લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/કાન્તનું સ્વર્ગપ્રયાણ

વિકિસ્રોતમાંથી
← ઇલ્મમક્કાનો હાજી રાષ્ટ્રિકા
કાન્તનું સ્વર્ગપ્રયાણ
અરદેશર ખબરદાર
કલાપીની જયંતી →



કાન્તનું સ્વર્ગપ્રયાણ


દિવ્ય

સ્વામીના સેવક વહાલા,
હો ગુર્જરીના મણિ કાન્ત[],
પ્રભુના અમૃતરસ પ્યાલા,
તેં પી પાયા મરણાન્ત ;
તુજ આત્મન્માર્ગ નિરાળા
ક્યાં શોધ્યા આખર શ્રાન્ત
છોડી જગપંથ નમાલા
ક્યાં જ‌ઇ પામ્યો એકાન્ત ?

વહાલા ! તુજ હૃદયસિતારે
જ્યાં છેડ્યા પૂર્વાલાપ,
મૃદુ ઝરતી અમૃતધારે
પળ ભૂલ્યા સૌ જગતાપ ;
તુજ અંગુલિ તારે તારે
ભરતી માધુર્ય અમાપ ;
ક્યાં જ‌ઇ શોધું જગઆરે
તુજ અદ્‌ભૂત ગાનપ્રતાપ ?


હો બંધુ, ગયો તું ચાલી
કુદરતશું ફરવા દૂર ;
લાગ્યાં શું અમ ઉર ખાલી
ચોગમ દ્વેષે ચકચૂર ?
સંભારી સ્વર્ગે વહાલી
અહીં વાળ્યાં આલમનૂર ?
ત્યાં ચાલ્યો ગાવા મહાલી
શું ગાન પરમ રસપૂર ?

તુજ હૈયાની બલિહારી
અહીં જોઇ અમે કંઇ ઑર,
તુજ સ્નેહવસંતે ભારી
લચતા મૃદુતાભર મૉર :
કંઇ કંઇ ધારી અણધારી
તુજ હૈયે તપી બપોર !
ન્યારી, વહાલા, રે ન્યારી
તુજ કુસુમ સમી ઉરદોર !

ડોલી બહુ તારી કીસ્તી
ભવસાગરને તોફાન,
ખોળી હસ્તી ને નીસ્તી
તું રોજ રહ્યો હેરાન ;

તુજ નજર કદી નવ ખિસતી[]
જ્યાં ઝગતું દૂર નિશાન,
તુજ સફર સફળ થ‌ઇ દિસતી
સ્વામીકર દઈ સુકાન.

શું 'નથી ઇશ્વર દુઃખીનો' ?
શું 'કર્તાની કૃતિ ક્રૂર' ?
જીવનભર તો રસભીનો
તું, બંધુ, રહ્યો ક્યમ પૂર ?
જો લેવો લહાવ અમીનો,
તો વિષ પણ પીવું શૂર :
એ મહાપિતા પ્રભુજીનો
છે પ્રેમવિલાસ જરૂર.

માગ્યું તે આજ મળ્યું છે,
શોધ્યું તે જડ્યું ઝવેર,
ઠોક્યું તે પણ ઊઘડ્યું છે :
હો વહાલા, પ્રભુની મહેર !
ત્યાં દેવ પરસ્પર પૂછે
દ્વારે ઊભા રસભેર,
એ આજે સ્વર્ગે શું છે ?-
રસદેવ, પધારો ઘેર !


દુનિયાએ અળગો કીધો,
તે કરવા પ્રિય વધુ આજ,
વહાલાંએ ઘા ઉર દીધો,
તે ચુંબન કરવા કાજ ;
તેં સ્નેહસુધારસ પીધો,
લઈ પ્રભુઘેલાંનો સાજ :
જો, પ્રભુએ ખોળે લીધો
ને શિર મૂક્યું સુરતાજ !

જન્મે જન્મે ઉર કસવું,
એ છે વિધિની શુભ નેમ,
જોવા અંધારે ધસવું,
લેવા ખોવું જગક્ષેમ ;
દુનિયામાં દુઃખે હસવું,
ને સુખમાં રડવું તેમ :
વહાલા, વિભુ‌ઉરમાં વસવું
તું સમજ્યો સાધી પ્રેમ.

દિન‌ઉરની શોભા ખોલે
સૂર્યાસ્તે ભર આકાશ,
જીવન જ્યાં ચઢતું ઝોલે
ત્યાં આત્મા ભરે મીઠાશ;

નભગંગા પૂરી લોલે
જ્યાં આંજે આંખ અમાસ,
જીવન અવસાને બોલે,
ને પૂરે પ્રભુજી આશ. ૧૦

વહાલા, પ્રભુપદ તું ખેલે
છેડી તુજ વીણાતાર,
અહીં વહતી રસભર રેલે
મધુરી ધીરી સ્વરધાર ;
રોતી ઉરપાર ઉકેલે
ગુર્જરી તુજ ગાનપ્રકાર :
શા રંગ હશે સુરમહેલે ?-
મુજ આંખ ઊડે જગપાર ! ૧૧

ઊગશે રવિ ને આથમશે,
રહેશે સત્ય જ ને સ્નેહ,
આગળપાછળ નભ નમશે,
વચ્ચે તપશે રવિદેહ :
તુજ ગાન પિતાઉર શમશે,
ભરશું ઉર એ રસલેહ,
ત્યાં તુજ રતિઘન ધમધમશે,
વહાલા, અહીં જ્યોતિર્મેહ ! ૧૨


  1. સ્વર્ગસ્થ કવિ મણિશંકર રતનજી ભટ્ટ.
  2. જૂના ગુજરાતી કવિઓ ભાલણ વગેરેનાં કાવ્યોમાં આ શબ્દ 'ખસતી'ને ઠેકાણે વપરાયેલો છે. અહિં પ્રાસની પૂર્ણતા માટે એ શબ્દ રાખ્યો છે.