રાસતરંગિણી/નણદી

વિકિસ્રોતમાંથી
← સાસુ રાસતરંગિણી
નણદી
દામોદર બોટાદકર
સમોવડ →


<poem>

નણદી (નાથ ! આજ આવોને મારે ઓરડે-એ ઢાળ)

ઊગ્યો આજ આદિત્ય આશાભર્યો, એનો ઓછો રે –કાંઈ ઓછો ઉજાસ; નણદી ! આવો ને, મારે આંગણે.

મારે બારણે બોલ બળેવના, એનાં એાછાં રે- હજુ ઓછલાં હાસ. નણીદી ! આવોને૦

હું તે નેહભર્યા દઉં નોતરાં, વહેલા આવો રે મારા ઉરના ઉજાસ; નણદી૦ પરદેશણ આવાને પોપટી, મારે હૈયે રે રૂડાં હીંચજો હાસ. નણદી૦

જરી ઝબકો વિજોગણ વીજળી ! અજવાળો રે મારા રંક અાવાસ; નણદી૦ આવો-આવોને મહિય૨મીઠડાં, તમે આવોને મારી સાસુના શ્વાસ. નણદી૦

બળિરાય સમા તમ બન્યવા, વારે વારે રે જુએ બહેનની વાટ; નણદી૦ તમે આવો 'રમા' લઈ રાખડી,

અમ ઉરના રે ઊંડા હરજો ઉચાટ. નણદી૦
<poem>

લૂખી-લૂખી અાશિષ તે લેકની, એવા લૂખા રે એના સંગના લહાવ;નણદી૦ રસે ભીની રૂડી તમ રાખડી, એવા ભીના રે ભોળા હૈયાના ભાવ. નણદી૦

તમ પાવન પાયને પૂજતાં, મારાં પળમાં રે સહુ પાપ પળાય; નણદી૦ એક ઊધડે અાંખ અધુકડી, મારે ભવને રે રૂડાં ભાગ્ય ભરાય. નણદી૦

તમને આપું નમન મારા નેણનાં, આપું–આપું રે મારા હૈડાના હાર; નણદી૦ અાછા ઉરની ઉતારીશ અારતી, વહાલાં આવો રે મારાં દાનનાં દ્વાર. નણદી૦

મારાં બાળાં–ભોળાં શાં ભાણેજડાં ધરી અકે રે એને લાવજો સંગ; નણદી૦ એને મીઠડાં લાડ લડાવવા, ઉર ઊંડો રે કાંઈ ઉછળે ઉમંગ. નણદી૦

તમે રીઝો તો રીઝી રમા રહે, દુભવતાં રે કાંઈ દેવ દુભાય; નણદી૦ તમ હેતમાં હેત પ્રભુ તણાં, તમ સંગે રે સહુ તીર્થ સદાય. નણદી૦