લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/સ્વાત્મનિંદા

વિકિસ્રોતમાંથી
← રાષ્ટ્રિકા/આધુનિક ભારત (ઇ. સ. ૧૯૦૧) રાષ્ટ્રિકા
સ્વાત્મનિંદા
અરદેશર ખબરદાર
રાષ્ટ્રિકા/ઓ હિંદ →





સ્વાત્મનિંદા[]


• રેખતા •


અમો રણબાયલા પૂરા !
અમોને ના ગણો શૂરા !
અમારી હિન્દ આ પીડે,
રહ્યું શૂરત્વ અમ મીંડે ! ૧

અમે નથી કાઈ રણરંગી,
અમોને ના ગણો જંગી !
અમારી આ દશા બૂરી
અમે પોતે કીધી પૂરી ! ૨

અમે પૂરા થયા બાવા !
અમારા રંગ તો આ’વા !
અમારી ક્યાં રહી ભૂમિ ?
દશા આ પ્રેમથી ચૂમી ! ૩


અમે આ તો ધર્યા ભગવાં !
હવે દિલ તો ન ડગડગવાં !
અમારી બુદ્ધિ તો બુઠ્ઠી,
હવે વૈરાગ્યમાં ઊઠી ! ૪

અમે તો કર્મના છઇયે !
કપાળે હાથ નિત દઇયે !
અમારી આંખ તો મીંચી
વૃથા કૈં હાય દે નીચી ! ૫

અમે પોકારિયે ક્યાં રે ?
અમે હોકારિયે કયાં રે !
અમારી જીભ બહુ ટૂંકી !
અમારો શ્વાસ રહે ફૂંકી ! ૬

અમે તો ભાગ્યના વંકા !
પડે તો ક્યાં વિજયડંકા ?
અમારી હિન્દ આ રડતી;
અદલ બુટ્ટી નહી જડતી ! ૭


  1. ઇ. સ. ૧૯૦૨.