રાષ્ટ્રિકા/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અર્પણ રાષ્ટ્રિકા
પ્રસ્તાવના
અરદેશર ખબરદાર
ગુણવંતી ગુજરાત →


માનવજાતિને વતન માટેનું વહાલ તેનામાં અનેરા ગુણ પ્રગટાવે છે. વતન માટેનો પ્રેમ એ માત્ર પ્રભુપ્રેમથી જ ઊતરતો છે. પ્રભુપ્રેમની પવિત્રતા અને અગાધતા જેના આત્મામાં જાગી છે તેને વિશ્વબંધુત્વની ભાવના સહેજે આકર્ષે છે. લાખ વર્ષનું માનવજીવન થયા છતાં એ મહાભાવના હજી ભાવના રહી છે, અને માનવી જુદી જુદી જાતિઓના તથા જુદા જુદા દેશના લોકો વચ્ચે પ્રભુપ્રેમનો બંધુદોરો રહેલો છે તે સત્તાનાં, અભિમાનનાં, પોતાની ઉચ્ચત્તાના વિચારનાં, માનભંગનાં કે' જર જમીન ને જોરૂ'નાં કારણોને લીધે થતી અથડામણથી અને યુદ્ધના ઘોર ભાવથી તૂટી જાય છે. એવી વેળાએ તમામ પ્રાણીઓની જૂથભાવનાને લીધે સામસામા દેશોના વતનીઓમાં પોતપોતાના વતનનો ખાસ પ્રેમ ઊભરી નીકળે છે, અને એ વતનના બચાવને માટે તે પ્રાણીની પ્રેરણાથી પરસ્પર લડી લે છે. પ્રકૃતિમાં પણ વખતોવખત તુમુલ ઉત્પાતો જન્મે છે ને અનેક રીતની પાયમાલી કરી જાય છે, પણ આખરે તો પાછી શાંતિ જ જામે છે, ને પછી ઊંડી દ્રષ્ટિથી જોતાં આપણને જણાય છે કે આ પાયમાલી પણ સકારણ હતી, અને એથી કુદરતમાં વિશેષ સ્વચ્છતા અને નવા જીવનનો ઉદ્ભવ થવા પામ્યો હતો. માનવ પણ કુદરતમાં જ સમાઈ જતો હોવાથી તેને પણ એ જ નિયમ લાગુ પડે છે. જગતના ઇતિહાસનું સૂક્ષ્મ અવલોકન કરતાં તો એમજ પરિણમે છે કે યુદ્ધ જ પોરગતિનો સત્ય પાયો છે.

વ્યક્તિપ્રેમ, કુટુંબપ્રેમ, જાતિપ્રેમ, ધર્મપ્રેમમ, અને એમ પ્રેમના વર્તુલોનો પ્રદેશ વિસ્તાર પામતાં વતન પ્રેમ ઉદ્ભવ પામે છે. જે વતનની મટ્ટીમાંથી જન્મ લઇને, જેનાં અન્નપાણીથી પોષણ પામીને, જેની હવા પ્રતિપળ દમમાં ભરીને આપણે જીવીએ છીએ, જેનાં નદીનાળાં, પહાડ, તળાવ, ખેતરો, વૃક્ષો, ફૂલો વગેરેની લીલા આપણી આંખોને ઠારે છે ને હૃદયને અનેરો આનંદ આપે છે, જેના એવા વાતાવરણમાં આપણા બાલ્યકાળના ખેલો


ખેલાયા હતા અને સ્વપ્નાં સેવાયાં હતાં, તે વતન- તે પ્રાણપ્રિય મોંઘા વતનને આપણે કેમ ભૂલી શકીએ કે તેની સેવાની ઘડીએ કેવી રીતે પાછીપાની કરીએ ? ગમે તેવા દૂરના દેશોમાં પણ બે કેવળ અજાણ્યા પણ હમવતનીઓ અચાનક મળી જાય તેવી વેળાએ એ વતનપ્રેમ કેવો ઊભરી નીકળે છે, તે તો જેને અનુભવ મળ્યો હોય તે જ જાણે. વતનના સ્મરણનું એવું મહાઆકર્ષણ છે. એ વતનપ્રેમ માનવજાતિના ઉત્કર્ષમાં ને તેની પ્રગતિમાં મોટો ભાગ ભજવે છે.

