રાષ્ટ્રિકા/ઇલ્મમક્કાનો હાજી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← મટુભાઈ હ. કાંટાવાળા રાષ્ટ્રિકા
ઇલ્મમક્કાનો હાજી [૧]
અરદેશર ખબરદાર
કાન્તનું સ્વર્ગપ્રયાણ →
* (ગઝલ)ખૂબ કરી જો ઇલ્મની સોદાગરી હાજી ગયો :
બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો !
ખૂબ કરી.

જ્યાં ભર્યાં'તાં આસમાને ઘોર કાળાં વાદળાં,
રંગ ત્યાં બેમૂલ કૈં કૈં ચીતરી હાજી ગયો !
ખૂબ કરી.

જ્યાં જમીને ગૂંચવાતાં ધૂળઢગ ને ઝાંખરાં,
બાદશાહી બાગ ફૂલનો ત્યાં કરી હાજી ગયો !
ખૂબ કરી.

ગુર્જરીનું ઇલ્મમક્કા પાક કીધું હજ કરી,
એક હજરતની ફકીરી દિલ ધરી હાજી ગયો !
ખૂબ કરી.

ઓ મહોબ્બત ! નાઉમેદી ! ઓ જુવાની ગુલભરી !
તમ ફકીરીની અમીરી આ હરી હાજી ગયો !
ખૂબ કરી.

એ અમીરીના સખુન પર ત્યાં ફિરસ્તા છે ફિદા :
અહીં ન જાણ્યું મોતી શાં શાં વીખરી હાજી ગયો !
ખૂબ કરી.

રો હવે ગુજરાત ! રો, રો ! ના પિછાન્યો જીવતાં :
આંસુના દરિયાવ એવા કૈં તરી હાજી ગયો !
ખૂબ કરી.

ના અદ્દલ ઈનામ જગનું ; એક કુરબાની દિલે :
કૈં અમીરી, કૈં ફકીરી, સંઘરી હાજી ગયો !
ખૂબ કરી.

નોંધ

  1. વિખ્યાત "વીસમી સદી" માસિકના તંત્રી અને માલેક સ્વ. અલારખિયા શિવજી.
-૦-