રાષ્ટ્રિકા/કવિશ્રી નાનાલાલનો જન્મસુવર્ણ મહોત્સવ

વિકિસ્રોતમાંથી
← કલાપીની જયંતી રાષ્ટ્રિકા
કવિશ્રી નાનાલાલનો જન્મસુવર્ણ મહોત્સવ
અરદેશર ખબરદાર
અમારો દેશ →



કવિશ્રી નાનાલાલનો જન્મસુવર્ણ મહોત્સવ* [૧]


ગરબી[૨]


ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો !
રસલીલી ખીલી તુજ હૃદયવસંત જો ;
તુજ ટહુકે મૉર્યાં ગુર્જર આકાશ આ,
દિશદિશની ઊઘડી કંઇ દેવદિગંત જો.
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૧

વન‌ઉપવન ગાજે તુજ મધુરા શબ્દથી,
પંખીડાં પૂરે કંઇ કિલકિલ નાદ જો ;
તુજ પડઘા ઝીલે કંઇ કંઇ રસબાલુડાં,
જાદુગારા છે તુજ ગાનપ્રસાદ જો !
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૨

તારા સ્વરબ્રહ્માંડે બ્રહ્મ સભર ભર્યો,
તુજ સૂરે ફૂટ્યાં નવતારકલોક જો !
તુજ પ્રશ્નોની માળા વ્યોમગળે ઝૂલે,
દીઠા-અણદીઠા તુજ ઊંચા ગોખ જો !
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૩


નહીં મસ્તી, નહીં ક્ષોભ, ન ઉરઘમસાણ કૈં,
લાડીલી મીઠી તુજ ઉન્નત વાણ જો ;
સત્ય સનાતન યુજ હોઠે ફરી કંઇ સર્યાં,
જગવ્યા જનમાં દેવજીવનના પ્રાણ જો !
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૪

ક્ષણિક કળાનાં ને કુદરતનાં બંડ હા,
અવિરત છે વિશ્વે તો ક્રમ સંવાદ જો :
આજે તુજ ગુણ ગાય બધી ગુજરાત આ,
તુજ નિર્મલ કલરવમાં લે આહ્‌લાદ જો.
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૫

આજ વસંતે મૉરી અમ રસવાટિકા,
અમર ખીલો ત્યાં તુજ ફૂલોના ફાલ જો !
દેવદીધું તુજ નૂર, જગત શું દ‌ઇ શકે ?
વીરા ! અમ ઉરની તો વંદનમાળ જો !
ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૬


  1. *તા. ૨ જી એપ્રિલ ૧૯૨૭.
  2. "ઓધવજી સંદેશો કહેજો શ્યામને" - એ ચાલ