રાષ્ટ્રિકા/ટ્રાન્સવાલમાં ત્રાસ અને ગુર્જરવીરત્વ
← પુરોહિતની રાજભક્તિ | રાષ્ટ્રિકા ટ્રાન્સવાલમાં ત્રાસ અને ગુર્જરવીરત્વ અરદેશર ખબરદાર |
હિંદના દાદાનું સ્વદેશાગમન → |
ટ્રાન્સવાલમાં ત્રાસ અને ગુર્જરવીરત્વ
• મિશ્ર હરિગીત •
૧
દેવી ! ધસો અમ સંગમાં !
ભરી દો અનલ અમ અંગમાં !
જગ ડોલશે,
ચખ ચોળશે
અમ જીવનના રણરંગમાં.
દેવી ! ધરો રણતૂર શૂર સ્વહસ્ત હા !
જગવો, ગજાવો સૂર પૂરણ મસ્ત હા !
ભડગર્જના ત્રાડી ગગનપડ ફોડતી ઊંડી વહેઃ
હો દેવી ! ફૂંકો સદ્ય ! અમ અંતર અનલ ભડભડ દહે !
૨
શું આભ આ તૂટી પડે ?
ઓ સિંધુ શું ઉલટી પડે ?
દુખઝાળમાં
આ કાળમાં
શુ તેજ અમ ખૂટી પડે ? -
શું ના અમે ગુજરાતનાં સંતાન કે ?
શું ના અમારી માતનું અભિમાન કે ?
હિંદુ, મુસલમિન, પારસી : કો કહે વિવિધ અમ જાતિઓ ?
એકાત્મ સહુ ઊભા અડગ : શું ના અમે ગુજરાતીઓ ?
૩
કંઇ દેશદેશ ઘૂમ્યા અમે,
ક્યાં રવિ ઊગે, ક્યાં આથમે :
જંગલ બધાં
મંગલ કીધાં
અમ ધીરપાદ પરાક્રમે !
ન ગણ્યાં અમે પહાડો, વનો , મહાસાગરો :
ન ગણ્યાં અમે કંઇ વનચરો કે જળચરો :
રે કંઇ હજારો વર્ષથી હર્ષે મચ્યા પરદેશમાં,
તે માતૃદૂધ ધિકરાવવા શું જીવિયે આ વેશમાં ?
૪
ઓ રણશૂરી ગુજરાતણો !
પ્રતિભાપૂરી ગુજરાતણો !
(શું એ જ કે
ઘરને ચકે
રીબતી ઝૂરી ગુજરાતણો ? ) -
પડખે અમારે રહી સહે સહુ વેદના,
રણ્દેવીશું ફૂંકે ઉરે અમ ચેતના;
ગૌરવ-પ્રભા-મહિમાવતી ! વીરત્વ તમ ઝળકાવજો !
તમ કૂખપાક્યાં મોતીડાં અમ દેશને દીપાવજો !
૫
હે બ્રિટન યક્ષરક્ષકો !
સ્વતંત્ર્યના ઉરભક્ષકો
વિષ વિષ ભીડે
અમને પીડે
આ ટ્રાન્સવાલી તક્ષકો !
ભડ યુદ્ધમાં ગાજી ઊભા સાથે અમે:
ક્યમ દૂર જઇ દ્દગ ફેરવો આજે તમે ?
તમ કિરણતંતુ ગ્રહી ઊભા સામ્રાજ્યની છાયા તળે,
ત્યાં એક તસુ ભૂમિ યે અમોને ના મળે, શું ના મળે ?
૬
ઊકળે અમારાં અંતરો,
આંખે વહે અગ્નિઝરોઃ
હઠિયે નહીં,
લટિયે નહીં,
આ આફતે ભડ સિંહનરો ! -
શું અમે કાળા હિંદીઓ કહેવાઇએ ?
તમ હૃદય કાળાં ચીતરી ક્યમ ગાઇએ ?
અમ આત્મકુંદન અગ્નિ આ બળતાં પ્રતાપ ઝગાવશે,
હે બોઅરો ! તમ ઘોર આ ઉરભૂમિને જ ધગાવશે !
૭
વીરા ! મચી શી હોળી આ !
શા સુભટરંગો ચોળી આ
ઉર શક્તિની
વ્રત ભક્તિની
અમ પ્રાણને ધૂળ રોળી આ !-
વીરા ! અમારા રંગમાં વપુ બોળજો !
વીરા ! અમારા ફાગની ધૂળ ચોળજો !
ઘેરા ગગનને ફોડતી, પાતાળનાં પડ તોડતી,
આવો પ્રમત્ત ગજાવિયે રણહોરી જગ ઝંઝોડતી !
૮
ઉછળો ગગન મહાસાગરો !
વંટોળિયા નભને ભરો !
પહાડો પડો !
જ્વાલા ઉડો !
અંધાર અવની આવરો !
ગુજરાતના શૂરા અમે ગુજરાતીઓ !
થઇએ શું ભારતદેવીના યશઘાતીઓ ?
અમ ગેહ દઇએ, દેહ દઇએ, ચેહ બળિયે તાતી ઓ !
અમ ટેક ના તજિયે કદી ! - રે આ અમે ગુજરાતીઓ !