લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/રળિયામણી ગુજરાત

વિકિસ્રોતમાંથી
← રાષ્ટ્રિકા : ગુણગરવી ગુજરાત
રાસચંદ્રિકા : ગુણવંતી ગુજરાત
રાષ્ટ્રિકા / રાસચંદ્રિકા
રળિયામણી ગુજરાત
અરદેશર ખબરદાર
રાષ્ટ્રિકા : ગરવી ગુજરાત
રાસચંદ્રિકા : ગુણીયલ હો ગુજરાત! →


​

રળિયામણી ગુજરાત


• ઢાળ : પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે •

સુરકન્યા જેવી મારી ગુજરાત સોહામણી રે ,
⁠ઢળકે અઢળક એની લક્ષ્મીના અંબાર :
⁠આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

કોકિલકંઠી કુંજે ઝૂલે એ કોડામણી રે :
⁠નીલમનીલી એની ઝાલરના ઝબકાર :
⁠આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

⁠હરિયાળી મનને હરે, વનવન ખોલે પ્રાણ :
⁠ફૂલફૂલના ઉલ્લાસમાં લળકે જગકલ્યાણ :

વીંટે લોલવિલોલ લતા તરુને લોભામણી રે ,
⁠એવી વીંટી ર્‌હે ભારતઉર એ નિરધાર :
⁠આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

​


⁠સાગર ગરજે આંગણે, રસસરિતા ઉભરાય :
⁠ગિરિગહ્‌વર સરવર ભર્યાં, ઉરઔદાર્ય સુહાય :

રુપાળી રઢિયાળી કાલી હ્રદયહુલામણી રે,
⁠ધીરી વીરી સંયમી ડહાપણનો ભંડાર :
⁠આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

⁠સ્નેહ, શૌર્ય ને ભક્તિના યુગયુગ ઉચરે મંત્ર :
⁠ધર્મધરા સંતોતણી, કર્મધરા ય સ્વતંત્ર :

આવો, ઝીલિયે એની વિશ્વવિશાળ વધામણી રે ,
⁠એને ચરણે સો સો સફળ અદલ અવતાર :
⁠આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !