રાષ્ટ્રિકા/સિંહવીર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  અમારો દેશ રાષ્ટ્રિકા
સિંહવીર
અરદેશર ખબરદાર
ભરતભૂમિનું જયગીત →
. રાગ માઢ - "અમે જોગીઓનાં બાળ" .


અમે સિંહણનાં સંતાન :
સિંહ અમારા ક્ષત્રીપિતા ને
ગર્જન છે અમ ગાન :
અમે સિંહણનાં સંતાન ! -

ત્રાડ અમારી તોડે ગગનને,
ફોડે દિશાના કોટ;
તારક રજનિમાં જાય સંતાઈ,
સાગર પામે ઓટ :
ચોટ અમારી ચંદ્રને :
અમે સિંહણનાં સંતાન. ૧

ધ્રૂજે ગીરના ડુંગરા ને
ધૂજે વનવન વૃક્ષ;
ફૂટે ગઢના કાંગરા ને
તૂટે પંખીની પક્ષ :
લક્ષ અમારું ગર્જને :
અમે સિંહણનાં સંતાન ૨

ગગને ગરજે મેહુલો, એવો
વનવનનો વનરાજ;
ઊડે ન આભનાં ડાબલાં તો
એ ગર્જન શા કાજ ?
લાજ અમારી લખવસા :
અમે સિંહણનાં સંતાન. ૩

ઊઘડે નયન આકાશનું ત્યાં
આંજે જગતની આંખ;
ખોલે ત્રિલોચન રુદ્ર ત્યારે
પ્રજળે વિશ્વની પાંખ :
ખાખ બને ભડભડ બળી :
અમે સિંહણનાં સંતાન. ૪

બાળે નહીં તે તેજ કેવાં ?
વીંધે ન તે શા બોલ ?
ત્રાડ ન તૂટે આકાશ, તેવા
કાયરના શા કોલ ?
મોલ અમારાં મૂલવિયે :
અમે સિંહણનાં સંતાન. ૫

ઘનગર્જનને પડઘો દઇયે,
સામે મુખ અમ ફાળઃ
કુંજરના મદ તોડિયે, એ તો
ખેલે જુઓ સિંહબાળ !
કાળઘેર્યો અહીં આવશે !
અમે સિંહણનાં સંતાન ! ૬

-૦-