રાસતરંગિણી/સખીઓને

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
રાસતરંગિણી
સખીઓને
દામોદર બોટાદકર
કોયલ બહેની  →


<poem>

સખીએાને

(જે કોઈ અંબિકાજી માતને આરાધશે રે લોલ : એ ઢાળ)

સખિ ! આવોને આજ મારે અાંગણે રે લોલ, હું તો પૂજીશ પ્રેમભરી પાંપણે રે લોલ.

સખિ ! આવો તો રાસરંગ ખેલશું રે લોલ, સૂના ઉરમાં સોહાગ કૈંક સિંચશું રે લોલ.

સૂના મંદિરને ગાનથી ગજાવશું રે લોલ, સૂના જગમાં આનંદ ઉછળાવશું રે લોલ.

શીળી ચંદાનાં શીત ઝરણ ઝીલશું રે લોલ, એના અમૃતથી ન્હાઈશું–ન્હવાડશું રે લોલ.

તપ્યા તરણિનો તાપ બધો ઢોળશું રે લોલ, રૂડાં રજની–રાણીનાં હૃદય રંગશું રે લોલ.

પુણ્ય પડધા તે પ્રેમ તણા પાડશું રે લોલ,
મોળા મનના અબોલડા મટાડશું રે લોલ.

ભર્યા ભવના અનેક ભેદ ભાંગશું રે લોલ,
કૈંક વીત્યાં વિયોગનાં વિસારશું રે લોલ.

સખિ ! આવો વસન્ત કેરી વાડીએ રે લોલ,
મધુમંડપ નિકુંજ-કુંજ માંડીએ રે લોલ.

વહાલભીની વસન્તને વધાવીએ રે લોલ,
મીઠી કેાયલના કાનને જગાડીએ રે લોલ.

નવી ક્યારીમાં રોપ નવા રોપીએ રે લોલ,
એને આછાં તે નીરથી ઉછેરીએ રે લોલ.

કૈંક અણખીલી પાંખડી ખિલાવીએ રે લોલ,
વિશ્વ૫ન્થે સુગન્ધ પુષ્પ વેરીએ રે લોલ.

અમરગંગાને આભથી ઉતારીએ રે લોલ,
અમરવેલિની છાંય બધે છાઈએ રે લોલ.