લખાણ પર જાઓ

રાસતરંગિણી/વાદળી

વિકિસ્રોતમાંથી
← અમાસ રાસતરંગિણી
વાદળી
દામોદર બોટાદકર
ઝેર →


વાદળી

(શીખ સાસુજી દે છે રે, વહુજી રહો ઢંગે –એ ઢાળ.)

ઊંચા આભને અંકે રે, વસુ હું તો વાદળડી,
કૈક ભાવથી ભીની રે ઝીણી મારી જાતલડી;
મારો કન્થ કોડીલો રે મનોહર મેહુલિયો,
રસગાનને ગાતો રે નેહે ભર્યો નાવલિયો.

ઉર એક અમારાં રે, ન્યારા તન તેમ નહિ,
એમાં હું ને એ મુજમાં રે એવી રસરીત રહી;
મારું પિયર પનોતું રે સોહે સખિ! સાગરમાં,
એનાં નીર નવેલાં રે ભર્યાં મુજ અંતરમાં.

<poem>

ભલે ખાર ભરેલાં રે કોડે હું તો પાન કરું, પણ વિશ્વની પાસે રે ભલા કરી ભેટ ધરું; ભર્યા ભાગ્યના ભેદ રે ભૂંડા–ભલા ભોગવવા, પણ જગત ન જાણે રે છાના ઉર સંધરવા.

ઊંડી અંતર પીડા રે કહેવા નહિ કેાઈ કને, એવી નારીની નીતિ રે અમે મનમાંય મરે; વીતી વાત વિસારી રે સદા હરખે હસવું, એવું દોહ્યલું ઊંચે રે વિમાન ચડી વસવું.

કદી સ્વામીની સાથે રે હિંડોળામાં હિંચકતી, કદી સહિયર સંગે રે રૂડા રહું રાસ રચી; તાપ તરીણિનો તીખા રે મુખે શિર સાંખી રહું, પણ પ્રાણીને કાજે રે સુહાગણ છાંય દઉં.

કદી ચાલતી ચંદા રે આવી મુજ ગેાદ વસે, ઘડી- બેઘડી બેસી રે જતાં નવાં હેતે હસે; ઉરમાંહી આળોટી રે તારાગણ થાક ત્યજે, જનની ઉર જેવો રે મીઠો મુજ ભાવ ભજે.

એવાં કૈંક અમૂલાં રે રહું હું તે કાજ કરી, પણ જગતને જોતી રે પળે નહિ આંખ પરી; દવ ડુંગરે લાગે રે ઝૂરી-ઝૂરી ઝાડ મરે, કંઈ નદીઓ ને નાળાં રે ખાલી થઈ ખેદ કરે.

એની આપદ હરવા રે ઉતાવળી થાઉં અતિ, જઈ પ્રેમથી પૂછું રે પોઢે જહાં પ્રાણપતિ;

એની સંમતિ સાધી રે શીળી–શીળી ધાર સજું ,
જગકારણ જોને રે હસી-હસી પ્રાણ ત્યજું.

મરું તોય ન મૂકું રે સ્વભાવનો સ્નેહ કદી,
ફુલડાં સમ ફોરાં રે ઝીણાં દઈ જાળવતી;
એવાં પુણ્યથી પામું રે ફરી સુરધામ સખિ !
એ જ જોડ અમારી રે હમેશ રહે હરખી.