અને સામાન્ય વ્યવહારૂ માણસને આ વતનપ્રેમ અદ્ભુત અને શૌર્યાભર્યાં કાર્યો કરવા પ્રેરી શકે, તો કવિ, જે ભાવ અને પ્રેમનો અમીરી ભંડાર છે, તે કેવી રીતે એ વતનપ્રેમના ગાઢ ભાવને દાબી કે અવગણી શકે? જે પોતાના હજારો કે લાખો વતનબંધુઓના અનેક ભાવોને પોતાની કલ્પનામય વાણીના રસમાં બોળીને વ્યાક્ત કરે છે અને એ જનબંધુઓની જ પોતે જાણે જીભ બને છે, તે કવિ શું પોતાના વતનપ્રેમને વાણીમાં અવકાશ આપતાં કોઇની પણ શેહમાં દબાઈ શકશે? જે ટીકાકારો પોતાના અજ્ઞાનથી, દેખાદેખીથી કે કોઇ સ્વાર્થને લીધે એમ કહેવા નીકળે કે ભક્તિની એટલે પ્રભુપ્રેમની અને રાષ્ટ્રપ્રેમની એટલે વતનપ્રેમની કવિતા તો નીચી કોટિની ગણાય, તને કવિતાના વિષયની કશી ખબર જ નથી. કવિ તો ભાવ અને કલ્પનાનો અમીરી માલેક છે, તેને આવાં મિથ્યા વચનો ને અભિપ્રાયોથી કદી કોઇ સંકુચિત વર્તુલમાં બાંધી શકાય નહીં. કવિને ભંગડી પર કે ભીખારણ પર, જોડા પર કે ગોટલા પર, ધૂળ પર કે કાદવ પર સ્ફૂરણા ઊઠે, ભાવ જામે અને તે કવિતા લખે તે કવિતા ગણાય, અને પ્રભુપ્રેમ પર કે વતનપ્રેમ પર તેની કલ્પના જાગે ને ઊંડા ભાવની રેલ રેલાવે, અને તે રેલ તેના બંધુઓના હ્રદયને પણ રસથી ને તીવ્ર ભાવથી ભરી દે, તે ‘કવિતા’ નહીં, અથવા તો નીચી કોટિની કવિતા કહેવાય , એવા અધમ અભિપ્રાયો અને મતમતાંતરો સાહિત્યની આનંદમય વાડીમાં ધૂળ જ ઉડાડે છે. કવિને તો એવા અધમ અભિપ્રાયો કોઇ રીતે નડતા નથી. તેની કૃતિની સાર્થકતા

તો તે કૃતિને તેના રસિકા જનબંધુઓ સ્નેહથી પોતાના હૃદયમાં સ્થાન આપે છે તેમાં જ સ્પષ્ટ થાય છે. નવે રસનો ધણી ને રસિયો કવિ વીર પણ છે. જીવનના કોઈ પણ જાતના યુદ્ધમાં વીર આગળ ધસીને જેવો વિજય મેળવે છે, તેવો જ – બલ્કે તેથી વધુ – વિજય પોતાની કવિતાવાણીના સામર્થ્યથી પોતાના લાખો વતનબંધુઓમાં વીરતાનો ઉદ્રેક જન્માવી પોતાના વતનના વિજય માટે તે સૌને આગળ ધસવા પ્રેરીને કવિ પણ મેળવે છે. અંગ્રેજ કવિ ટેનિસને કહ્યું છે તેમ

The Song that nerves a nation’s heart
Is in itself a deed,

એટલે જે ગીત - જે કવિતા પ્રજાના હૃદયમાં બળ પૂરે છે તે પણ એક પુરુષાર્થ જ છે, વીરકાર્ય છે. જગતની બધી પ્રજાઓમાં પોતપોતાના વતનપ્રેમનાં કાવ્યો અને ગીતો તેમના અમૂલ્ય ધન તરીકે સચવાઈ રહેલાં છે, અને એવાં ગીતો ને કાવ્યો હજી લખાયે જ જાય છે ને તેની સચોટતા પ્રમાણે આવકારાય છે.

