રાષ્ટ્રિકા/ગુજરાતનો યજ્ઞકુંડ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક વાર મરી ફીટો રાષ્ટ્રિકા
ગુજરાતનો યજ્ઞકુંડ
અરદેશર ખબરદાર
હો મહાન નવજુવાન ! →

ગુજરાતનો યજ્ઞકુંડ


• પદ[૧]


દુઃખમાં શૂરા રે, હો ગુજરાતી વીરા !
આવો, પૂરા રે ખમવા દુઃખના ચીરા !

કડકડ ફૂટે ક્રોડ કડાકા, પર્વત ફૂંકે ફાટે ;
ઝળઝળ જ્વાળા વ્યોમ જળાવે : ઊભા રહો દૃઢ વાટે !
દુઃખમાં શૂરા રે ! ૧

નથી પડવું યાહોમ કરીને આજે અંધ શૂરાનું ;
નથી અબળને દમવું : આ છે જડચેતનનું લહાણું !
દુઃખમાં શૂરા રે ! ૨

સત્ય જ પ્રભુના પ્રાણ અમારા, સત્ય જ અંગ અમારાં;
સત્ય જ રક્ત વહે અમ નસમાં, સત્ય જ વ્રત અમ ન્યારાં :
દુઃખમાં શૂરા રે ! ૩

માયા સૌ ઘરબાર તણી ને સુખની પૂતળી દફની ;
આત્મશૌર્યનાં શ્વેત સજ્યાં પટ, ના કાયરની કફની :
દુઃખમાં શૂરા રે ! ૪


પાય પડ્યા, વિનવ્યા કંઇ કંઇ, શું હૃદયહીણને રટવું ?
હવે પડ્યા રગડાવા રણ ત્યાં ના હઠવું, ના હઠવું !
દુઃખમાં શૂરા રે ! ૫

ભારતદુઃખ શિરે અમ લેતાં, હૈયાં કેમ ન ફૂલે ?
હો ભારત ! ધુનિ પાર ઊતરજો અમ શબઢગને પૂલે !
દુઃખમાં શૂરા રે ! ૬

વાટે ઘાટે છાતી ફાટે થાય સ્મશાની દુનિયા ;
નવલખ આંખે વ્યોમ રુવે પણ પાછું જુએ ન મરણિયા !
દુઃખમાં શૂરા રે ! ૭

એ જ અલખની ધૂન અમારી, મૂંગે મુખ દુખ સહેવું :
બેડીની જડ જડતાં અરિ પણ આખર રોશે એવું :
દુઃખમાં શૂરા રે ! ૮

કીર્તિ અમોલી ભારત કેરી આજ અમારે હાથે :
હો વીરા ! જગને ઝૂલવવું આ ગરવી ગુજરાતે !
દુઃખમાં શૂરા રે ! ૯

ધર્મક્ષેત્ર એ, કર્મક્ષેત્ર એ, એ રણક્ષેત્ર અનેરું !
જયજય કોને ભાગ્ય અદલ એ પુણ્ય જ ભારત કેરું ?

દુઃખમાં શૂરા રે, હો ગુજરાતી વીરા !
ગાજો પૂરા રે સત્ય પ્રેમરસધીરા ! ૧૦


  1. "ભારતી ભૈયા રે ! શંખ સુણ્યો ન હજી શું ? - એ ચાલ.