ગેશ : શીતલસિંહની ખટપટ વધતી જાય છે. ભગવન્ત કહેતા હતા કે શીતલસિંહ અને મંજરીની મદદે આવવા પૂર્વની સરહદ પરના રાજાએ લશ્કર એકઠું કરવા માંડ્યું છે.
તેણે પૂર્વ-મંડળના આપણાં મંડળેશને ફોડી પોતાના લશ્કરને માર્ગ મળવાની ગોઠવણ કરવા પ્રયત્ન કર્યો, તે તો નિષ્ફળ ગયો. ભગવન્તને લીધે સર્વ અધિકારીઓએ રાજભક્તિમાં દૃઢ રહ્યા છે.
કમલા : હવે ગુજરાતના વહાણનું સુકાન ફક્ત રાણી લીલાવતીના હાથમાં છે, પણ શ્રીમતીને એ વિશે લેશમાત્ર ચિંતા નથી.
દુર્ગેશ : લીલાવતી રાણીના પિયેરનો પુરોહિત આવેલો છે. તેણે શીતલસિંહને રાણી સાહેબ રૂબરૂ લાવવાની અનુજ્ઞા માગેલી, તેની રાણી સાહેબે ના પાડેલી. પણ, ભગવન્તે સલાહ આપી છે કે એમની મુલાકાત લેવી અને એ લોકો કહે તે બધું સાંભળવું. એ લોકો વિધવાવિવાહની અનિષ્ટતા રાણીસાહેબના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવાના છે.
જગદીપ : એક રાજપુરુષે મિત્રભાવે મને કહ્યું કે ‘ આ વિધવાવિવાહની વાત પડતી મૂકો તો અડધી ખટપટ શમી જાય. ગુજરાતના રાજાને કન્યાની ખોટ નહિ પડે ’ મેં ઉત્તર દીધો કે ‘ગુજરાતનું તો શું પણ આખી પૃથ્વીનું રાજ્ય મળતું હોય તો પણ તે માટે જગાડેપ વીણાવતીનો ત્યાગ કરે તેમ નથી.’
દુર્ગેશ : ભગવન્ત આગળ કોઈએ એમ કહ્યું કે ‘હાલ જગદીપદેવ એમ પ્રગટ કરે કે “હું વીણાવતી સાથે લગ્ન કરવાનો નથી.” તો શું ? ગાદીએ બેઠા પછી એમને એ લગ્ન કરવું હોય તો કોણ અટકાવનાર છે ?
જગદીપ : એવા અસત્યવાદીને ગુજરાતની ગાદી પણ ના ઘટે અને વીણાવતીનો હસ્ત પણ ન ઘટે. ભગવન્તે શું કહ્યું?
દુર્ગેશ : ભગવન્તે ઉત્તર દીધો કે ‘જગદીપદેવના ઉદ્દાત વીરત્વનો તમને ખ્યાલ નથી , તેથી આવી સૂચના કરો છો.
ભવિષ્યના ગુર્જર-નરેશ કદી કાયરપણું દાખવે કે ઉન્નત પથથી એક પગલું આડું ભરે એવી કલ્પના ન કરશો.’
કમલા : એવા ઉદ્દાત વીરત્વની ભાવનાનું રાજ્ય સ્થપાશે ત્યારે જ ગુર્જર ભૂમિની સ્ત્રીઓની અવદશા દૂર થશે. ત્યારે જ પ્રજાને સાક્ષાત્કાર થશે કે સ્ત્રીની કિંમત તે માત્ર પુરુષના સાધન તરીકે નથી, પણ

પ્રતિષ્ઠા સ્ત્રી કેરી સકલ રહિ છે સ્ત્રીત્વનિ મહીં,
વસ્યું તેને સ્ત્રીત્વે પુરુષ સરખું માનવપણું;
ઘડી જે મર્યાદા વિષયમય ભાવોથી પુરુષે
નથી તેથી સ્ત્રીની પદવિ કદી મર્યાદિત થતી. ૯૭

એ સાક્ષાત્કાર થશે ત્યારે એમ કહેનારા નહિ નીકળે કે વીણાવતીદેવીએ પોતાનું આયુષ્ય કષ્ટમાં અને ક્લેશમાં કાઢવું એમાં જ તેમના જીવનની કૃતકૃત્યતા છે.

