રાસતરંગિણી/જળઝીલણી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પનઘટ રાસતરંગિણી
જળઝીલણી
દામોદર બોટાદકર
દેવર →


જળઝીલણી

(નાગર ! ઊભા રહો રંગરસિયા–એ ઢાળ)

આજ આનન્દજળઝીલણી રે,
સહિયર ! આવો એ જળ ઝીલવા.
ઊછળે અનંત રસરેલ રે, સહિયર ! આવો

સાજે સોહાગ સરિતસુન્દરી રે, સહિયર ! આવો
ઉરમાં તે એક અલબેલ રે. સહિયર ! આવો

ચન્દાને ચોક ચડી ચાંદની રે, સહિયર આવો
આશાભરી ઉભરાય રે; સહિયર ! આવો

શીળી શી શારદ રાતડી રે, સહિયર ! આવો
મીટે–મીટે મલકાય રે. સહિયર ! આવો

પ્રીતિને પૂર જગત્‌ઝીલણી રે, સહિયર ! આવો
સેરે-સેરે નવાં નીર રે; સહિયર ! આવો

હૈયે તરંગ રૂડા હિંચતા રે, સહિયર ! આવો
તેજે ભર્યાં એનાં તીર રે. સહિયર ! આવો

વાલ્યમનાં વહાલ વહે વેગથી રે, સહિયર ! આવો
ભરતી શી ભાવની ભરાય રે, સહિયર ! આવો

અમૃતના ઓઘભરી આંખડી રે, સહિયર ! આવો
મુખડે મીઠાશ નહિ માય રે, સહિયર! આવો


એવો પ્રભુજીના પ્રેમને રે સહિયર ! આવો૦
સાગર શો છલકાય રે, સહિયર ! આવો૦
ઉરની ૨ચાવી રૂડી અંજલિ રે, સહિયર ! આવો૦
ઝીલો ઝરણ વહ્યાં જાય રે.
સહિયર ! આવો એ જળ ઝીલવા.