લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/રણડંકા

વિકિસ્રોતમાંથી
← રણહાક રાષ્ટ્રિકા
રણડંકા
અરદેશર ખબરદાર
ભારતનું જયગીત →
* લાવણી *





રણડંકા

• લાવણી •

ચલ ચલ, શૂરા રણબંકા હો !

ચલ ચલ, ભૈયા ! આ શા આજે ગણવા નભના તારા ?
કોણ પડી રહે સ્વારથ‌અંધો, હજી આ સુણી પુકારા ?
ચલ ચલ, વાગ્યા રણડંકા હો !—

મર્દ ઊઠ્યા, મેદાન પડ્યા, છે દર્દ દિલે રણકેરું :
માતૃભૂમિને માટે દાખે દૈવત આજ અનેરું !
ચલ ચલ, વાગ્યા રણડંકા હો !

બાળ તજ્યાં, ઘરબાર તજ્યાં, તજી રૂઢિ રૂડી-પાંખડી :
વીર મર્દ પડખે રહી ઘૂમે વીરાંગના રણચંડી !
ચલ ચલ, વાગ્યા રણડંકા હો !

શિવનું આજ ત્રિલોચન ઊઘડ્યું, ભોગ અનેરા માગે :
આજ નથી કો ભીરુ અહીં કે ભય પામીને ભાગે !
ચલ ચલ, વાગ્યા રણડંકા હો !


હો વીરા ! છે આંખ ચડી આ ભારતની ઉરજ્વાળા :
કેમ પડી રહેવાય નિરાંતે ? - ઊકળે આત્મ ઉકાળા !
ચલ ચલ, વાગ્યા રણડંકા હો !

ભૂતતણાં સ્વપ્નાં સૌ મોંઘાં, ભાવિતણાં પણ મીઠાં :
પણ આ આજતણાં કર્ત્તવ્યો કેમ કરે અણદીઠાં ?
ચલ ચલ, વાગ્યા રણડંકા હો !

શસ્ત્ર અસ્ત્રમાં સત્ય અહિંસા, શૌર્ય પરમ સંયમમાં :
યુદ્ધ અનાયુધ આ ઊપડ્યું ત્યાં ભર ચૈતન્ય કદમમાં !
ચલ ચલ, વાગ્યા રણડંકા હો !

ભારત છે ભારતજન માટે : ભૈયા ! ક્યમ કો ભૂલે ?
ચલ ચલ, વેળા વીતી જશે તો અદલ વિજય વિણ ડૂલે !
ચલ ચલ, વાગ્યા રણડંકા હો !
ચલ ચલ, શૂરા રણબંકા હો !