રાસચંદ્રિકા/ઉષાનું ગાન

વિકિસ્રોતમાંથી
← વીજળી રાસચંદ્રિકા
ઉષાનું ગાન
અરદેશર ખબરદાર
ઉષા ને સંધ્યા →
. કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે.




ઉષાનું ગાન

♦ કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે. ♦


કે આભમાં ચાલે ઊંડી ગોઠડી રે,
કે હોલાતા રજનીના દીપ :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે;
કે ધીમે ઊઘડે બારી પૂર્વની રે,
ને આવું હસતી સર્વ સમીપ !
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૧

કે રવિરથની રજ આવે ઊડતી ર્રે,
કે ઊભી ધરણી લ ઈ ફૂલછાબ :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે;
કે ગુલપાંદડીઓ ઊડે આભમાં રે,
કે ભૂ પર ખરતાં આભગુલાબ ?
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૨


કે વાદળ વાદળ કૂદતી ઊતરું રે,
કે રજથી રાતાચોળ કપોલ :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ;
કે દૂરથી જોતાં ઓળા ભાગતા રે,
કે આવ્યો રંગતણૉ વંટોળ !
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૩

કે વૃક્ષ હીંચોળી નાખું સ્વર્ગનું રે,
કે જગ પર વેરું તેના મૉર :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ;
કે વહાલાં ! લૂંટજો એ આનંદને રે,
કે આશાને મૉરે આઠે પહોર !
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૪

કે આભે પાડું પ્રતિબિંબ સ્વપ્નનાં રે,
કે તેશું રમતાં રહો જન સર્વ :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે !
કે આવો મારા કુંકુમ મહોલમાં રે,
કે દિન દિન ઊઘડે મુજ નવપર્વ !
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૫


કે રવિરથ આવી થોભે બારણે રે,
કે આંગણે ઊતરશે નભદેવ :
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે !
કે દેવચરણમાં આશા સૌ ફળે રે -
કે મારે તો જાવું તતખેવ !
કે રસિયાં ! જોજો શુભની વાટડી રે ! ૬