લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/એક વાર મરી ફીટો

વિકિસ્રોતમાંથી
← ધર્મને પંથે રાષ્ટ્રિકા
એક વાર મરી ફીટો
અરદેશર ખબરદાર
ગુજરાતનો યજ્ઞકુંડ →





એક વાર મરી ફીટો


• રાગ કાફી - તાલ ત્રિતાલ []

એક વાર મરી ફીટો, ભૈયા, એક વાર મરી ફીટો !
મૃત્યુ નિચોવી મીટો, ભૈયા, એક વાર મરી ફીટો !

ભારત જેવો દેશ પૂજ્ય કો દુનિયાભરમાં દીઠો ?
ભારત માટે મરવામાં કંઈ સ્વાદ અજબ છે મીઠો !
ભૈયા,એક વાર મરી ફીટો ૧

ખદબદતા છૂંદાતા રહેશો શું કાદવના કીટો ?
ભારતનામ ગજાવી કૂદી વ્યોમે તાણો લીટો !
ભૈયા,એક વાર મરી ફીટો ૨

વસ્ત્ર સમી તમ કાય નથી કે લટકો ગ્રહી પરખીંટો :
ચેતનભર એ કાય ઝગાવો, નથી એ કો જડ વીંટો !
ભૈયા,એક વાર મરી ફીટો ૩

આત્મ રહ્યો અંતર તેને શી હોય માર ને પીટો ?
જોઈ કારમી કુરવાની તમ, લાજે અરિ પણ ધીટો !
ભૈયા,એક વાર મરી ફીટો ૪

સ્વાત્મ, સ્વદેશ, સ્વજન કાજે અહીં કોણ બને નહીં ધીટો ?
ભારતની મહેલાત ઊઠે ત્યાં અદલ બનો સૌ ઈંટો !
ભૈયા,એક વાર મરી ફીટો ૫


  1. તા. ૧૯-૦૮-૩૦.