રાષ્ટ્રિકા/અમારો દેશ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કવિશ્રી નાનાલાલનો જન્મસુવર્ણ મહોત્સવ રાષ્ટ્રિકા
અમારો દેશ
અરદેશર ખબરદાર
સિંહવીર →
. દિવ્ય .


અમે ભરતભૂમિના પુત્રો !
અમ માત પુરાણ પવિત્ર,
રે જેનાં સુંદર સૂત્રો
ઝળકાવે ઉચ્ચ ચરિત્ર;
અમ અંતરને ઉદ્દેશી
કરશું હોકાર હમેશ :
અમે દેશી, દેશી, દેશી !
આ દિવ્ય અમારો દેશ ! ૧

અંધાર વિષે અથડાતાં,
કે ફરતાં ભવ્ય પ્રકાશ;
પડતાં રડતાં રગડાતાં,
કે કરતાં હાસ્યવિલાસ;
પળપળ અમ ઉરનિધિએ શી
હા ઊછળે ઊર્મિ અશેષ !
અમે દેશી, દેશી, દેશી !
આ દિવ્ય અમારો દેશ ! ૨

ક્યાં હશે હિમાલય જેવા[૧] ?
ક્યાં પુણ્યપવિત્ર જ ગંગ ?
ક્યાં મળે અલૌકિક એવા
સહુ દેશતણા બહુ રંગ ?
ક્યાં મુનિ ઈશ્વરજન બેશી
કરતા પ્રભુપંથ ઉજેશ ?
અમે દેશી, દેશી, દેશી !
આ દિવ્ય અમારો દેશ ! ૩

ક્યાં રામ યુધિષ્ઠિર ઘૂમ્યા ?
ક્યાં ગરજ્યા અર્જુન ભીમ ?
ક્યાં રજપૂત વીર ઝઝૂમ્યા
દાખવવા શૌર્ય અસીમ ?
રે ભૂલિયે તે રીતે શી
અમ અંતરથી લવલેશ ?
અમે દેશી, દેશી, દેશી !
આ દિવ્ય અમારો દેશ ! ૪

નથી રે જીવવું પરાઅશે :
છે પારકી આશ નિરાશ ;
નથી કર ધરવો કો પાસેઃ
સ્વાશ્ર્યનો છે ઉલ્લાસ;
કંઇ પુણ્યપ્રભા જ પ્રવેશી
અહીં દે અમને ઉપદેશઃ
અમે દેશી, દેશી, દેશી !
આ દિવ્ય અમારો દેશ ! ૫

ધમધમ ધરણી ધ્રૂજવીશું,
અમ દેશતણાં કરી ગાન;
જયજય જયનાદ કરીશું,
દઇશું મોંઘા અમ પ્રાણ !
એ ભક્તિ વસી ઉર, તેશી
દેજો શક્તિ, પરમેશ !
અમે દેશી, દેશી, દેશી !
આ દિવ્ય અમારો દેશ ! ૬

નોંધ

  1. હિમાલયના પહાડો જેવા
-૦-