રાસતરંગિણી/અમાસ

વિકિસ્રોતમાંથી
← ભવસાગર રાસતરંગિણી
અમાસ
દામોદર બોટાદકર
વાદળી →


અમાસ

(લાવો હરિ ! મારો હારલો, પહેરી મંદિર જાશું– એ ઢાળ.)

સૂની દિશા સખી શામળી, સૂના આભ ઊંચેરા,
સૂને ઉરે રજની રડે મુખ ઘુંઘટ ઘેરા;
પ્રીતમજી પરદેશમાં એને હોય શાં હસવાં ?
વેળા ભૂંડી વિરહે ભરી તોય વેઠીને વસવાં.

કાળની કાળ૫ કાળજે, ઓઢી કામળી કાળી,
એકલડી અલબેલડી ઝૂરે બહાવરી બાળી;
ઊંચી થતી વળી આકળી પિયુને નવ પેખે,
વહાલપનો વરસાદ એ દિલડે નહિ દેખે.

તરવરતા નવ તારલા હસે હૈયું હસાવા,
મુખડું જરી મલકાવતી એનાં હૃદય રીઝાવા;

અંતરની પણ આપદા એ તો એવી ને એવી,
વીતકની ઉરવાતડી કોની આગળ કહેવી ?

ડોલે ઘણા ઘરદીવડા સુખસોણલાં જેવા,
ઊગી-ઊગી જતા આથમી દુઃખ આખર દેવા;
શેાકમાં શોક વધારતી ઘર વાદળી ઘેરી,
એક જતાં જગ સામટું વસતું બની વેરી.

વા તણા પણ વિંજણા નહિ તાપ નિવારે,
વ્યોમ નદી કેરાં વારિ એ ધડીએ નહિ ઠારે;
ક્યાંય ઉજાસ ન આભમાં જીવડો ક્યમ જંપે ?
ભાનુ તણા ભણકારથી કુણાં કાળજાં કંપે.