રાષ્ટ્રિકા/રણહાક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ભારતયજ્ઞની જ્વાળા રાષ્ટ્રિકા
રણહાક
અરદેશર ખબરદાર
રણડંકા →
* ગીત[૧] *


તનમનધન તમ અર્પણ કરવા ગુર્જરજન સહુ ચાલો ! --

થનગનતા આંગણ હણહણતા હય મારે ખૂંખારા :
ભય હણતી રણહાક પડે ને માત કરે હોંકારા :
દિશદિશ ડગમગ ડોલે,
ભાવિ અનેરું ખોલે ;
અવસર વર કર ઝાલો,
અણગણ તારકગણ સમ ગરવા ગુર્જરરત્ન સહુ ચાલો !
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી ! ૧

ગગન થકી અંગાર ઝરે ને અગન અગન દિલ બળતી,
પરમ વીરના પ્રાણતણી ત્યાં જ્યોતિ અધિક ઝળહળતી :
ભર રણને અજવાળે,
અરિજન સર્વ પ્રજાળે ;
જીવથકી જશ વહાલો--
નરતનનું ઉરધન ઉદ્ધરવા ગુર્જરજન સહુ ચાલો !--જ્યો જી ! ૨

અમર પિતરનાં સાહસ સ્મરતા સમર ગજાવે શૂરા ;
હિંદુ, પારસી, ખ્રિસ્તી, મુસલમિન, પ્રૌઢ પ્રતાપી પૂરા :
આપણ સહુ ગુજરાતી,
ગજગજ ખીલે છાતી,
મારો આભ ઉછાળો :
ગર્જનથી ઘન સમ રણ ભરવા ગુર્જરજન સહુ ચાલો !--જ્યો જી ! ૩

તગતગતી અસિધારે હો કે ધગધગતા અંગારા,
આજ વતનની લાજ જતનથી રાખે રાખણહારા :
નહિ તો અહીં શું રહેશે ?
રે પ્રભુ તો શું કહેશે ?--
નહિ, નહિ;-ભય શો ઠાલો ?
રણરણ તમ જયધ્વજ ફરફરવા ગુર્જરજન સહુ ચાલો !--જ્યો જી ! ૪

મૃત તનનું અમૃત શૂરાતન કોણ રગેરગ ભરશે ?
કોણ વિજયની કીર્તિ સાથે અદલબદલ શિર કરશે ?
જો ભારત જીવે તો
કોણ મરે શિર દેતો ?
ધન્ય બની જગ મહાલો;
તનમનધન તમ અર્પણ કરવા ગુર્જરજન સહુ ચાલો !--
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી !

નોંધ

  1. કવિવર રવીંન્દ્રનાથ ઠાકુરના "જનગણમન અધિનાયક જય હે ભારતભાગ્ય વિધાતા" એ રાષ્ટ્રગીતની ચાલ.
-૦-