લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/પુરોહિતની રાજભક્તિ

વિકિસ્રોતમાંથી
← વીરબાળક બાદલ રાષ્ટ્રિકા
પુરોહિતની રાજભક્તિ
અરદેશર ખબરદાર
ટ્રાન્સવાલમાં ત્રાસ અને ગુર્જરવીરત્વ →



પુરોહિતની રાજભક્તિ


અનુષ્ટુપ્

"રાજપૂત્ર હું છું ત્યાં શો યુદ્ધનો ભય રાખવો;
ભ્રાતા ! અસ્ત્ર ચલાવીને રણપાંડિત્ય દાખવો !" ૧


(વસંતોપેંદ્ર)

પ્રતાપ ને શુક્ત સુસંપ ધારે,
રાણા ઉદેસિંહ તણા સુત બેઉ શૂરાઃ
દુર્યોગ એક દિન તે પ્રિય વીર પૂરા
ચઢ્યા વિવાદે મૃગયાવિહારે. ૨


(મંદાક્રાંતા)

તાપે ઊંડું વન બહુ તપે, અગ્નિજ્વાલા છવાતી,
અશ્વો સર્વે ફિણફિણ થતા ત્યાં સહે ભૂમિ તાતી;
આઘે પક્ષી સભય ઊડતાં ઊંડી છાંયે ભરાય,
બે સ્‍હેજે ત્યાં ઉભય કુંવરો વાદમાં કૈં તણાય. ૩

પ્રસ્તાવ ત્યાં પ્રતાપે તો દ્વંદ્વયુદ્ધતણો કીધો :
શુક્તે તે શૂર શબ્દોથી ઉત્તર ભ્રાતને દીધો. ૪

દ્વંદ્વયુદ્ધે પડે બન્ને, શસ્ત્ર સૌ ચમકી રહે;
વીરહાકે ધરા ધ્રૂજે, સાથીઓ નિરખી રહે. ૫


(શાલિનીમંદા)

દેહે દેહે ઝેર વ્યાપી ગયું છે,
રોમે રોમે શૌર્ય ઘૂમી રહ્યું છે,
ભ્રાતા ભ્રાતા સ્નેહસંબંધ ભૂલેઃ
શસ્ત્રે શસ્ત્રો, નભ ચમકતાં, આથડી હસ્ત ઝૂલે ! ૬


(મંદાધરા)

કૂદી કૂદી ઊછળી ઊછળી, સિંહશું રંગ રાખે,
રાતા તાત ઉભય કુંવરો યુદ્ધનૈપુણ્ય દાખે;
ઊભા ઊભા અવર જન સૌ ધ્રૂજતા મીટ માંડે;
વૃક્ષો ધ્રૂજે ઊભેલાં, અનિલ ઘુઘવતો ઘોર ત્યાં ઘોષ પાડે ૭

ઊંચા વ્યોમે નહિ નહિ કદી યુદ્ધ કો જોયું એવું,
ઘેરું ઘેરું નહિ જ અનિલે ગીત કો ગાયું તેવું;
પાષાણોમાં, વન વન વિષે, ઘોષ એવા ન ઘૂમ્યા,
આજે મેવાડના શા ઉભય વીર લડે, અંધ ક્રોધે ઝઝૂમ્યા ! ૮


મેવાડ રત્ન શું ખોશે, સ્નેહના મંત્ર શેં સર્યા ?
સૂર્યને ચંદ્રના જેવા રાજપૂત્રો પ્રભાભર્યા ! ૯
ક્રોધ છે સ્નેહનો વૈરી, અગ્નિમાં બધું બાળતો :
નરકસાથી એ ક્રોધ પ્રજળે ને પ્રજાળતો. ૧૦


(દ્રુતવિલંબીત)

નથી નથી હઠતા કુંવરો જરા,
ઉભય યુદ્ધકલાવિષયે પૂરા;
કુલપુરોહિત આવી જુએ તહીં,
સકળ નાશ થતું દિસતું જહીં. ૧૧

સ્થિતિ વિચિત્ર જણાય વિલોકતાં,
યુગલ તે અટકે નહિ રોકતાં;
ઉભયને અતિ આકુલ આર્જવે
શમન કાજ પુરોહિત વિનવે. ૧૨

સફળ યત્ન જરાય જણાય ના,
વિકૃત બુદ્ધિથી કાંઇ સુણાય ના :
કુલપુરોહિત દીન વિમાસતો,
હૃદય ના સમજે વિધિપાશ તો. ૧૩


ઉભય બંધુવિષેથકી આ સમે
જીવન નિશ્ચય એકનું આથમે;
ઉભય વા કદિ નાશ જ પામશેઃ
અરર ! આ ભૂમિનું પછી શું થશે ? ૧૪


તપતું ત્યાં મહાતાપે દિસે છે વન આ વધુઃ
લાગે છે ઘૂમતું હૈયું, વન ને વિશ્વ તો બધું ! ૧૫


(મંદાધારા)

રાતા તાત ઉભય કુંવરો યુદ્ધથી નાજ ખાંચે,
ઊભા ઊભા અવર જન સૌ ધ્રૂજતા શાંતિ જાચેઃ
એવે આવી યુગલ વચમાં તે પુરોહિત ઊભે,
ભોંકીને તે કટારી ઝટ નિજ ઉરમાં ત્યાં પડી રક્ત ડૂબે ! ૧૬


લડતા કુંવરો મધ્યે વિપ્રનો દેહ તર્ફડેઃ
ભૂલીને યુદ્ધ પોતાનું શુશ્રૂષા કરવા પડે ! ૧૭

પ્રાણશૂન્ય પડ્યો દેહ વિપ્રનો પળમાં તહીં :
શુશ્રૂષા ત્યાં કરે કોની ? અરેરે ! સમજ્યા નહીં ! ૧૮


રે કેવી આ ઉર જગવતી ભૈરવી રાજભક્તિ !
આહા કેવી પ્રબળ સ્ફુરતી એ મહા પ્રાણશક્તિ !
કેવો ઊંડો, અડગ, વિરલો, ભવ્ય આ દેશપ્રેમ !
એ આત્મા, એ ગહન પ્રતિમા, લેશ ભૂલાય કેમ ? ૧૯

છે મેવાડે રુધિર વિરલું ભૂમિમાં વીરકેરું,
પાષાણોમાં, કુહર કુહરે, ઊછળે તે અનેરું :
રાજસ્નેહે રુધિર નિજ દૈ, હા પુરોહિત સૂએ !
ઊંડા તેના હૃદયપડ્યા ત્યાં ઘૂમે છે હજૂયે ! ૨૦


શોકાશ્ચર્યે ઊભા બન્ને વીર શુક્ત પ્રતાપ ત્યાં :
ઢળતા ભાનુના રશ્મિ ભૂલાવે ઉરતાપ ત્યાં. ૨૧
થતાં પ્રતાપની સંજ્ઞા, શુક્ત તે ભૂમિ ત્યાગતોઃ
પ્રતાપ પ્રાણનિદ્રાથી પ્રતિજ્ઞામય જાગતો. ૨૨


(દ્રુતવિલંબિત)

ગહન શાંતિ વને પ્રસરી રહે,
ગગન રક્ત પ્રભા ક્ષિતિજે ગ્રહે :
ક્વચિત કોઇક અશ્વ ખુંખારતો,
વન અગાધ પ્રતિધ્વનિ ધારતો. ૨૩