લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/અર્પણ

વિકિસ્રોતમાંથી
રાસચંદ્રિકા
અર્પણ
અરદેશર ખબરદાર
ચોકપ્રવેશ →



વિદ્યાભૂષણ, શાસ્ત્રવિશારદ,

સાહિત્ય,કવિતા અને કળાના ઊંડા અભ્યાસી અને કદરદાન,
મારા પરમસ્નેહી અને પરમહિતચિંતક

ડૉ. એરચ જહાંગીર સોરાબજી તારાપોરવાળાને

આભારની ઊંડી લાગણી સાથે

અર્પણ

≠≠≠

(અમ રે સાથે શું રાજ ! માયા ઉતારી)

મનડાંનાં મોતી ને હૈડાંના હીરા,
અણગણ ગુણભરી ગિરા :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

દિલથી નહીં દીઠું તે દીઠું નહીં આંખે,
દિલની દિલાવરી જે ચાખે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

ધગતા રણે પડી જે પ્રભુને સંભારે,
પ્રભુશા આવી ત્યાં કર ધારે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?


ગંગાના જળ ઝંખ્યાં તોયે ના દીઠાં;
પાયાં દેવગંગાનાં અમી મીઠાં :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

કરુણા કરુણાળુનાં નયને ને હૈયે,
પ્રભુજીનો સ્નેહ જ્યાંથી લહિયે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

ડુબતો ઉપાડ્યો ને નાવે બેસાડ્યો,
આંસુ લૂછીને હૂંફે લાડ્યો :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

દેવોનો વહાલો ને સ્નેહીનો માળોઃ
લાખોમાં એક કો નિરાળો !
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

અરદેશર ફરામજી ખબરદાર