રાસચંદ્રિકા/મહાગુજરાતની બહેનોને

વિકિસ્રોતમાંથી
← દેવીનાં નવચેતન રાસચંદ્રિકા
મહાગુજરાતની બહેનોને
અરદેશર ખબરદાર
રાસ →
. ઇતિહાસની આરસી સાહી, મેં જોયું માંહીં .




બૃહદ્‌ગુજરાતની બહેનોને

♦ ઇતિહાસની આરસી સાહી, મેં જોયું માંહીં ♦


વહાલાં ! આવોને આંગણ આજ, ઊતર્યાં અજવાળાં;
મોંઘી ગુર્જરી માતને કાજ રહિયે રઢિયળાં ! ૧

ઊઘડી ચોમેર દિગંત, નીગળે રસધારા;
ગ્રહી કિરણ કિરણના તંત, ગૂથિયે દિન ન્યારા. ૨

આ આથમણે અંધાર પૂર્યા જડપણમાં,
આ ચેતનના ચમકાર ચમક્યા ઉગમણમાં ! ૩

આવો-અવોને રસિયાં સર્વ, ગરબે રમવાને !
ગુણી ગુજરાતણનો ગર્વ રાખોને રસદાને ! ૪

હો સુંદર ને સુકુમાર, નાજુક નખરાળી;
હો ચંચળ ચતુરા નાર, હો બુદ્ધિશાળી  ! ૫

શાણી, શીલવંતિ ઠરેલ, ગૃહિણી ગુણગારી;
રૂપ રૂપ ને રંગ રસેલ, અલબેલી ન્યારી ! ૬

તેજસ્વી, જાજરમાન, સિંહણશી શૂરી;
સાગરશી સ્નેહનિધાન, પ્રતાપે હો પૂરી ! ૭


લક્ષ્મીશી પુણ્યઉદાર, સતી સંયમવતી;
હો સેવાનો અવતાર, યુગ યુગ ફોરંતી ! ૮

લજ્જાળુ લોચનલોલ, સોહાગણ રંભા :
હો વીરમૈયા અણમોલ, દેવી, જગદંબા ! ૯

આવો-આવો, આ રસના ઘાટ થયા કુંકુમવરણા,
ફૂલડે ફોરી તમ વાટ, ઊભર્યાં રસઝરણાં. ૧૦

સંગીત, નૃત્ય ને બોલ, ત્રિવેણીએ ઝીલવો,
જનઅંતરના રસઝોળ ઉરાઅંગણ ખીલવો ! ૧૧

પાકે ગુર્જરતીર પાસ, મોતીડાં છીપે;
જ્યાં જ્યાં ગુર્જરીના રાસ, ત્યાં ગુર્જરી દીપે ! ૧૨

ગુણગરવી છે ગુજરાત, ઔદાર્યે પૂરી,
સૌરાષ્ટ્ર કુશળ અભિજાત, રાજરમણ શૂરી ! ૧૩

છે કચ્છતણી રૂડી ખ્યાત સાહસભર પંડે,
મુંબઈશું મહાગુજરાત દીપે નવખંડે ! ૧૪

એવી ગુર્જરભૂમિની નાર, આવો રમવાને !
આ અદ્દલ લલિત લલકાર ભરજો રસગાને ! ૧૫

ફૂલફૂલની પાંદડી કૈંક થળથળ વેરાઈ :
લ્યો, ગૂંથી તે દઉં રસઐક્ય, રહો રસભર ગાઈ ! ૧૬