રાસતરંગિણી/વાલ્યમનાં વેણ

વિકિસ્રોતમાંથી
← રૂપાળી રાત રાસતરંગિણી
વાલ્યમનાં વેણ
દામોદર બોટાદકર
હિંડોળ →


વાલ્યમનાં વેણ
(મારી માને કે'જો તે આણાં મોકલે રે–એ ઢાળ)


ગાજે વડલે વિહંગતણા ગાનથી રે,
માંહે ટહુકે કળાયલ મોર,
મને વહાલાં વાલ્યમજીનાં વેણલાં રે;

એવો ઉરને આનન્દ એક બોલડે રે
એ તો લાગે કાળજડાની કોર. મને ૦

એને અમૃત તો એક-એક અક્ષરે રે,
સખિ ! શીળા–શીળા એના સૂર મને૦

રોમે-રોમે રૂડો રસ રાજતો રે,
ચડે હૈયામાં પ્રેમતણાં પૂર. મને ૦

જાણે વરસે કો મન્દ મન્દ મેહુલો રે,
સરે આછી સલિલકેરી સેર, મને૦

જાણે ફૂલડાં ઝરે કોઈ ફોરતાં રે,
લળી આવે સાગરતણી લહેર. મને ૦

દીસે જાદુ જરૂર એની જીભમાં રે,
હું તો ભૂલી ગઈ તનભાન. મને ૦

રહે મનને નચાવી એની મોરલી રે,
મારા ઉરનો કોડીલો એ કા'ન. મને૦

ભલે વરસે અંગાર કોઈ આભથી રે,
ભલે કરવતથી કાળજું કપાય. મને૦

રહે રસની સરિત ઉરે રેલતી રે,
પડી જૂઠા સંતાપ સહુ જાય. મને૦