રાષ્ટ્રિકા/સ્વપ્ન
← ભારતના જવાંમર્દનેને | રાષ્ટ્રિકા સ્વપ્ન અરદેશર ખબરદાર |
ખાંડાની ધારે → |
સ્વપ્ન
• રાગ-ભૈરવી-તાલ લાવણી •
તારું સ્વપ્ન ન કો દે ભૂંસી રે, હો રણરઢિયાળા !
ભલે તેગ રુધિર લે ચૂસી રે, હો રણરઢિયાળા !
આભથકી તુજ કાજ ઊતરતા
જુગજુગના સંદેશ ;
ઘોર વહે અંધાર ભલે, પણ
પડે ન ઝાંખા લેશ :
જોની ઝગમગતા એ તારા રે, હો રણરઢિયાળા !
એના પંથ સદા અંધારા રે, હો રણરઢિયાળા !-- તારું. ૧
દિનભર શોરબકોર મચાવે,
જગત બને પ્રતિકૂળ ;
નહિ તુજ અંતરાઆંખ બિડાવે,
આભ ભરી દે ધૂળ :
તારી જ્યોતિ ન કો હોલાવે રે, હો રણરઢિયાળા !
ભલે વાવાદળ ડોલાવે રે, હો રણરઢિયાળા !-- તારું. ૨
વ્યોમ ઊડતાં પડે વિમાનો,
ડૂબે તરતાં જહાજ :
કઈ બંદુક તારાને વીંધે ?
નભ બાંધે કઈ પાજ ?
તારું આત્મબળ લે સાધી રે, હો રણરઢિયાળા !
એ જ શક્તિ અલૌકિક લાધી રે, હો રણરઢિયાળા !-- તારું. ૩
આભ ન રોધે, પૃથ્વી ન રોધે,
રોધે કો ન દિગંત ;
અણગણ તારક ભરે નિરંતર
અંતર તારું અનંત !
ચિરધર્મે શો અંદેશો રે ? હો રણરઢિયાળા !
તારો એ જ અભય સંદેશો રે ? હો રણરઢિયાળા !-- તારું. ૪