લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/ખાંડાની ધારે

વિકિસ્રોતમાંથી
← સ્વપ્ન રાષ્ટ્રિકા
ખાંડાની ધારે
અરદેશર ખબરદાર
ગુર્જર વીરાંગના →





ખાંડાની ધારે


• પુનરાવળી છંદ*[]


ભર આકાશે વાદળ છાયાં,
અંધારે વનવન ગૂંચવાયાં,
ઘૂડ ચીબડિયાં જ્યાં ત્યાં ધાયાં :
કોણ પૂરે પાંચાલી-ચીર ?
આશ-નિરાશે આતમદાંડી
ડોલંતી દે ધૈર્ય ન છાંડી,
ડગમગતું જગ રહે દૃગ માંડી :
વહારે કોણ જશે નરવીર ?

ઊંડાં અજવાળાં જો આવે ;
ગુર્જરવીર ! ગુર્જરવીર !
ઘૂડ ચીબડિયાં શું ત્યાં ફાવે ?
ગુર્જરવીર ! ગુર્જરવીર !

ઊંડાં અજવાળાં જો આવે ;
ઘૂડ ચીબડિયાં શું ત્યાં ફાવે ?
નવરસભર નવજીવન લાવે,
ચીર પુરાવે ગુર્જરવીર !



ખૂણે ખૂણે ખોજ કરીને,
ઉર ઉત્સાહ ઉમંગ ભરીને,
મરતા પ્રાણે આશ ધરીને
કોણે ઊંચાં કીધાં શીર ?
મસ્તતણી તોડી મસ્તાની,
તનધનની કીધી કુરબાની :
નમ્ર, અભય, સ્વાધીન, સ્વમાની,
સત્ય જ એ ગુર્જર નરવીર !

શું ખાલી ગરજીને સૂતા ?
ગુર્જરવીર ! ગુર્જરવીર !
શું મેઘે જળધોધ ન હૂતા ?
ગુર્જરવીર ! ગુર્જરવીર !
શું ખાલી ગરજીને સૂતા ?
શું મેઘે જળધોધ ન હૂતા ?
શું ભય ભાળી ઉર ભીરુતા
કદી જણાવે ગુર્જરવીર ?


પગલે પગલે કંટક ભાગ્યા,
ચરણ રુધિર ઝરતા ભર લાગ્યા,
પથરે પથરે પ્રાણ જ જાગ્યા,
પદસ્પર્શે તૂટી જંજીર :
હૈયાંનાં પિંજર સળગાવ્યાં,
ભૂતતણાં ભરણાં છોડાવ્યાં,
દ્વાર નવાં દસદિશ ઉઘડાવ્યાં,
વંદન હો તેને નરવીર !

શું એકલડા આજ પડ્યા છે ?
ગુર્જરવીર ! ગુર્જરવીર !
એકલડા પણ શૂર ઘડ્યા છે ;
ગુર્જરવીર ! ગુર્જરવીર !
શું એકલડા આજ પડ્યા છે ?
એકલડા પણ શૂર ઘડ્યા છે ;
ખાંડાની ધારે જ ચડ્યા છે,
બિરદ બતાવે ગુર્જરવીર !



હો વીરા ! સારથિ શું કરશે ?
ધર્મમર્મ ગીતા ઉચ્ચરશે :
અર્જુન રણ ટંકારે ભરશે
તો જ વિજય પામે રણધીર :

છિન્નભિન્ન અરિદળબળ પળશે,
જુગજુગનાં અંધારાં ટળશે,
સત્ય ધજા ઊડતી ઝળહળશે,
સ્નેહે જગ છાશે નરવીર !

એ નવજીવન જીવવા આવો,
ગુર્જરવીર ! ગુર્જરવીર !
એ નવચેતન આત્મ જગાવો,
ગુર્જરવીર ! ગુર્જરવીર !
એ નવજીવન જીવવા આવો,
એ નવચેતન આત્મ જગાવો,
ગુર્જર શૌર્ય જગે અંકાવો
જય જય હાવે, ગુર્જરવીર !


  1. *આ છંદ નવો રચ્યો છે. એની રચનાવિધિ માટે પાછળ વીરબાળક બાદલ કાવ્યની નીચેની નોંધ વાંચવી.