રાસતરંગિણી/દેવર

વિકિસ્રોતમાંથી
← જળઝીલણી રાસતરંગિણી
દેવર
દામોદર બોટાદકર
સાસુ →



દેવર

(કોઈ વારોને નન્દના કુંવરને–એ ઢાળ )
મારી વાડી ફુલી ફુલવેલીએ,
માંહિ મોગરો એક અમેાલ રે,
દેરીડો સખિ! મનમીઠડો;
દીપે ડોલરિયે કુળદીવડો,
એના ફૂલ શા બાલુડા બોલ રે, દેરીડો૦

એ તે તારલિયો અમ આભનો,
ઝીણા તેજભર્યો ઝળકાય રે; દેરીડો૦
એ તે કુણો કમળ કેરો ડોડવો,
મારા મીઠા સરોવરમાંય રે. દેરીડો૦

અભિલાખભરી એની અાંખડી,
એને મોઢડે મહેકે મીઠાશ રે; દેરીડો૦
માંહિ શોભે શરમ કેરા શેરડા,
ભેળા ઉરના શા ઉજળા ભાસ રે ! દેરીડો૦

એ તો ભમરો ઊડે અમ આંગણે,
કાંઈ ગુંજન ઝીણલાં ગાય રે, દેરીડો૦
મને 'ભાભી' ના બોલે બેલાવતાં;
કેવાં ભીનાં વદન ભરાય રે ! દેરીડો૦

હું તો વીરવિજોગણ ઝૂરતી,
ઉર વહાલ રહ્યું ઉભરાઈ રે; દેરીડો૦
એ તો દિયર તણે દિલ રેડતાં,
મારા હૈયામાં હરખ ન માય રે ! દેરીડો૦

એને નાનીશી લાકડી લાવશું,
એના કુમળા પૂરશું કોડ રે; દેરીડો૦
જળ ભરવા જશું અમે સંગમાં,
જગ રીઝશે જોઈન જોડ રે. દેરીડો૦

અણખીલી એની ઉરપાંખડી,
અમે ખીલવશું દઈ ખાત રે. દેરીડો૦
ભવ૫ન્થ બતાવશું ભાવથી,
રાખી અાંગળીએ દિનરાત રે. દેરીડો૦