વતનપ્રેમને લગતાં શૌર્યનાં, વિજયનાં ગીતો ને કાવ્યો આપણા પ્રાંતમાં આપણા ભાટચારણોની જીભે રમતી જીવતી સરસ્વતીએ વંશપરંપરા સજીવન રાખેલાં છે, ને તે હજી રાજદરબારોમાં ને મેળાવડાઓમાં છટાથી ગવાય છે. પણ દેશપ્રેમને લગતાં અનેક વ્યવસ્થિત ગીતો આપણી કવિતામાં પ્રથમ આપણાં વીર કવિ નર્મદે જ લખ્યાં છે અને તેની પછી ડો. હરિ હર્ષદ ધ્રુવે પણ લખ્યાં છે. આજે તો ઇસુની આ સદીના પ્રારંભથી લખાયેલાં એવાં ગીતોનો ઘણો સારો સંગ્રહ આપણી કવિતામાં મોજૂદ છે.

મારી કવિતારચનાના પ્રારંભકાળથી જ આ રાષ્ટ્રકાવ્યોની પ્રેરણા મને થતી આવી છે, ને વખત જતાં તે સારી પેઠે ફૂલીને ફાલી છે. આ સદીના છેક પ્રારંભના વર્ષ ૧૯૦૧ થી લખાયેલાં ને જાહેરમાં ગવાયેલાં ને પછી લોકપ્રિય થયેલાં અનેક કાવ્યો આ “રાષ્ટ્રિકા”ના સંગ્રહમાં મુકાયેલાં છે.

ઇ.સ. ૧૯૧૪ થી ૧૯૧૮ સુધીમાં લખાયેલાં તે વેળાના મહાયુદ્ધથી પ્રેરાયેલાં એક જ શ્રેણીનાં રાષ્ટ્રકાવ્યો સને ૧૯૧૯માં “ભારતનો ટંકાર”ને નામે પ્રગટ થયાં હતાં, અને તેને આજ સુધી ગુજરાતે સ્નેહથી પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. મારા કાવ્યોના બીજા સંગ્રહોમાં - “વિલાસિકા”, “પ્રકાશિકા” અને “સંદેશિકા”માં તેમજ અન્યત્ર સામાયિકોમાં પ્રસંગે પ્રસંગે મારાં જે રાષ્ટ્રકાવ્યો પ્રગટ થયાં હતાં, તે બધાં એકજ સંગ્રહમાં એકઠા કરીને છપાવવાની સૂચના મને અનેક ઠેકાણેથી થઈ છે, જેથી “ભારતનો ટંકાર”માં અને આ બીજા સંગ્રહમાં મળીને મારાં બધાં રાષ્ટ્રકાવ્યો એકસાથે વાંચવાનાં મળી શકે. એ સૂચનાને માન આપી સને ૧૯૦૧થી આજ સુધીમાં લખાયેલાં મારાં બધાં રાષ્ટ્રકાવ્યો – “ભારતનો ટંકાર” સિવાયનાં – આ નવા સંગ્રહ “રાષ્ટ્રિકા”માં હું પ્રગટ કરૂં છું. ગુજરાતને ચરણે મૂકેલાં આ કાવ્યોમાંથી થોડાંક પણ તેની પ્રીતિ પામી શકશે તો મારો વતનપ્રેમ પ્રફુલ્લ હૃદયે આનંદ જ પામશે.

