રાષ્ટ્રિકા/ધર્મને પંથે
Appearance
← ઘંટા | રાષ્ટ્રિકા ધર્મને પંથે અરદેશર ખબરદાર |
એક વાર મરી ફીટો → |
ધર્મને પંથે
• રાગ ભૈરવી - તાલ દાદરો •
તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી !
એ શું જોઈ રહ્યો આ વાર ? ઊઠે કેમ ન ત્રાસી ?
તાતી કઢા આ ઊકળી રહી ત્યાં
પડતા પ્રાણ અમોલ :
સ્નેહ ને દ્વેષ, ને હિંસા અહિંસાનાં
આજ તોલાતાં તોલ :
તારું અંતર ત્રાજવું આજ તું જરી જોની તપાસી !
તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી ! ૧
પુણ્યના પંથની પગથી પડી છે
કષ્ટ થકી ભરપૂર :
તારે તે સ્વર્ગઅટારીએ ચડવું કે
પડવું સદા ખોઈ નૂર ?
તારે ખોઈ શું જીવન પ્રાણ, જોવી સ્વદેશની હાંસી ?
તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી ! ૨
તાતી કઢા ઊકળે કે ઢળે, પણ
તારે તો એક જ ચંત :
સત્યના સાહેબો રાખીને સાથે
ચાલ્યો જા ધર્મને પંથ !
ક્યાંથી સ્વાર્પણ વિણ ઉદ્ધાર ? ક્યાં મળે મક્કા ને કાશી ?
તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી ! ૩