રાસતરંગિણી/ભવસાગર

વિકિસ્રોતમાંથી
← પોયણી રાસતરંગિણી
ભવસાગર
દામોદર બોટાદકર
અમાસ →


ભવસાગ૨


(ચાલો જોવાને જઈએ– એ ઢાળ)

જો ! જો ! સખિ ! પેલો સાગર ગાજે,
રંગતરંગ શા રાજે રે !
ભવસાગર ગાજે.

ગાન મધુર રહે કંઈ ગાતો,
કૈંક વદે ઝીણી વાતો રે; ભવસાગર૦

એ સમજે ઉર કેાઈ સુહાગી,
જે રસનાં અનુરાગી રે; ભવસાગર૦

માંહિ ભર્યાં મોંઘાં મૂલનાં મોતી,
ગુણિયલ લે જન ગોતી રે, ભવસાગર૦

ઊભા ખડક એના ઊરમાં અલી !
નાવિક રહે છે નિહાળી રે; ભવસાગર૦

સામે તીરે પ્રભુધામ પનોતાં,
જગતની વાટડી જોતાં રે, ભવસાગર૦

કૈંક તરે, વળી કૈક તરેલાં,
દેવને દેશ વસેલાં રે, ભવસાગર૦

ભારભર્યાં બહુ ડૂબતાં દીઠાં,
જે મનમાં નહિ મીઠાં રે, ભવસાગર૦

ચલો સખિ ! એમાં સંગ ઉતરીએ,
તીરને પામવા તરીએ રે; ભવસાગર૦

હેત તણી રચીએ રૂડી હોડી,
જાવ તરી દોડી-દોડી રે; ભવસાગર૦