દુર્ગેશ : એ પુરોહિત એવી માન્યતાને આધારે જ જગદીપદેવને ઉત્પાત કરનાર તરીકે વગોવે છે.
જગદીપ : લીલાવતી રાણીનાં પિયેરમાંથી પુરોહિત સિવાય બીજું કોઈ કેમ આવ્યું નથી ?
દુર્ગેશ : પર્વતરાય મહારાજના મૃત્યુની હકીકત જાહેર થઈ તે પહેલાંનું લીલાવતી રાણીનાં બહેનનું લગ્ન નક્કી ઠરેલું છે. એ લગ્ન પ્રસંગે જવાનું નિમંત્રણ રાણીસાહેબના ભાઈ તરફથી અહીં આવી પહોંચ્યું તે વેળા મહારાજના મૃત્યુની વાત પ્રગટ થઈ ગઈ હતી અને રાણીસાહેબે ઉત્તર મોકલાવ્યો કે 'મને કૂવામાં નાખી છે, તેમાંથી નીકળીને મારાથી અવાય તેમ નથી. હવે મારી બહેનને કૂવામાં ન નાખશો, અને તમારી મોટાઈ કહેવાય એવે ઠેકાણે
તેને પરણાવજો.' એથી ભાઇબહેનનાં મન ઊંચાં થયાં છે. વળી, એ લગ્ન હવે પાસે આવ્યું અને અટકે તેમ નથી, તેથી ત્યાંથી શોક કરાવવા કોઈ સગાંથી અવાય નહિ. તે માટે, એકલા પુરોહિતને શોક કરવા મોકલ્યા છે.
કમલા : અને, પુરોહિત મહારાજ મહેલમાં જઈ શોક કરાવે છે ને બહાર નીકળી ગાદીની ખટપટ કરે છે. શોક કરાવતાં આંખે કાંઈ ખરાં ખોટાં આંસુ વળગી રહ્યાં હોય તે પર શીતલસિંહના દામ લગાડતાં તે આંસુ લુછાઈ જાય છે, સુવર્ણમાં વાદળી, જેવો આંસુ ચૂસી લેવાનો ગુણ છે !
જગદીપ : અને, સુવર્ણને નિચોવતાં પાછાં તેમાંથી આંસુ જ નીકળે છે !
દુર્ગેશ : રાજા તો લક્ષ્મીપતિ છે, અને લક્ષ્મીપતિએ એવી વૈરાગ્યવૃત્તિ ધારણ કરવી ન જોઈએ.
કમલા : અને હવે તો આપ સંસારના ઊમરા પર આવી પહોંચ્યા છો. વીણાવતીદેવીને સૌભાગ્ય અર્પણ થતું જોવાની અમારી ઉત્કંઠા હવે રોકી શકાતી નથી.
જગદીપ : મારી પ્રિય માતાના અવસાન પછી તરત લગ્નોત્સવ રચવાની મને ઇચ્છા થતી નથી, પણ વીણાવતીને આવા સંજોગોમાં અસહાય અવસ્થામાં રહેવા દેવી એ ઉચિત નથી. અહીંથી જઈ એને આજે નગરમાં તેડી લાવીશ. રાણી લીલાવતી પાસે અમારે બન્નેએ જઈ એમનો આશીર્વાદ માગી લેવો, અને પછી લગ્ન ક્રિયા કરવી, એવી મારી ધારણા છે. ભગવન્તે સંમતિ દર્શાવી છે.
દુર્ગેશ : તમે પાછા આવો ત્યાં સુધીમાં અમે ભગવન્તને તથા શ્રીમતીને મળી એ ધારણા પૂર્ણ કરવાની તૈયારી કરીશું.
[બન્ને જાય છે.]