રાષ્ટ્રિકા/માની હાક

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← જ્યોતિ રાષ્ટ્રિકા
માની હાક
અરદેશર ખબરદાર
થંભી જા રે માત ! →
લાવણી


હો મા, હો મા, કોણ તને આ આજે સાદ ન આપે ?
હો મા, ઝબકી વીજ પડી ને આગ જળે છે ઝાંપે !
હો મા ! જો આ આવ્યાં ! ૧

પર્વત તૂટે, સમદર ફૂટે, આભ પડે હો ફાટી !
હો મા ! ચેતન ચગે, હવે આ નથી મરેલી માટી !
હો મા ! જો આ આવ્યાં ! ૨

જુગજુગની જ્યાં ભસ્મ હતી ત્યાં ભભક્યા ભર અંગારા :
હો મા ! તુજ ઉરમાં જો આજે ધગતા કોટિક તારા !
હો મા ! જો આ આવ્યાં ! ૩

નથી મુએલાં મુડદાં પેલાં, મુડદાં એ સહુ ઊઠ્યાં :
હો મા ! એક અભયનાં જાદુ નયન નયનમાં ઘૂંટ્યાં !
હો મા ! જો આ આવ્યાં ! ૪

ખંડેખંડ જુએ આ જોણાં, આવ્યાં અમુલખ ટાણાં :
હો મા ! સેન ચડ્યાં પૂરવનાં, સતનાં વાયાં વહાણાં !
હો મા ! જો આ આવ્યાં ! ૫

સ્નેહતણી સમશેર કરે ને ઢાલ ધરી સંયમની :
હો મા ! એક ફનાદિલને શું ડગવે ફોજ આલમની ?
હો મા ! જો આ આવ્યાં ! ૬

ફરફર તારો ઝંડો ફરક્યો, વાગી ભુંગળ ભેરી :
હો મા ! ભરભર ભરીએ તારી વેદિ સ્વાર્પણકેરી !
હો મા ! જો આ આવ્યાં ![૧]

  1. તા. ૧૮-૧૨-૩૧.
-૦-