આ સંગ્રહમાં મારી વીસ વર્ષની ઉંમરથી હમણા સુધી લખાયેલાં લગભગ તમામ કાવ્યો લેવાયેલાં છે. મારી કવિતાવાણીનો વિકાસ ધીમે ધીમે કેવી રીતે થયો તેનો સુમાર પણ આ સંગ્રહ માંથી વાચકને સારી રીતે મળશે. જે જમાનામાં દેશપ્રેમના નામ માત્રથી સરકારી અમલદારો ભડકતા હતા, અને જે પ્રેમને દર્શાવતી ફૂંક માત્રથી અનેરા ભય ઊભા થતાં હતા, તે જમાનામાં આ સંગ્રહમાંનાં આ સદીના પ્રારંભમાં નિર્બળ કાવ્યો હું પ્રગટ પણ કરી શક્યો ન હતો. કેટલાક માનનીય રાજદ્વારી મિત્રોની સલાહથી “વિલાસિકા”ના સંગ્રહમાં છપાયેલાં પણ કેટલાંકને પાછાં કાઢી નાખવા પડ્યાં હતાં ! આજે જમાનો બદલાયો છે, અને દેશપ્રેમ જ્યાં સુધી તે પવિત્ર અને સંયમી હોય ત્યાં સુધી તેને દર્શાવવામાં કશો ગુનાહ નથી, એમ આપણી સરકારે પણ સ્વીકાર્યું છે.

મારાં જુદાં જુદાં પુસ્તકોમાં છપાઈ ગયેલાં કે સામયિકોમાં પ્રગટ થયેલાં આમાંના કાવ્યોમાં મેં નવી “જોડણીકોશ”ની જોડણી ધારણ કરેલી છે, ને તેને અંગે કે અન્ય કારણે મેં કાવ્યોમાં અહીંતહીં સુધારા કીધેલા છે. આ સુધારાને અંતિમના માનીને હવે પછી એમાંનાં કાવ્યો મારી કે મારા પ્રકાશકની રજાથી કોઈ છાપે યા પાઠ્યપુસ્તકમાં લે, તો તે આ નવા સુધારા પ્રમાણે જ પ્રગટ કરે એવી વિનંતિ છે.

ભારતદેશનો પ્રાણ આજે પોતાનું ચેતન અનેક દિશામાં ઠીક ઝળહળાવી રહ્યો છે, ને તેની પ્રગતિ ચોમેર થઈ રહી છે, તેમાં આપણાં વહાલા વતન ગુજરાતે જેવો તેવો હિસ્સો આપ્યો નથી. એ હિસ્સાનો કંઇક ઇતિહાસ આ “રાષ્ટ્રિકા”માંના ગીતોથી સહજ જડી આવશે, અને મારી ગુજરાતનું શિર ભારતમાં ને દુનિયામાં ઊંચું રાખશે. ગુજરાતના કવિનું જીવન ગુજરાતની વૃદ્ધિનાં ગીત ગાતું ગાતું વિરમી જાય એમાં જ તેની ધન્યતા છે. સમષ્ટિના શ્રેયમાં વ્યક્તિનું શ્રેય પણ સમાઈ જાય છે. મારી શ્રદ્ધા છે કે ભારતવર્ષની અનેક પ્રાંતભાષાઓમાં દેશપ્રેમના શૌર્યનાં ગીતોમાં ગુજરાતનાં આ ગીતો પાછળ તો નહીં જ પડે. ગુજરાતનું ધગધગતું હૈયું આ ગીતોમાં સદા ધડકાતું રહો, અને ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું વીર્ય, ગુજરાતનો સંયમ જગતભરમાં પ્રકાશ પામો, એજ મારી અંતિમાં ઇચ્છા અને પ્રાર્થના છે ! તથાસ્તુ !

અરદેશર ફરામજી ખબરદાર ૭૮૮, પારસી કોલોની, દાદર, મુંબઈ. તા ૯ – ૧૨ – ૧૯૪૦