રાષ્ટ્રિકા/ગુણગરવી ગુજરાત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હો મારી ગુજરાત રાષ્ટ્રિકા
ગુણગરવી ગુજરાત
અરદેશર ખબરદાર
રળિયામણી ગુજરાત →ગુણગરવી ગુજરાત


• ઉલ્લાસિકા છંદ.*[૧]


કેમ તને હું ભૂલું ?
તારું સ્મરણ સદા અણમૂલું :
તારી ગુણગરવી વાતો કરતાં હું પળપળ અંતર ફૂલું .
દુનિયા શોરબકોર મચાવે, ભરતી ઓટ વહે દિનરાત,
ધરણી ભેખ તિમિરનો ધારે, સ્વપને પલકે તો ય પ્રભાત ;
તારી આંખો તારા જેવી જ્યાં ત્યાં નિરખી રહું રળિયાત :
હો મુજ ગુણગરવી ગુજ્રાત !


ધીર, બહાદૂર, ડાહી :
તુજને જીવનભર મેં ચાહી ;
તારાં ગીત બધે ગાઈ ગવડાવી રંગ ભર્યો જગમાંહીં .
જંગલ જંગલ ફોડી ઘૂમતા તારા પુત્રો મંગલવેશ,
સાગર સાગર પર રહે ઊછળી તારાં સાહસ શૌર્ય હમેશ ;
ખંડે ખંડ પ્રચંડ ખડકશા તુજ યશબોલ વદે સંદેશ :
હો મુજ ગુણગરવી ગુજ્રાત !પુર વન તુજ રઢિયાળાં,
તારાં સરવર નદ ને નાળાં,
લીલાલહેરે નિત્યવસંતભર્યાં તુજ ખેતર સૌ હરિયાળાં .
કુંજે કુંજ રહે તુજ ઝૂલી પુણ્યપ્રભાવ સમી ચોમેર ,
ગિરિગહવરમાં તારા કેસરિયા ભડ ઘૂમતા ગર્જનભેર ;
તારા યશમંદિરનો નભટોચે શો પૂગે ઘુમ્મટઘેર !
હો મુજ ગુણગરવી ગુજ્રાત !


શો મહિમા જ્યવંતો !
તારા ધર્મધુરંધર સંતો ;
તારા અમર સમરવીરો સુભટો ને રણશૂરા સામંતો .
તારાં કોયલ પોપટ મેના વન ઉપવનના ખોલે પ્રાણ ,
તારા કવિગણની મધુરી રસઝરતી કાળયશત્વી વાણ ;
તારે આંગણ સાગર ગરજે, તારે દ્વારે જગકલ્યાણ :
હો મુજ ગુણગરવી ગુજ્રાત !


કોણ કરે તુજ જેવું ?
અમને ભવભવનું તુજ દેવું ;
તારો પાડ નહીં પૂરાય કદી જીવન લાખે પણ એવું .
તારા વ્યોમવિશાળ હ્યદયમાં સર્વ સમાયાં તારે સ્નેહ ,
ભૂખ્યાં દુખિયાં દેશતજ્યાં બાળક સૌ પોષયાં તુજ દેહ ;
તારે મુખ શાં પુણ્ય પ્રકાશે, તારી આંખે અમ્રુતમેહ !
હો મુજ ગુણગરવી ગુજ્રાત !લાખેણી મુઅજ ભૂમિ !
તુજથી દૂર રહ્યો હું ઘૂમી :
જેવો તેવો ગુણહીણો હું તારા ચરણ રહું આ ચૂમી !
ઉરથડકે થડકે હું પૂજું, તુજને ચાહું શ્વાસેશ્વાસ,
મારો કુંભ ભરું કે ઠલવું : સૌ તુજ કાજે પ્રેમપ્રયાસ ;-
તું મુજ હ્રદહુલાવણ પ્રુથ્વી, હું તુજ ચંદ્ર ભમું ચોપાસ !
હો મુજ ગુણગરવી ગુજરાત !


કેમ તને શણગારું ?
તારી કીર્તિ બધે વિસ્તારું ;
મારાં સ્વપ્ન અકથ સ્વર્ગોથી ચૂંટી તુજ નયને નિર્ધારું !
પડ પડ જ્યમ આભે ઊઘડતાં દીપે રજનીની મહોલાત ,
નવનવ નૂરથકી ત્યમ ભરશે યુગયુગ તુજ સંતાન સુજાત ;
હું તે રંક તને શું આપું ? મારું જીવન છે તુજ, માત !
હો મુજ ગુણગરવી ગુજરાત !


  1. *આ છંદ નવો રચ્યો છે. ૧ લી પંક્તિ બાર માત્રાની, ૨ જી સોળ માત્રાની, ૩ જી બત્રીશ માત્રાની, ૪-૫-૬ ઠી એકત્રીશ માત્રાની તથા ૭ મી પંદર માત્રાની છે. ૧-૩-૫-૭ એમ એકી માત્રાએ તાલ છે. પણ ૨-૩-૪-૫-૬-૭ લીટીમાં પહેલી ચાર માત્રા પછી મહાતાલ આવે છે તે દર ૮-૮ માત્રાએ એટલે ૫-૧૩-૨૧-૨૯ માત્રાએ છે. એથી એનો લય સવૈયા એકત્રીશા-બત્રીશાથી જુદો પડે છે.