રાષ્ટ્રિકા/ગુર્જર વીરાંગના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ખાંડાની ધારે રાષ્ટ્રિકા
ગુર્જર વીરાંગના
અરદેશર ખબરદાર
ઘંટા →
ઢાળ: શ્યામ રંગ સમીપે ન જાવું


કાયરાની નાર શું ગણાઉં ?
ઊઠો, સ્વામી મારા !
કાયરાની નાર શું ગણાઉં ?

સારી ગુજરાત આજ ખળભળી છે ઊઠી,
હું જ બેસી હાલેરાં શું ગાઉં ?
ઊઠો, સ્વામી મારા ! ૧

શેરી કેરી નાર બધી ટૂંપી ટૂંપી ખાશે,
ફટ રે અલી ! માટી તારો મ્યાઉં !
ઊઠો, સ્વામી મારા ! ૨

ગડગડ્યાં નિશાન, વાગે શૂર રણતૂર આ,
હાક બધે સુણી અકળાઉં :
ઊઠો, સ્વામી મારા ! ૩

કેસરીની નાર હું કે ઠેસ ખાતી લોંકડી,
વેશ આવો દેખી લજવાઉં :
ઊઠો, સ્વામી મારા ! ૪

હોય વીરશોણિત તે ઊનું ઊનું ઊછળે,
હું તે શું આ હિમમાં થિજાઉં ?
ઊઠો, સ્વામી મારા ! ૫

પાઘ બાંધું કેસરી ને કમર બાંધું કસકસી ;
ધસમસી ઝુકાવો, હું હુલાઉં !
ઊઠો, સ્વામી મારા ! ૬

અંગના ભલે હું તોય વીરની વીરાંગના,
વીરના જ વહાલમાં ગૂથાઉં :
ઊઠો, સ્વામી મારા ! ૭

વીરની ઘડી ખરી, ન કાયરાની જીંદગી ;
વધો, સ્વામી ! જયગીતો હું ગાઉં !
ઊઠો, સ્વામી મારા ! ૮

-૦-