રાષ્ટ્રિકા/વીરબાળક બાદલ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← વીરાંગના કર્મદેવી રાષ્ટ્રિકા
વીરબાળક બાદલ
અરદેશર ખબરદાર
પુરોહિતની રાજભક્તિ →
.પુનરાવળી છંદ*.
અલાઉદ્દિન ખિલજી જવ આવ્યો,
ચિતોડને જીતવા દળ લાવ્યો,
વીર્યપ્રતાપ અખંડ બતાવ્યો
એવો કોણ હતો નરવીર ?

કોની આજ કથા તે કરિયે,
કોનાં ગાનથકી ઉર ભરિયે,
કોની પ્રતિમા નજરે ધરિયે,
કોણ હતો એવો રણધીર ?

બાર વસંતની દીઠી પૂરી,
બાદલવીર ! બાદલવીર !
કોમળ જેની કાંતિ મધુરી,
બાદલવીર ! બાદલવીર !

બાર વસંત ન દીઠી પૂરી,
કોમળ જેની કાંતિ મધુરી,
અદ્‍ભૂત તે શી પ્રતિમા શૂરી
રણ શોભાવે બાદલવીર !ચિતોડના બળકનૃપ પક્ષે,
ભીમસિંહ બાંધવસુત રક્ષે,
તેની લલિતા રંભા લક્ષે
યવનેશ્વર મોહી થઇ પૂર; -

અલાઉદ્દિન ઘેરો લઇ આવ્યો,
નહિ નિજ આશ વિષે કંઇ ફાવ્યો;
છળકપટે ભીમસિંહ બંધાવ્યોઃ
રમણી દે તો છૂટે શૂર !

શું રજપૂતાણી યશ ખોશે ?
બાદલવીર ! બાદલવીર !
શું વીર ભ્રષ્ટ કુસુમ એ જોશે ?
બાદલવીર ! બાદલવીર !

શું રજપૂતાણી યશ ખોશે ?
શું વીર ભ્રષ્ટ કુસુમ એ જોશે ? -
ના, ના, શૂર પડ્યા ના રોશે !
હાક પડાવે બાદલવીર !અલાઉદ્દિન ગર્વે નિજ ડૂલે,
એવે કંઇ સુણતાં ઉર ફૂલે,
ચિતોડની પદ્મિની ત્યાં ઝૂલે
દ્વારે નિજ દાસીઓ સાથ :

ડોળીઓ શતસપ્ત પધારી
યવનમુકામ સમીપ ઉતારી,
રમણી સાટે રણવીર ભારી
નીકળ્યા અસિ ફેરવતા હાથ !

ગોરા કાકાશું ત્યાં ઘૂમે,
બાદલવીર ! બાદલવીર !
થઇ રજપૂતસરદાર ઝઝૂમે,
બાદલવીર ! બાદલવીર !

ગોરા કાકાશું ત્યાં ઘૂમે,
થઇ રજપૂતસરદાર ઝઝૂમે,
રિપુદળ ધૂળ પળેપળ ચૂમે :
રણ ધ્રૂજાવે બાદલવીર !હથિયારે વીજળીઓ ચમકે,
રણગગડાટે ધરની ધમકે,
વીર બાળક અશ્વે ત્યાં ઠમકે,
ન ગણે ઘા નિજ સૌમ્ય શરીર !

ગોરો ભૂમિ પડ્યે ના ખાંચ્યો,
ભીમસિંહ મુક્ત કરીને રાચ્યો,
બળવંતા અરિને શિર નાચ્યો:
વિજયી આવ્યો બાદલવીર !

માતાએ ચુંબ્યો લઈ ખોળે,
બાદલવીર ! બાદલવીર !
દુનિયા ચક્ષુ વીરત્વે ચોળે !
બાદલવીર ! બાદલવીર !

માતાએ ચુંબ્યો લઈ ખોળે,
દુનિયા ચક્ષુ વીરત્વે ચોળે !
ભારત ગર્વે હૃદય હિંચોળે:
ફરી ક્યાં લાવે બાદલવીર ?

________________________________________

* આ છંદ નવો રચ્યો છે. એની એક કડીમાં સોળ પંક્તિઓ આવે છે અને આઠ આઠ પંક્તિના બે વિભાગ પડે છે. પહેલા વિભાગમાં ૧-૨-૩-૫-૬-૭ પંક્તિઓ ચરણાકુળ છંદના માપની છે, અને ૧-૨-૩ના તથા ૫-૬-૭ના ત્રણ ત્રણ પ્રાસ મળે છે. ચોથી અને આઠમી પંક્તિ ચોપાઇની છે, અને તે બેના પ્રાસ મળે છે. બીજા વિભાગમાં ૧-૩-૫-૬-૭ ચરણાકુળના માપની છે ૨-૪ પંક્તિમાં ૧૪-૧૪ માત્રા છે, અને ૧-૩-૫-૬-૭-૮-૧૦-૧૨ માત્રાએ તાલ છે, અને સાતમી માત્રા પછી યતિ છે. પણ આ બીજા વિભાગની રચનામાં ખાસ પ્રોત્સાહનને માટે એવી યુક્તિ છે કે પહેલી ને ત્રીજી લીટીઓ પાંચમી અને છઠ્ઠી તરીકે પાછી બેવડાય છે, અને સાતમી નવી લીટી તેમાં ઉમેરાઇને ત્રણ પ્રાસ પૂરા થાય છે, અને આઠમી લીટી ચોપાઇની આવે છે.

-૦-