રાસતરંગિણી/કોયલ બહેની
← સખીઓને | રાસતરંગિણી કોયલ બહેની દામોદર બોટાદકર |
જનની → |
કેાયલ બહેની
( શે'રનો સુબો ક્યારે આવશે રે : એ ઢાળ)
વાગે વધાઈ વસન્તની રે,
ફૂલડે ઊડે એની ફોર રે, કોયલ બહેની !
એક 'કુહૂ' કર અાજતું રે.
મ્હોરી લતા કંઈ માંડવે રે,
મીઠો અાંબલિયાનો મ્હોર રે, કોયલ બહેની ! એક૦
વન વન વેણ વિહંગનાં રે,
ઘર ઘર ગાજતાં ગાન રે, કોયલ બહેની ! એક૦
સૂનાં લાગે સહુ એ સખિ ! રે,
પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બહેની ! એક૦
આજ કળી ઉઘડી રહે રે,
ઉઘડે અબોલણ ઉર રે, કોયલ બહેની ! એક૦
અંતર એમ ઉધાડજે રે,
સંતાડ્યા છેડજે સૂર રે, કોયલ બહેની ! એક૦
અાજ રહે ક્યમ રૂસણાં રે,
આજ થવાં શાં ઉદાસ રે, કોયલ બહેની ! એક૦
ઊભી સખી આવી અાંગણે રે,
પ્રેમનો કરજે પ્રકાશ રે, કોયલ બહેની ! એક૦
કાલ્ય વસન્ત વહી જશે રે,
આભમાં ઉડશે આગ રે, કોયલ બહેની ! એક૦
આવશે મેઘ આષાઢનો રે,
વીજળી પામશે વાજ રે, કોયલ બહેની ! એક૦
દાદુરનાદ ડરાવશે રે,
ઝિલ્લી તણા ઝણકાર રે, કોયલ બહેની ! એક૦
માન ત્યારે મન રાખજે રે,
અવર તણે અધિકાર રે, કોયલ બહેની ! એક૦
આજ રાણી તું તો રાગની રે,
સૌરભને શણગાર છે, કોયલ બહેની ! એક૦
વેદઋચા તું વસન્તની રે,
ધીમી સુધા કેરી ધાર રે, કોયલ બહેની !
એક 'કુહૂ' કર અાજનું રે