રાષ્ટ્રિકા/સ્વાધીનતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દમણગંગા રાષ્ટ્રિકા
સ્વાધીનતા
અરદેશર ખબરદાર
ભારતના જવાંમર્દને →

સ્વાધીનતા[૧] *


• રણગીત છંદ •

સ્વાધીનતાની હો દેવી !
હો માનવની મહદાશ !
છે ધન્ય બન્યો જેણે દીઠો
તુજ ભવ્ય ઉદાર પ્રકાશ !
બંધન પડતાં નંદન ખોતો,
ને ખોતો આત્મ ખમીર ;
પણ તુજ સ્પર્શ
દે ઉત્કર્ષ,
તનથી તૂટે જ્યાં જંજીર ;
છૂટે જ્યાં અંધાર પરાશ્રયનો,
ને તૂટે સૌ જંજીર ! ૧


ફરફર ખુલ્લા આકાશે
તુજ ધજા ઊડે અણરોધ ;
લે શ્વાસ પ્રમુક્ત પવનમાં તે
ને ભવ્ય પ્રભાને ધોધ ;
બંધન હરતી, વંદન કરતી,
ને કરતી સહુને વીર
ચેતન વાણ
ભરતી પ્રાણ,
તનથી તૂટે જ્યાં જંજીર ;
છૂટે જ્યાં અંધાર પરાશ્રયનો,
ને તૂટે સૌ જંજીર ! ૨

રે કોણ અહીં પૂરી દે
તુજ અંતરનું ચૈતન્ય ?
રે કોણ કદાપિ ડગાવી શકે
તુજ ઊંડી શ્રદ્ધા ધન્ય ?
દમદાટીથી કે લાઠીથી
ન નમે તુજ ઉન્નત શીર,
અડગ અજેય
એક જ ધ્યેય,
તનથી તૂટે ત્યાં જંજીર :
છૂટે જ્યાં અંધાર પરાશ્રયનો,
ને તૂટે સૌ જંજીર ! ૩


હો દેવી ! તુજ દૃઢતાનો
અમને દે પાશ લગાર ;
મૃત પત્રો જેવા ઉડવી દે
ભયના અમ સર્વ વિચાર !
જુલ્મોને ડારી દે, મારી
તુજ દૃગનાં તાતાં તીર !
ભરિયે નૂર,
થઇયે શૂર,
તનથી તૂટે જ્યાં જંજીર;
છૂટે જ્યાં અંધાર પરાશ્રયનો,
ને તૂટે સૌ જંજીર ! ૪


  1. તા. ૧૮-૯-૩૦.