લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/હિંદનું ઊગતું પ્રભાત

વિકિસ્રોતમાંથી
← હિંદનો વિજયડંકો રાષ્ટ્રિકા
હિંદનું ઊગતું પ્રભાત
અરદેશર ખબરદાર
હરિપુરા મહાસભાએ →





હિંદનું ઊગતું પ્રભાત*[]


• ગઝલ •

ઊઠો દેશી, ઊઠો સર્વે, હવે નિદ્રાથી જાગો રે !
ઉપર શો ભવ્ય આકાશે સજ્યો તેજસ્વી વાઘો રે ! — ઊઠો.

નથી આ કાળ સૂવાનો, ન ગાંજા ભંગનો માનો !
કરે કિલબિલ બધે કેવાં જુઓ કાળા જ કાગો રે ! — ઊઠો.

પવન પશ્રિમતણો હ્યાં રે તમાચો આવીને મારે,
તમારે મન ગુલાલે શુ મુખે દે એમ ફાગો રે ? — ઊઠો.

પડી રહી ખાટમાં પહોળા શુ ફેકો લાખ ગપગોળા ?
ઊઠો ! જાતે કમર કસીને, સ્વદેશે કામ લાગો રે ! — ઊઠો.

નથી હ્યાં બેસી હસવાનું, નથી હ્યાં પેટ કસવાનું !
તમારી નીંદમાં ભાઈ, થયો ભવ સર્વ નાગો રે! — ઊઠો.


તમે અંધારામાં પડી આ, વિચારો સ્વપ્નમાં જડિયા !
જશે તે સ્વપ્ન-અંધારે, નહી જો તેજ માગો રે ! — ઊઠો.

જુઓ દિનનાથ નિજ કરથી પ્રસાદી જાય દેતો શી !
તમે સૂઈ રહી ખોશો, ભલા, આલસ્ય ત્યાગો રે ! — ઊઠો.

ગરીબડી હિન્દને દ્વારે ઘૂસીને કાળ કર મારે,
કૂદીને મારી કાઢી એ, સ્વદેશી દુ:ખ ભાગો રે ! — ઊઠો.

તમો આ હિન્દના જાયા ! તમો નહિ જો ધારો માયા,
બિચારી ક્યાં જશે તો એ ? થશે સુખદીન આઘો રે ! ઊઠો.

ઊઠો ત્યારે બનો શૂરા ! ઝૂઝોને પ્રેમથી પૂરા !
સુણાવો હિન્દને મધુરા અદલ જયકાર રાગો રે ! — ઊઠો.


  1. *ઈ.સ. ૧૯૦૩